- National
- ‘ઑગસ્ટે 2 લાડું માગ્યા હતા પરંતુ એક જ મળ્યો’, શખ્સે CM હેલ્પલાઇનમાં કરી દીધી ફરિયાદ
‘ઑગસ્ટે 2 લાડું માગ્યા હતા પરંતુ એક જ મળ્યો’, શખ્સે CM હેલ્પલાઇનમાં કરી દીધી ફરિયાદ
મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લામાંથી એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહીં ગ્રામ પંચાયત ભવનમાં ધ્વજવંદન બાદ લાડુ ખાવા ન મળતા નારાજ એક ગ્રામીણે મુખ્યમંત્રી હેલ્પલાઇન 181 પર ફરિયાદ કરી હતી. આ સમગ્ર ઘટના 15 ઑગસ્ટના રોજ ઘટી હતી. ભિંડ જિલ્લાના મછંદ વિસ્તારના નૌધા ગામમાં 15 ઑગસ્ટના રોજ પંચાયત ભવનમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ અવસર પર ગામના સરપંચ, અન્ય જનપ્રતિનિધિઓ અને સચિવ સહિત ગ્રામ પંચાયતનો પટાવાળો પણ હાજર હતો.
આ ઉપરાંત ગામના અન્ય ગ્રામજનો પણ ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. ધ્વજવંદન કરી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ લાડુનું વિતરણ પણ શરૂ થયું હતું. જે સમયે ગ્રામ પંચાયતનો પટાવાળો ધર્મેન્દ્ર લાડુનું વિતરણ કરી રહ્યો હતો, એ સમયે ગામના જ રહેવાસી કમલેશ કુશવાહ ગ્રામ પંચાયત ભવનની બહાર રસ્તા પર ઉભો હતો. જ્યારે ધર્મેન્દ્ર લાડુનું વિતરણ કરતો કમલેશ કુશવાહ પાસે પહોંચ્યો, ત્યારે ધર્મેન્દ્રએ કમલેશ કુશવાહાને પણ એક લાડુ આપ્યો, પરંતુ કમલેશ કુશવાહા 2 લાડુ લેવાની જિદ કરવા લાગ્યો. ધર્મેન્દ્રએ બે લાડુ આપવાનો ઇનકાર કરી દીધો. ત્યારબાદ, કમલેશ કુશવાહાએ ત્યાથી જ મુખ્યમંત્રી હેલ્પલાઇન પર ફોન કરી દીધો.
કમલેશ કુશવાહાએ ફરિયાદ નોંધાવી કે ધ્વજવંદન કાર્યક્રમ બાદ ગ્રામ પંચાયત દ્વારા લાડુનું વિતરણ કરવામાં આવી રહ્યું નથી. આ સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ. જ્યારે આ બાબતની જાણકારી પંચાયત સચિવ રવિન્દ્ર શ્રીવાસ્તવ સુધી પહોંચી, તો તેઓ હેરાન રહી ગયા. આજ તકના રિપોર્ટ મુજબ, કમલેશ કુશવાહાએ જણાવ્યું કે ગ્રામ પંચાયત ભવનમાં ધ્વજવંદન બાદ લાડુનું વિતરણ કરવામાં આવ્યું નહોતું. પંચાયત ભવનની અંદર બેઠા કેટલાક લોકોને લાડુ વહેંચી દેવામાં આવ્યા. અમે પંચાયત ભવનની બહાર રસ્તા પર ઉભા હતા અને અમને કોઈ લાડુ ન આપવામાં આવ્યા. એટલે તેણે મુખ્યમંત્રી હેલ્પલાઇન પર ફોન કર્યો હતો અને માત્ર એ વાતની માહિતી માગી હતી કે, શું ગ્રામ પંચાયત પર સ્વતંત્રતા દિવસે પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે કે નહીં, કારણ કે ગ્રામ પંચાયત દ્વારા લાડુ વહેંચવામાં આવી રહ્યા નથી, પરંતુ તેની ફરિયાદ મુખ્યમંત્રી હેલ્પલાઇનમાં નોંધી લેવામાં આવી હતી.
જ્યારે અંગે પંચાયત સચિવ રવિન્દ્ર શ્રીવાસ્તવ સાથે વાત કરી, ત્યારે પંચાયત સચિવે જણાવ્યું કે, 15 ઑગસ્ટના રોજ કમલેશ કુશવાહ ગ્રામ પંચાયત ભવનની બહાર રસ્તા પર ઊભો હતો. પટાવાળા ધર્મેન્દ્ર દ્વારા લાડુ વહેંચવામાં આવ્યા હતા. કમલેશ કુશવાહાને એક લાડુ આપવામાં આવ્યો હતો અને તેને 2 લાડુ જોઈતા હતા. ધર્મેન્દ્રએ 2 લાડુ આપવાનો ઇનકાર કરી દીધો હતો. એટલે તેણે મુખ્યમંત્રી હેલ્પલાઇનમાં ફરિયાદ કરી.
કમલેશ કુશવાહ બાબતે વધુ જણાવતા સચિવે જણાવ્યું કે કમલેશ કુશવાહ મુખ્યમંત્રી હેલ્પલાઇન પર ફરિયાદ કરવા ટેવાયેલો છે. તેણે અત્યાર સુધી મુખ્યમંત્રી હેલ્પલાઇનમાં દરેક વિભાગની ડઝનો ફરિયાદો નોંધાવી છે. જ્યારે સચિવને મુખ્યમંત્રી હેલ્પલાઇન પર કરવામાં આવેલી ફરિયાદના નિરાકરણ બાબતે પૂછવામાં આવ્યું, તો રવિન્દ્ર શ્રીવાસ્તવે કહ્યું કે, તેઓ 1 કિલો લાડુ ખરીદશે અને તેની માફી માગીને તેને મનાવવાનો પ્રયાસ કરશે.
આ પહેલો મામલો નથી જ્યારે ભિંડ જિલ્લામાંથી આ પ્રકારનો અજીબોગરીબ મામલો સામે આવ્યો હોય. આ અગાઉ પણ જ્યારે એક ફરિયાદીએ મુખ્યમંત્રી હેલ્પલાઇનમાં હેન્ડપંપની ખામી અંગે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે તેના નિરાકરણમાં મુખ્યમંત્રી હેલ્પલાઇનમાં લખી દેવામાં આવ્યું હતું કે, ‘ફરિયાદી માનસિક રીતે બીમાર છે. હેન્ડપંપ તેની છાતી પર ગાડી દેવો જોઈએ.’ ભિંડ જિલ્લામાં આવા અનોખા કિસ્સાઓ વારંવાર જોવા મળે છે અને લોકો આ કિસ્સાઓને ખૂબ જ રસપૂર્વક તેમની ચર્ચામાં સામેલ કરે છે.

