- National
- ન કોઈ બેન્ડવાજા, ન કોઈ ધામધૂમ... IAS-IPS અધિકારીએ સાદગીથી કર્યા લગ્ન
ન કોઈ બેન્ડવાજા, ન કોઈ ધામધૂમ... IAS-IPS અધિકારીએ સાદગીથી કર્યા લગ્ન
ભારતમાં લગ્નને માત્ર બે લોકોનું નહીં, પરંતુ બે પરિવારોનું મિલન માનવામાં આવે છે. આ જ કારણ છે કે, અહીં લગ્ન ઘણીવાર ભવ્ય, ખર્ચાળ અને ઘણા દિવસ સુધી ચાલનાર ઉત્સવ બનાવી દેવામાં આવે છે. કેટલીકવાર, ભવ્ય લગ્નને કારણે કન્યા અને વરરાજાના પરિવારો મોટી લોન લઇ છે અને પછી તેને ચૂકવવાનું તેમના માટે મુશ્કેલ બની જાય છે. લગ્નના ફોટા અને વીડિયો દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જેમાં હલ્દીથી લઈને રિસેપ્શન સુધીના વિવિધ વેન્યૂ દર્શાવવામાં આવે છે, જેના પર લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે. પરંતુ આ મોટા-મોટા ભારતીય લગ્નના ટ્રેન્ડને IAS અધિકારી શ્રીકાંત રેડ્ડી અને IPS અધિકારી શેષાદ્રિની રેડ્ડીએ પડકાર આપ્યો છે.
IAS-IPS લગ્નની ચર્ચા કેમ થઈ રહી છે?
IAS અધિકારી શ્રીકાંત રેડ્ડી અને IPS અધિકારી શેષાદ્રિની રેડ્ડી તેમના લગ્નને કારણે ચર્ચામાં છે. આ દંપતીના લગ્નના ફોટા ઓનલાઈન ધૂમ મચાવી રહ્યા છે, ઘણા લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે અન્ય લોકો ફોટા જોઈને ખૂબ જ હેરાન છે. આ હેરાનીનું કારણ એ છે કે તેમના લગ્ન ખૂબ જ સાદગીથી થયા છે. લોકો જ્યાં પોતાના લગ્નમાં બધી સંપત્તિ ખર્ચી નાખે છે, ત્યારે આ બંનેએ તેમના લગ્ન સાદગીથી કરીને એક નવું ઉદાહરણ રજૂ કર્યું છે. દુલ્હન શેષાદ્રિની, કાંજીવરમ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે, તો ધોતી અને કુર્તામાં શ્રીકાંત રેડ્ડી પણ ખૂબ જ સુંદર લાગે છે.
https://twitter.com/NewsMeter_In/status/2014993029510373802?s=20
શ્રીકાંત રેડ્ડી અને તેમના પત્ની શેષાદ્રિની રેડ્ડીએ બતાવી દીધું કે લગ્નની સાચી સુંદરતા ઝગમગાટમાં નહીં, પરંતુ પરસ્પર સમજણ, સન્માન અને પ્રેમમાં હોય છે. તેલંગાણાના યાદાદ્રી ભુવનગિરી જિલ્લામાં સ્થિત ચૌટુપ્પલ સબ-રજિસ્ટ્રાર ઑફિસમાં આયોજિત આ લગ્ન કોઈ ફિલ્મના સેટ જેવા નહોતા. ન કોઈ મંડપ, ન કોઈ મોટેથી સંગીત, ન કોઈ ડિઝાઇનર લહેંગા અને ન તો સેંકડો મહેમાન. માત્ર નજીકના પરિવારના સભ્યો, થોડા વરિષ્ઠ અધિકારીઓ અને સબ-રજિસ્ટ્રાર સંદીપની હાજરીમાં, શ્રીકાંત અને શેષાદ્રિનીએ માળા પહેરાવી અને કાયદેસર રીતે તેમના સંબંધોને નામ આપ્યું.
કુતુબુલ્લાપુરના DCP શેષાદ્રિની રેડ્ડી અને વહીવટી તાલીમ લઈ રહેલા IAS અધિકારી શ્રીકાંત રેડ્ડીએ લગ્નને એક દેખાડાની ઇવેન્ટ નહીં , પરંતુ જીવનનો મહત્ત્વનો નિર્ણય બનાવી દીધો. આજે, જ્યારે ભારતીય વેડિંગ ઇન્ડસ્ટ્રીની સાઇઝ લગભગ 10 લાખ કરોડ હોવાનું જણાવવામાં આવે છે, ત્યારે આ યુગલએ સાદગીથી કરેલા લગ્ન સમાજને એક મજબૂત સંદેશ પણ આપે છે. આ લગ્ન દરેકને ‘લોકો શું કહેશે’ને પાછળ છોડીને એ બતાવે છે કે લગ્નમાં કમિટમેન્ટ સૌથી વધારે મહત્ત્વપૂર્ણ છે.

