- National
- હાર્ટ એટેક અગાઉ મળશે એલર્ટ, દિલ્હીમાં બનેલી આ ચિપ બચાવશે તમારો જીવ!
હાર્ટ એટેક અગાઉ મળશે એલર્ટ, દિલ્હીમાં બનેલી આ ચિપ બચાવશે તમારો જીવ!
દિલ્હીની મિરાન્ડા હાઉસ કોલેજે DRDO સાથે મળીને એક ચિપ બનાવી છે જે સૈનિકોને હાર્ટ એટેક આવે તે અગાઉ વોર્નિંગ આપી દેશે. આ 'મેડ ઇન ઇન્ડિયા' ડિવાઇસ હિમાલય જેવા ઠંડા પ્રદેશોમાં સેવા આપતા સૈનિકો માટે ખૂબ જ ઉપયોગી છે, જ્યાં તાપમાન શૂન્યથી નીચે જતું રહે છે અને લોહી ગંઠાઈ જવાનું જોખમ વધારે રહે છે.
ઇન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, આ ચિપનું નામ BioFET છે. તે એક નાનું, પોર્ટેબલ ડિવાઇસ છે, જે લોહીના નમૂનાથી 3 ખાસ બાયોમોલેક્યૂલ્સ (બાયોમાર્કર્સ) એકસાથે તપાસે છે. આ 3 વસ્તુ સીધા હાર્ટ એટેક સાથે જોડાયેલ છે. જો તેમનું લેવલ નક્કી સીમા કરતા વધી જાય છે, તો ઉપકરણ તરત જ જોખમની ચેતવણી આપે છે.
આ ડિવાઇસ ગ્લૂકોમીટરની જેમ કામ કરે છે. સૈનિકે માત્ર પર થોડી માત્રામાં બ્લડ સીરમ (લોહીનો પ્રવાહી ભાગ) ચિપ લગાવવાનું હોય છે. પછી ડિવાઇસ સ્ક્રીન પર પરિણામો બતાવે છે, જે બાયોમાર્કર્સનું સ્તર અને દર્દી સુરક્ષિત છે કે નહીં તે જણાવે છે. જો જોખમ દેખાય તો તાત્કાલિક એલર્ટ મળી જાય છે. આનાથી ડૉક્ટર અથવા મેડિકલ ટીમને ઝડપથી જાણકારી મળી જાય છે કે સૈનિકને બેઝ કેમ્પ અથવા હોસ્પિટલમાં લઈ જવાની જરૂર છે.
કેમ આટલું મહત્ત્વનું છે?
હિમાલય જેવા ઊંચા વિસ્તારોમાં ખૂબ ઠંડી પડે છે. એવામાં, લોહી જાડું થાય છે, જેના કારણે લોહી ગંઠાઈ જવાની શક્યતા વધી જાય છે. આ અચાનક હાર્ટ એટેકનું જોખમ વધારે છે. સમયસર જાણ ન થવાને કારણે ઘણા સૈનિકો જીવ ગુમાવે છે.
BioFET ચિપથી પહેલા જ જોખમની માહિતી મળી જશે, જેથી સમયસર સારવાર મળશે અને બચવાની શક્યતાઓ વધશે. આ પ્રોજેક્ટ લગભગ 5 વર્ષમાં પૂર્ણ થયો. પહેલા 2-3 વર્ષ સંશોધન પર ખર્ચવામાં આવ્યા, ત્યારબાદ છેલ્લા 2 વર્ષ DRDO સાથે મળીને તેના પર કામ કરવામાં આવ્યું.
પ્રોફેસર મોનિકા તોમરે ટીમનું નેતૃત્વ કર્યું હતું. ટીમમાં મિરાન્ડા હાઉસના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોનો સમાવેશ થાય છે. સાથે જ દિલ્હી યુનિવર્સિટીની ઘણી અન્ય કોલેજોનો સહયોગ રહ્યો હતો. ટીમે કેટલાક સાધનો જાતે બનાવ્યા, જેથી ખર્ચ 50-60% ઓછો થઇ ગયો. અગાઉ, આવા ઉપકરણો આયાત કરવા પડતા હતા, જે મોંઘા હતા.
આ એક નાનું અને સરળતાથી કેરી કરવા લાયક ઉપકરણ છે. હાલમાં, તે પ્રોટોટાઇપ સ્ટેજમાં છે અને DRDOને સોંપવામાં આવ્યું છે, જ્યાં ફિલ્ડ ટ્રાયલ થશે. જો પરીક્ષણો સફળ થશે, તો સેના તેનો ઉપયોગ કરી શકશે.
પ્રોફેસર મોનિકા તોમરે જણાવ્યું કે, ‘આપણા સૈનિકો ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ કરે છે. ઠંડીમાં તેમનું લોહી જાડું થઇ જાય છે, જેનાથી ગંઠાઈ જવાની પ્રક્રિયા વધે છે. BioFET 3 બાયોમોલેક્યુલ્સ એક સાથે શોધી કાઢે છે. જો લેવલ વધુ હોય, તો જોખમની વોર્નિંગ આપે છે. આ એક પડકારજનક કાર્ય હતું, પરંતુ હવે ઉપકરણ તૈયાર છે.’
આ ડેવલપમેન્ટભારત માટે ગર્વની વાત છે. શિક્ષણ અને ડિફેન્સનું સાથે મળીને આવી ટેક્નોલોજી વિકસાવવી બતાવે છે કે આપણે આત્મનિર્ભર બની રહ્યા છીએ. આ ચિપ સૈનિકોની સુરક્ષા માટે ખૂબ જ આશાસ્પદ છે. જો તેના પરીક્ષણો સફળ થશે, તો તે ભવિષ્યમાં માત્ર સેના માટે જ નહીં, પરંતુ સામાન્ય લોકો માટે પણ હાર્ટ એટેકની જલદી તપાસની રીત મળી જશે.

