- National
- ગજબ... ગ્રામ પંચાયતે 50 રૂપિયાની એક ઈંટ ખરીદી, 2500 ઈંટોનું બિલ 1.25 લાખ
ગજબ... ગ્રામ પંચાયતે 50 રૂપિયાની એક ઈંટ ખરીદી, 2500 ઈંટોનું બિલ 1.25 લાખ
મધ્ય પ્રદેશના શહડોલ જિલ્લાની ગ્રામ પંચાયતો આજકાલ ખૂબ ચર્ચામાં છે. ક્યારેક ફળો અને ડ્રાઈ ફ્રૂટના નામે લાખોના બિલ બનાવવામાં આવે છે તો ક્યારેક લોકો ઇંટોની કિંમત સાંભળીને દંગ રહી જાય છે. તાજેતરનો કિસ્સો બુઢાર બ્લોકની ભાટિયા ગ્રામ પંચાયતનો છે. અહીં 2,500 ઇંટો ખરીદવાનું બિલ 1.25 લાખ રૂપિયામાં પાસ કરી દેવામાં આવ્યું છે. જ્યારે આ જ ઇંટ બજારમાં સરળતાથી 5-6 રૂપિયામાં મળી જાય છે. જો આ રીતે જોવા જઇએ તો પંચાયતે 50 રૂપિયામાં એક ઇંટ ખરીદી છે.
NDTVના રિપોર્ટ મુજબ, આ બિલ પેરિબહરા ગામના ચેતન પ્રસાદ કુશવાહાના નામે બનાવવામાં આવ્યું છે. તેમાં લખ્યું છે કે પટેરા ટોલા પર સ્થિત આંગણવાડી બિલ્ડિંગની બાઉન્ડ્રી વૉલ બનાવવા માટે ઇંટો ખરીદવામાં આવી હતી. આ બિલ પર ભાટિયા પંચાયતના સરપંચ અને સચિવ બંનેના હસ્તાક્ષર પણ છે. હવે આ બિલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
https://twitter.com/Dharmen70671017/status/1961705847769481243
આ કોઈ પહેલો મામલો નથી. થોડા અઠવાડિયા અગાઉ કુદરી ગ્રામ પંચાયતમાં માત્ર 2 પાનાંની ઝેરોક્ષ કરાવવા માટે 4,000 રૂપિયાનું બિલ પાસ કરવામાં આવ્યું હતું. જુલાઈમાં ભદવાહી ગ્રામ પંચાયતમાં ‘જળ ગંગા સંવર્ધન અભિયાન’ દરમિયાન માત્ર એક કલાકમાં 14 કિલો ડ્રાયફ્રૂટ્સ, 30 કિલો નમકીન અને 9 કિલો ફળો ખાઈ જવાનું બિલ સામે આવ્યું હતું.
સૌથી હેરાન કરનારી વાત એ છે કે, જે દુકાનોમાંથી આ સામાન ખરીદવામાં આવ્યો હતો તે હકીકતમાં આ વસ્તુઓનો વ્યવસાય કરતી નથી. ઉદાહરણ તરીકે, કાજુ અને બદામ વેચતી બતાવવામાં આવેલી દુકાન ખરેખર એક નાની કરિયાણાની દુકાન નીકળી, જ્યાં ન તો બિલ બુક હતી કે ન GST નંબર હતો. અહીં સુધી કે એક કિલો ડ્રાયફ્રૂટ્સ પણ ન મળ્યા.
આ જ પ્રકારે જે દુકાનમાંથી ઘી અને ફળોનું બિલ આપવામાં આવ્યું હતું તે હકીકતમાં રેતી, પથ્થર અને ઇંટો વેચે છે. ડ્રાયફ્રૂટ્સ કૌભાંડનો પડઘો હજી પણ શાંત થયો નહોતો કે મઉગંજ જિલ્લામાંથી બીજો એક મામલો સામે આવ્યો. અહીં પણ ‘જળ ગંગા સંવર્ધન અભિયાન’ માત્ર 40 મિનિટ સુધી ચાલ્યું અને બતાવવામાં આવેલ ખર્ચ 10 લાખ રૂપિયાથી વધુ હતો.
આ બિલોમાં ટેન્ટ, મીઠાઈ, ગાદલા, ચાદરથી લઈને રાશન સુધી બધું જ શામેલ હતું. ખાસ વાત એ છે કે બધા બિલ એક જ રહસ્યમય ‘પ્રદીપ એન્ટરપ્રાઇઝ’ના નામે બનાવવામાં આવ્યા હતા, જ્યારે વાસ્તવમાં તે ઇલેક્ટ્રોનિક સામાન વેંચતી દુકાન હોવાનું સામે આવ્યું છે.
શહડોલના કલેક્ટર ડૉ. કેદાર સિંહે આ કેસોને ગંભીર માનતા અધિકારીઓને તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે ક્લસ્ટર સ્તરના અધિકારીઓને રોજ 10-12 પંચાયતોની તપાસ કરવાનો આદેશ આપ્યો છે, જેથી જાણી શકાય કે આ બિલો બેદરકારીને કારણે બન્યા છે કે પછી તે ઇરાદાપૂર્વકની છેતરપિંડી થઈ છે.

