- National
- ઈન્દોર દૂષિત પાણીથી પીડિત પરિવારોને મળ્યા રાહુલ, કહ્યું- આ છે ભાજપનું સ્માર્ટ સિટી મોડલ?
ઈન્દોર દૂષિત પાણીથી પીડિત પરિવારોને મળ્યા રાહુલ, કહ્યું- આ છે ભાજપનું સ્માર્ટ સિટી મોડલ?
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે મધ્યપ્રદેશની મુલાકાત લીધી હતી. તેમણે ઈન્દોરમાં દૂષિત પાણીના કારણે ફાટી નીકળેલા ઉલટી-ઝાળાના રોગચાળાથી અસરગ્રસ્ત દર્દીઓ અને મૃતકોના પરિવારોની મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધીએ બોમ્બે હોસ્પિટલ જઈને સારવાર લઈ રહેલા ચાર દર્દીઓના ખબર-અંતર પૂછ્યા હતા અને ત્યારબાદ સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર ભાગીરથપુરાની મુલાકાત લઈને શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના આપી હતી.
મીડિયા સાથે વાતચીત કરતા રાહુલ ગાંધીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દેશને 'સ્માર્ટ સિટી' બનાવવાનું વચન આપવામાં આવ્યું હતું, પણ આ છે સ્માર્ટ સિટીનું નવું મોડલ? જ્યાં પીવાનું શુદ્ધ પાણી પણ નથી અને લોકોને ડરાવવામાં આવી રહ્યા છે. ઈન્દોર જેવા શહેરમાં શુદ્ધ પાણી ઉપલબ્ધ નથી અને દૂષિત પાણી પીવાથી લોકોના મોત થઈ રહ્યા છે. આ સરકારનું 'અર્બન મોડલ' છે.
https://twitter.com/INCIndia/status/2012429969834799343
તેમણે વધુમાં ઉમેર્યું કે આ સમસ્યા માત્ર ઈન્દોર પૂરતી મર્યાદિત નથી, પરંતુ અન્ય શહેરોમાં પણ આવું જ થઈ રહ્યું છે. વિરોધ પક્ષના નેતા તરીકે પીડિતોનો અવાજ ઉઠાવવો એ મારી જવાબદારી છે અને હું આ પરિવારોની સાથે ઊભો છું. સરકાર આની જવાબદારી સ્વીકારે અને પીડિતોને યોગ્ય વળતર આપે તેવી તેમણે માંગ કરી હતી.
આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીની સાથે મધ્યપ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જીતુ પટવારી અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ઉમંગ સિંઘાર પણ હાજર રહ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ રોગચાળામાં 24 લોકોના મોત થયા છે. જોકે, રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં માત્ર 7 મોત થયા હોવાનું સ્વીકાર્યું છે. બીજી તરફ, મેડિકલ કોલેજની ઓડિટ કમિટીના મતે 15 મોત કોઈને કોઈ રીતે આ પ્રદૂષિત પાણી સાથે જોડાયેલા હોઈ શકે છે.
જીતુ પટવારીએ ભાજપ સરકારની ટીકા કરતા કહ્યું કે, છેલ્લા 20 વર્ષથી રાજ્યમાં અને 25 વર્ષથી નગર નિગમમાં ભાજપનું શાસન છે, છતાં તેઓ લોકોને શુદ્ધ પાણી આપી શક્યા નથી. જ્યારે લોકોના જીવ જઈ રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી અને મંત્રીઓ માત્ર આક્ષેપબાજીમાં વ્યસ્ત છે.
સરકારનો પક્ષ: મુખ્યમંત્રી મોહન યાદવે અગાઉ મૃતકોના પરિવારોને ₹2 લાખની આર્થિક સહાય અને અસરગ્રસ્તોને મફત સારવારની જાહેરાત કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે માનવતાના ધોરણે તમામ શોકગ્રસ્ત પરિવારોને સહાય આપવામાં આવી છે, ભલે અમુકના મોત અન્ય કારણોસર થયા હોય.

