- National
- શું BJP સાંસદનો રાજકારણથી મોહભંગ? કંગનાએ કહ્યું લોકો- ખરાબ રસ્તા, તૂટેલી ગટરના પ્રશ્નો લઈને આવે છે
શું BJP સાંસદનો રાજકારણથી મોહભંગ? કંગનાએ કહ્યું લોકો- ખરાબ રસ્તા, તૂટેલી ગટરના પ્રશ્નો લઈને આવે છે
અભિનેત્રીમાંથી રાજકારણી બનેલા કંગના રનૌત તાજેતરમાં હિમાચલ પ્રદેશના પોતાના સંસદીય મતવિસ્તાર મંડીની મુલાકાતને કારણે સમાચારમાં છે. હિમાચલમાં વાદળ ફાટવા અને ભારે વરસાદને કારણે રાજ્યમાં આફતની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન, કંગનાએ આત્મન ઈન રવિ (AiR) પોડકાસ્ટમાં પોતાના રાજકીય અનુભવો વિશે ખુલ્લેઆમ વાત કરી. જોકે, કંગનાએ પોડકાસ્ટ દરમિયાન કંઈક એવું કહ્યું જે ઘણા પ્રશ્નો ઉભા કરી રહ્યું છે. કંગનાએ સ્પષ્ટપણે કહ્યું કે, રાજકારણે તેમને બિલકુલ ખુશી આપી નથી. હવે એક પ્રશ્ન એ છે કે, શું મંડીના BJP સાંસદ કંગનાનો માત્ર 14 મહિનામાં જ રાજકારણથી મોહભંગ થઈ રહ્યો છે?
કંગનાએ કહ્યું કે મને તેની આદત પડી રહી છે. હું એમ નહીં કહું કે હું તેનો (રાજકારણનો) આનંદ માણી રહી છું. તે ખૂબ જ અલગ પ્રકારનું કામ છે, જેમ કે સમાજ સેવા કરવાનું. આ મારી પૃષ્ઠભૂમિ રહી નથી. મેં ક્યારેય લોકોની સેવા કરવાનું વિચાર્યું નથી. મહિલા અધિકારો પર તેમના સ્પષ્ટ વલણ માટે જાણીતા, કંગના રનૌતે સ્પષ્ટતા કરી કે, ભૂતકાળમાં તેમની સક્રિયતા જાહેર કાર્યાલયની જવાબદારીઓથી ઘણી અલગ હતી.
મંડીના BJP સાંસદ કંગનાએ જણાવ્યું કે, મતદારો ઘણીવાર તેમની પાસે સંપૂર્ણપણે પાયાના સ્તરની સમસ્યાઓ લઈને આવે છે. તેમણે કહ્યું, 'મેં મહિલાઓના અધિકારો માટે લડત આપી છે, પણ વાત અલગ છે... કોઈની ગટર તૂટેલી છે અને હું કહું છું કે હું સાંસદ છું અને આ લોકો પંચાયત સ્તરની સમસ્યાઓ લઈને મારી પાસે આવી રહ્યા છે. તેમને કોઈ પરવા નથી. જ્યારે તેઓ તમને જુએ છે, ત્યારે તેઓ તૂટેલા રસ્તા જેવી સમસ્યાઓ લઈને તમારી પાસે આવે છે. BJP સાંસદે તેમને કહ્યું, હું તેમને કહું છું કે તે રાજ્ય સરકારનો મુદ્દો છે, અને તેઓ કહે છે, 'તમારી પાસે પૈસા છે, તમે તમારા પોતાના પૈસાનો ઉપયોગ કર્યો.'
તાજેતરમાં, કંગનાના સંસદીય મતવિસ્તાર મંડીમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. કંગનાને મંડીની મુલાકાતમાં વિલંબ કરવા બદલ ટીકાનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસે કંગના પર તેમના મતવિસ્તારની અવગણના કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, ત્યાર પછી કંગના રનૌતે આ મુદ્દા પર વળતો પ્રહાર કર્યો હતો. કંગના રનૌતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી.
તેમણે સ્થાનિક લોકોને ખાતરી આપી હતી કે, તેમની ચિંતાઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં વાદળ ફાટવા અને પૂર સંબંધિત ઘટનાઓને કારણે 14 લોકોના મોત થયા છે. રાજ્યમાં હવામાન ખરાબ છે. વાદળ ફાટવા, અચાનક પૂર અને ભૂસ્ખલનને કારણે રાજ્યમાં 200થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે.

