- National
- ‘મને 900 રૂપિયા મળવા જોઇએ...’ માલેગાંવ કેસમાં નિર્દોષ જાહેર થયેલા સમીર કુલકર્ણીએ કેમ કરી આ માગ?
‘મને 900 રૂપિયા મળવા જોઇએ...’ માલેગાંવ કેસમાં નિર્દોષ જાહેર થયેલા સમીર કુલકર્ણીએ કેમ કરી આ માગ?
મહારાષ્ટ્રના માલેગાંવમાં 2008માં થયેલી ઘટનાના કેસમાં NIA સ્પેશિયલ કોર્ટનો નિર્ણય આવી ગયો છે. પુરાવાના અભાવે કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ દરમિયાન આ કેસમાં નિર્દોષ જાહેર થયેલા સમીર કુલકર્ણીની માગણીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે માગ કરી છે કે તેમને 900 રૂપિયા પરત કરવામાં આવે. સમીર કુલકર્ણી પર માલેગાંવ ઘટનાની સામગ્રી બનાવવાની વ્યવસ્થા કરવાનો આરોપ હતો. તેના માટે તેમની ભોપાલથી ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે આજે તેમને તમામ આરોપોમાંથી મુક્ત કરી દીધા છે.
કોર્ટના નિર્ણય બાદ, સમીર કુલકર્ણીએ ખુશી વ્યક્ત કરી છે. નિર્ણય બાદ સમીર કુલકર્ણીએ કોર્ટ પાસે માગ કરી છે કે, 'જ્યારે મારી ભોપાલમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે મારી પાસેથી 900 રૂપિયા લેવામાં આવ્યા હતા અને રેકોર્ડમાં 750 રૂપિયા દર્શાવવામાં આવ્યા હતા. મને તે 900 રૂપિયા પાછા મળવા જોઈએ. સવાલ પૈસાઓનો નથી’ સમીર કુલકર્ણીની માગણી પર કોર્ટે કહ્યું કે કોઈપણ વ્યક્તિનો કોઈપણ કિંમતી સામાન પરત કરવાનો કોઈ કોર્ટનો આદેશ નથી. કુલકર્ણીએ કોર્ટના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે, જોકે તેઓ પૈસાની માગણી પર અડગ રહ્યા.
શું હતો આખો મામલો?
17 વર્ષ અગાઉ 29 સપ્ટેમ્બર 2008ના રોજ મહારાષ્ટ્રના માલેગાંવમાં એક બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં 6 લોકો માર્યા ગયા હતા અને 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના ત્યારે થઇ હતી જ્યારે લોકો નમાજ વાંચવા જઈ રહ્યા હતા. આ કેસમાં NIAએ આતંકવાદી ષડયંત્ર, હત્યા, ધાર્મિક ઉન્માદ ફેલાવવાના આરોપમાં કેસ નોંધ્યો હતો. આ સાથે 7 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા 14 થઈ ગઈ હતી. ધરપકડ કરાયેલા લોકોને લગભગ 8 વર્ષ સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. 2017માં, બધા આરોપીઓને જામીન મળ્યા. NIAની સ્પેશિયલ કોર્ટે 31 જુલાઈના રોજ પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે પુરાવાના અભાવને તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવા પાછળનું કારણ ગણાવ્યું છે.

