- National
- ફડણવીસ અને મેં તો અદલાબદલી કરી, અજીત પવારની ખુરશી ફિક્સ છે, આ શું બોલી ગયા શિંદે?
ફડણવીસ અને મેં તો અદલાબદલી કરી, અજીત પવારની ખુરશી ફિક્સ છે, આ શું બોલી ગયા શિંદે?

આજથી મહારાષ્ટ્ર વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. બજેટ સત્રની શરૂઆત અગાઉ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને બંને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજીત પવારે રવિવારે કેબિનેટની બેઠક કરી હતી. સરકાર તરફથી એક ચા પાર્ટી રાખવામાં આવી હતી, જેનો વિપક્ષે બહિષ્કાર કર્યો હતો. ચા પાર્ટી બાદ મુખ્યમંત્રી આ બંને નાયબ મુખ્યમંત્રીઓએ પ્રેસને સંબોધિત કરી હતી.
આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મજાકમાં કહ્યું હતું કે, ફડણવીસ અને મેં ખુરશી (CM અને DyCM પદ)ની અદલાબદલી કરી છે, પરંતુ અજીત પવારની ખુરશી (ડેપ્યુટી મુખ્યમંત્રી પદ) ફિક્સ છે. તેમના આ નિવેદન પર ભારે હાસ્ય થયું હતું. તેના પર અજીત પવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો હાથ પકડીને એકનાથ શિંદે તરફ જોતા કહ્યું કે, હવે તમે તમારી ખુરશી ફિક્સ રાખી ન શક્યા, તો હું તેમાં શું કરી શકું? આ વાત પર પણ ખૂબ હાસ્ય થયું.

ફડણવીસ પણ હસ્યા અને પવાર તરફ હાથ ઈશારો કર્યો. પછી ફડણવીસે મામલો સંભાળ્યો અને કહ્યું કે, અમારી પાસે રોટેટિંગ ચેર છે. પત્રકારોને સંબોધતા એકનાથ શિંદેએ કહ્યું હતું કે મુખ્યમંત્રી ફડણવીસ અને મારી વચ્ચે કોઈ શીત યુદ્ધ નથી, આ ગરમીમાં બધું કુલ-કુલ છે. તમે મીડિયાવાળા ગમે તેટલી બ્રેકિંગ બનાવી લો, અમારી વચ્ચે કોઈ બ્રેક નહીં થાય. અમે ઈચ્છીએ છીએ કે બજેટ સત્રમાં વિપક્ષ પણ અમને સમર્થન અને સહકાર આપે.

વિપક્ષની સ્થિતિ 'હમ સાથ સાથ હૈ' જેવી નથી, પરંતુ 'હમ આપકે હૈ કૌન' જેવી છે. વિપક્ષમાં જ પરસ્પર ખેચતાણ અને નારાજગી છે. અમારી સરકારમાં બધું બરાબર છે, ક્યાંય મતભેદ નથી. જોઈ રહ્યો છું કે આજકાલ રોજ સમાચાર આપવામાં આવી રહ્યા છે કે, આજે મેં આ સ્થગિત કરી દીધું છે, કાલે તેણે સ્થગિત કરી દીધું, પરંતુ આ બધા સમાચારોમાં કોઈ સત્ય નથી. મીડિયા સરકારનો પક્ષ પૂછીને સમાચાર આપે. સોશિયલ અને ડિજિટલ મીડિયાના યુગમાં સમાચારો ઝડપથી બધે સર્ક્યૂલેટ થાય છે, એટલે ખોટા સમાચાર ન આપો. મુખ્યમંત્રીએ કહ્યું કે લાડલી બેહન યોજના બંધ નહીં થાય.