- National
- શું છે રૂ. 658 કરોડનું નકલી ITC કૌભાંડ, EDએ મોટી કાર્યવાહી કરી, અનેક સ્થળોએ દરોડા
શું છે રૂ. 658 કરોડનું નકલી ITC કૌભાંડ, EDએ મોટી કાર્યવાહી કરી, અનેક સ્થળોએ દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ લગભગ 658 કરોડ રૂપિયાના નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) કૌભાંડના સંદર્ભમાં ઝારખંડ, મણિપુર અને કોલકાતા સહિત ઘણા રાજ્યોમાં એક સાથે દરોડા પાડવાનું શરૂ કર્યું છે. આ કાર્યવાહીમાં એ વ્યક્તિઓ અને કંપનીઓના સ્થળો પર તપાસ કરવામાં આવી રહી છે, જેમના પર આ મોટા ટેક્સ ફ્રોડ સાથે જોડાયેલા હોવાની આશંકા છે. EDનું ઇટાનગર યુનિટ આ કામગીરીનું નેતૃત્વ કરી રહ્યું છે, જેમાં સંબંધિત રાજ્યોની પોલીસ પણ સહયોગ કરી રહી છે.
તપાસમાં સામે આવ્યું છે કે, કેટલીક કંપનીઓએ કોઈપણ સામાન કે સેવાઓની વાસ્તવિક ખરીદ-વેચાણ વિના, નકલી ઇનવોઇસના આધારે ITCનો ખોટો ફાયદો ઉઠાવ્યો. આ પ્રકારની છેતરપિંડીથી સરકારી તિજોરીને ભારે નુકસાન થાય છે અને સામાન્ય રીતે તેનો સંબંધ મની લોન્ડ્રિંગ અને શેલ કંપનીઓના નેટવર્ક સાથે પણ હોય છે.
આ મામલો અરુણાચલ પ્રદેશના ઇટાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR સાથે જોડાયેલો છે. ફરિયાદમાં રાકેશ શર્મા અને આશુતોષ કુમાર ઝા સહિત અન્ય અજાણ્યા વ્યક્તિઓ પર છેતરપિંડી કરવા અને નકલી દસ્તાવેજો બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, M/s સિદ્ધિ વિનાયક ટ્રેડ મર્ચન્ટ્સ નામની એક નકલી કંપની દ્વારા લગભગ 658.55 કરોડ રૂપિયાના નકલી બિલ બનાવવામાં આવ્યા હતા, જેના આધાર પર 99.31 કરોડ રૂપિયાના ખોટા ITC ક્લેમ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ખેલમાં, વિવિધ રાજ્યોમાં ફેલાયેલી 58 શેલ કંપનીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ED હવે એ વાતની તપાસ કરી રહી છે કે નકલી ITCને અનેક સ્તરોમાં કેવી રીતે ફેરવવામાં આવ્યું હતું અને આ પ્રક્રિયામાં કેટલા પૈસા મની લૉન્ડ્રિંગ દ્વારા આમ તેમ કરવામાં આવ્યા હતા. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે, અને આગામી સમયમાં અન્ય સ્થળોએ દરોડા પાડી શકે છે.

