- National
- ઇથેનોલથી પેટ્રોલ પંપ માલિકોને પણ ફટકો? ચોમાસા અને દરિયાકાંઠામાં વધુ
ઇથેનોલથી પેટ્રોલ પંપ માલિકોને પણ ફટકો? ચોમાસા અને દરિયાકાંઠામાં વધુ
હાલ સુધીમાં E20 એટલે કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી એવરેજ ઘટી જતી હોવાની ચર્ચા ચારેકોર થઇ રહી હતી પરંતુ તેની સાથે હવે પેટ્રોલ પંપ માલિકોને પણ ફટકો પડે તેવા સમાચાર આવી રહ્યા છે. વાત એવી છે કે હાલ ચોમાસાની સિઝન છે. ઇથેનોલ પાણીને આકર્ષિત કરે છે. ચોમાસામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી પેટ્રોલની ટાંકીઓમાં પાણીનું પ્રમાણ વધી શકે છે. તેના કારણે વાહનોમાં પણ મુશ્કેલી ઊભી થઇ શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના પ્રદેશોમાં આ મુશ્કેલી વધુ આવી શકે છે. ધ હિન્દુના એક રિપોર્ટ મુજબ તાજેતરમાં પેટ્રોલ પંપ ડીલર્સ દ્વારા આ ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.

આ છે સમસ્યા
પેટ્રોલપંપ માલિકોનો દાવો છે કે E20 પેટ્રોલ (20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ) પાણીથી દૂષિત થવાની શક્યતા વધી જાય છે. તેની પાછળનું કારણ એ છે કે પહેલા શુદ્ધ પેટ્રોલ હતું. શુદ્ધ પેટ્રોલ ભેજને આકર્ષિત કરતું નથી. એટલે તેમની ટાંકીઓમાં પાણી ભેગું થવાની સમસ્યા ન હતી. હવે પેટ્રોલ ઇથેનોલવાળું આવી રહ્યું છે. ઇથેનોલની પ્રકૃતિ હાઇગ્રોસ્કોપિક (Hygroscopic) છે. એટલે કે તે હવામાં રહેલા ભેજને પોતાની તરફ ખેંચે છે. જો હવામાં ભેજનું પ્રમાણ વધુ હોય તો ઇથેનોલ તેને ખેંચે છે. જો પેટ્રોલ પંપની ભૂગર્ભ ટાંકીમાં અથવા વેન્ટ સિસ્ટમ દ્વારા ભેજ પ્રવેશે, તો ઇથેનોલ તે પાણીને પોતાની સાથે ભેળવી લે છે. હવે જો પાણીનું પ્રમાણ વધે તો પેટ્રોલ અને ઇથેનોલનું મિશ્રણ અલગ પડી શકે છે (Phase Separation).આવી સ્થિતિમાં વાહનમાં પાણીયુક્ત ઇંધણ જવાની શક્યતા રહે છે.
11.jpg)
ચોમાસા અને દરિયાકાંઠા વિસ્તારમાં સમસ્યા કેમ વધુ
ચોમાસામાં હવામાં ભેજનું પ્રમાણ 90થી વધુ હોય છે. જો આપણે હવામાન ખાતાના અહેવાલને જોઇએ તો તેમાં આપણને RHની ટકાવારી બતાવાય છે. આ આરએચ એટલે રીલેટિવ હ્યુમિડિટી. એટલે કે હવામાં રહેલો ભેજ. આ ભેજ ચોમાસાના સમયમાં 90 ટકાની આસપાસ હોય છે. તે પછી અમદાવાદ હોય કે સુરત. પરંતુ જે વિસ્તારો દરિયાકાંઠાના છે એટલે કે સુરત જેવા શહેરો ત્યાં ચોમાસા સિવાય પણ ભેજનું પ્રમાણ ઊંચુ રહે છે. એટલે દરિયાકાંઠા વિસ્તારના પેટ્રોલ પંપોમાં આ સમસ્યા આખું વર્ષ રહેવાની શક્યતા છે.
https://twitter.com/Benarasiyaa/status/2077378675964776800
વાહન પર શું અસર થઈ શકે?
એન્જિન સ્ટાર્ટ થવામાં તકલીફ
મિસફાયર અથવા ઝટકા
માઇલેજમાં ઘટાડો
ફ્યુઅલ પંપ અને ઇન્જેક્ટરને નુકસાન
લાંબા ગાળે કાટ (Corrosion) થવાની શક્યતા

પેટ્રોલ પંપ ડીલર્સ શું કહી રહ્યા છે?
ડીલર્સનું કહેવું છે કે હાલની ઘણી ભૂગર્ભ સ્ટોરેજ ટાંકીઓ જૂના પ્રકારના પેટ્રોલ માટે બનાવવામાં આવી હતી. વધુ ઇથેનોલવાળા E20 માટે જરૂરી ભેજ-નિયંત્રણ અને સ્ટોરેજ વ્યવસ્થા દરેક જગ્યાએ ઉપલબ્ધ નથી. તેથી ચોમાસામાં આ સમસ્યા વધુ જોવા મળી શકે છે.
અગાઉ ભેજ કે પાણી દૂર કરવા શું વ્યવસ્થા હતી?
પેટ્રોલની ટાંકીઓ સ્ટીલની બનાવવામાં આવે છે. અગાઉ પણ ચોમાસા કે દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલમાં ભેજ પ્રસરીને પાણી ભેગું થવાની સમસ્યા તો રહેતી જ હતી પરંતુ તે માટે કંપનીઓ વ્યવસ્થા કરતી હતી. સમય સમય પર ચેંકિગ અને ભેજ દૂર કરવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી. ટાંકીને કાટ લાગે તેને અટકાવવાની વ્યવસ્થા પણ કરાતી. પરંતુ હવે આ એક નવી સમસ્યાની વાત બહાર આવી રહી છે. ઇથેનોલની ભેજને આકર્ષિત કરવાની પ્રકૃતિને કારણે હવે પેટ્રોલમાં વધુ પ્રમાણમાં પાણી ભેગું થવાની શક્યતા નકારી શકાતી નથી. આ ઉપરાંત ટાંકીને કાટ લાગવાની શક્યતા પણ રહે છે. આ અંગે વધુ અભ્યાસ કરીને તેનો ઉકેલ લાવવો જરૂરી બની ગયું છે.
વાહનચાલકો માટે સલાહ
વિશ્વસનીય અને વધુ વેચાણ ધરાવતા પેટ્રોલ પંપ પરથી જ ઇંધણ ભરાવો.
જો અચાનક એન્જિનમાં ઝટકા, સ્ટાર્ટિંગની સમસ્યા અથવા માઇલેજ ઘટે તો તરત તપાસ કરાવો.
વાહન ઉત્પાદક દ્વારા E20 ઇંધણ અંગે આપવામાં આવેલી માર્ગદર્શિકા અનુસરો.

