- National
- એર ઈન્ડિયાના વિમાનને હાઈજેક કરવાનો થયો પ્રયાસ? કેપ્ટને બતાવી સમજદારી, કસ્ટડીમાં લેવાયા 9 મુસાફર
એર ઈન્ડિયાના વિમાનને હાઈજેક કરવાનો થયો પ્રયાસ? કેપ્ટને બતાવી સમજદારી, કસ્ટડીમાં લેવાયા 9 મુસાફર
બેંગ્લોરથી વારાણસી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક મુસાફરે કોકપીટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, જેના કારણે વિમાનમાં હાહાકાર મચી ગયો હતો. મુસાફરે સાચો પાસકોડ દાખલ કર્યો, પરંતુ કેપ્ટને હાઇજેક થવાના ડરથી દરવાજો ન ખોલ્યો. આ વ્યક્તિ 8 અન્ય સાથીઓ સાથે મુસાફરી કરી રહ્યો હતો. બધા 9 મુસાફરોને CISFને સોંપી દેવામાં આવ્યા.
એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, ‘અમને મીડિયા રિપોર્ટ્સ દ્વારા વારાણસી જતી ફ્લાઇટને લઇને માહિતી મળી હતી. એક મુસાફર શૌચાલય શોધતા-શોધતા કોકપીટના પ્રવેશ વિસ્તારમાં પહોંચી ગયો. અમે લોકોને વિશ્વાસ અપાવવા માગીએ છીએ કે ફ્લાઇટમાં કડક સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે અને કોઈપણ પ્રકારની ભૂલ થઈ નથી. લેન્ડિંગ સમયે અધિકારીઓને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને હાલમાં તપાસ ચાલી રહી છે.’
એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ ઉડાણ ભર્યાના થોડા સમય બાદ, એક મુસાફરે કોકપીટ કેબિનનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. કોકપીટ ખોલવા માટે પાસકોડ નાખતા જ પાઇલટ પાસે સિગ્નલ પહોંચ્યું. જ્યારે પાયલોટે CCTV ફૂટેજ જોઈ, ત્યારે તેણે હાઇજેકના ડરથી દરવાજો ન ખોલ્યો. એર ઇન્ડિયાનો દાવો છે કે શૌચાલય શોધતી વખતે મુસાફરે કોકપીટ વિસ્તારમાં પ્રવેશી ગયો હતો. જો કે, સવાલ એ ઊભો થાય છે કે આ મુસાફરને કોકપીટનો પાસકોડ કેવી રીતે ખબર પડી?
હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ, જે મુસાફરે કોકપીટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, તે મુસાફર પહેલી વખત ઉડાણ ભરી રહ્યો હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેણે આવું કેમ કર્યું, ત્યારે તેણે કહ્યું કે તે શૌચાલયનો ઉપયોગ કરવા માગતો હતો અને તેને લાગ્યું કે તે દરવાજો છે. જોકે, જ્યારે ક્રૂએ તેને જણાવ્યું તેણે કોકપીટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે તે ચૂપચાપ પરત ફરી ગયો.
જો કે, મુસાફરે કોકપીટમાં પ્રવેશવાનો પ્રયાસ કેમ કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX-1086 સવારે 8:00 વાગ્યા બાદ બેંગ્લોરથી રવાના થઈ હતી. ફ્લાઇટ વારાણસીમાં ઉતર્યા બાદ, આરોપી મુસાફરોને CISF કર્મચારીઓને સોંપી દેવામાં આવ્યા હતા.

