- National
- સરકારી અધિકારીએ 38 વર્ષ નોકરી કરી, પગારની આવક થઈ હતી 2 કરોડ પણ ઘરે મળી 18 કરોડની સંપત્તિ, નોટોના બંડ...
સરકારી અધિકારીએ 38 વર્ષ નોકરી કરી, પગારની આવક થઈ હતી 2 કરોડ પણ ઘરે મળી 18 કરોડની સંપત્તિ, નોટોના બંડલો, 4 કિલો સોનું
મધ્યપ્રદેશના મિની મુંબઈ ગણાતા ઇન્દોરમાં, લોકાયુક્ત પોલીસે આવક કરતા વધારે સંપત્તિના કેસના સંદર્ભમાં નિવૃત્ત એક્સાઇઝ અધિકારી ધર્મેન્દ્ર સિંહ ભદૌરિયા સામે મોટી કાર્યવાહી કરી. બે મહિના પહેલા અલીરાજપુરથી નિવૃત્ત થયેલા ભદૌરિયાના આઠ સ્થળોએ એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 7 ઇન્દોરમાં અને 1 ગ્વાલિયરમાં હતા, જેમાં કરોડોની બિનહિસાબી સંપત્તિનો ખુલાસો થયો હતો.
દરોડા દરમિયાન જે મિલકત અને સામાન મળ્યો છે તે અધિકારીની અંદાજિત કાયદેસર આવક કરતાં અનેક ગણો વધુ છે. અત્યાર સુધીની કાર્યવાહીમાં આશરે રૂ. 75 લાખ રોકડા, દોઢ કિલોગ્રામ સોનાની ઇંટો, કરોડોના સોનાના દાગીના, મોંઘા વાહનો અને મોંઘા પરફ્યુમ જપ્ત કરવામાં આવ્યા છે.
તેના ઈન્દોરના ફ્લેટથી 1.13 કરોડ રોકડા, 5 કરોડનું 4 કિલો સોનું, 7 કિલો ચાંદી, 2.23 કરોડના વાહન, સાડી, ઘડિયાળો મળી હતી અને અન્ય 3 ફ્લેટ જેની કિંમત 1.92 કરોડ છે. અત્યારે તે 10 કરોડની કિંમતનો બંગલો બનાવી રહ્યો હતો
ઇંદોરના પલાસિયા વિસ્તારમાં સ્થિત કૈલાશ કુંજમાં એક ફ્લેટ દરોડાના મુખ્ય કેન્દ્રમાં હતો, જ્યાં મિલકતના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. લોકાયુક્ત ટીમો બિઝનેસ સ્કાય પાર્ક ઓફિસ અને ગ્વાલિયરના ઘર સહિત સાત સ્થળોએ દરોડા પાડી રહી છે.
ધર્મેન્દ્ર સિંહ ભદૌરિયા 31 ઓગસ્ટ, 2025ના રોજ નિવૃત્ત થયા. તેમની અંદાજિત કાયદેસર આવક લગભગ રૂ. 2 કરોડ છે, પરંતુ પ્રારંભિક તપાસમાં એ સામે આવ્યું છે કે, તેમની સંપત્તિ લગભગ રૂ. 8થી રૂ. 10 કરોડ હોવાનો અંદાજ છે, જે તેમની આવક કરતા ચાર થી પાંચ ગણી વધારે છે.
ભદૌરિયા આ વર્ષે 31 ઓગસ્ટના રોજ અલીરાજપુરના જિલ્લા આબકારી અધિકારી તરીકે નિવૃત્ત થયા હતા. તેમની સામેની ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે, તેમણે અને તેમના પરિવારે તેમના કાયદેસર આવકના સ્ત્રોતો કરતાં ઘણી વધુ સંપત્તિ એકઠી કરી છે.
તપાસ દરમિયાન, ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી. સૌથી ખાસ વાત એ છે કે, ભદૌરિયા ઇન્દોરમાં રૂ. 5 કરોડથી વધુ કિંમતનો એક વૈભવી બંગલો બનાવી રહ્યો છે. આ બંગલો ઇટાલિયન શૈલીમાં બનાવવામાં આવી રહ્યો છે. તેમાં બે થી ત્રણ હોલ હશે. મુખ્ય હોલમાં રૂ. 22 લાખથી વધુ કિંમતનો ઝુમ્મર બનાવવાની યોજના છે. રૂ. 50 લાખથી વધુ કિંમતનું હોમ થિયેટર પણ હશે. બંગલાના સીડીઓને પણ ફિલ્મોમાં હોય તેવી ડિઝાઇન કરવામાં આવી રહી છે. બંગલામાં ચાર બેડરૂમ હશે, દરેકમાં બાલ્કની હશે. પાછળ એક બગીચો બનાવવામાં આવી રહ્યો છે, જેમાં એક આલીશાન ફુવારો હશે.
તે તેના ઇન્ટિરિયર ડિઝાઇન માટે વિદેશી બનાવટની સામગ્રીનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. ભદૌરિયા ફક્ત ઇન્ટિરિયર ડિઝાઇન પર જ આશરે રૂ. 4 કરોડ ખર્ચ કરવાની તૈયારી કરી રહ્યો હતો. જોકે, તે થાય તે પહેલાં જ લોકાયુક્તે કાર્યવાહી કરી.
લોકાયુક્ત ટીમની તપાસમાં બહાર આવ્યું છે કે, ભદૌરિયાનો પુત્ર, સૂર્યાંશ ભદૌરિયા અને પુત્રી ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. એવી શંકા છે કે, બંનેએ ફિલ્મોમાં રોકાણ કર્યું છે. એવી પણ શંકા છે કે આ રોકાણો ગેરકાયદેસર આવકને કાયદેસર બનાવવાનો પ્રયાસ હોઈ શકે છે.
આ કાર્યવાહી DCP લોકાયુક્ત સુનિલ તલાનના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવી રહી છે, અને કરોડોની વધુ અઘોષિત સંપત્તિ બહાર આવવાની શક્યતા છે. તપાસ અને જપ્તી પછી, સંબંધિત અધિકારીઓએ જણાવ્યું હતું કે, જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભદૌરિયા અને તેમના પરિવારની સંપત્તિ, બેંક ખાતા, લોકર અને રોકાણોની વિગતો પુરી તપાસ કરવામાં આવી રહી છે.
સૂત્રો સૂચવે છે કે ભદૌરિયાના વૈભવી બંગલા માટે ચીનથી આશરે રૂ. 1.5 કરોડ મૂલ્યનું ફર્નિચર આયાત કરવાનો હતો. ધર્મેન્દ્ર સિંહ ભદૌરિયાની કાર્યશૈલી નોકરીમાં જોડાયો ત્યારથી જ વિવાદાસ્પદ રહી છે. તેને બે વાર સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ભદૌરિયા એક એવો અધિકારી છે, જેણે પોતાની સરકારી નોકરી જાળવી રાખીને ગુજરાતની ગેરકાયદેસર દારૂ લાઇનના સંચાલક સાથે પણ કામ કર્યું હતું. આનાથી તેને પુષ્કળ સંપત્તિ મળી છે.
મધ્યપ્રદેશમાં લોકાયુક્ત પોલીસ ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર સંપત્તિ પર સતત નજર રાખી રહી છે. અધિકારીઓ કહે છે કે, સરકારી અધિકારીઓ અને તેમના પરિવારોના ગેરકાયદેસર રીતે મેળવેલા નફાનો પર્દાફાશ કરવા માટે આવા કેસોમાં સમયસર કાર્યવાહી કરવી જરૂરી છે.

