- National
- રાજસ્થાની વ્યક્તિએ વોટ્સએપ પર મૂક્યું- 'મારવાડી સામે કોઈનું કંઈ ન ચાલે...', મુંબઈમાં MNS કાર્યકરોએ ત...
રાજસ્થાની વ્યક્તિએ વોટ્સએપ પર મૂક્યું- 'મારવાડી સામે કોઈનું કંઈ ન ચાલે...', મુંબઈમાં MNS કાર્યકરોએ તેને પકડીને ખૂબ માર્યો!
મહારાષ્ટ્રમાં હિન્દી ભાષીઓ અને બિન-મરાઠી સમુદાય પર હુમલાઓ અટકવાનું નામ નથી લેતા. રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ ફરી એક દુકાનદારને માર મારવા બદલ સમાચારમાં આવ્યા છે. તાજેતરનો કિસ્સો મુંબઈના વિક્રોલી વિસ્તારનો છે. ત્યાં એક દુકાનદારના વોટ્સએપ સ્ટેટસને લઈને હોબાળો મચી ગયો.
વિક્રોલીના ટાગોર નગર વિસ્તારમાં રહેતા એક રાજસ્થાની દુકાનદારે પોતાના વોટ્સએપ સ્ટેટસમાં લખ્યું ત્યારે વિવાદ થયો, તેણે લખ્યું હતું કે, 'દેખ લિયા રાજસ્થાની કી શક્તિ, હમ મારવાડી હૈ, હમારે સામને કિસી કી નહીં ચલતી.' આ સંદેશને મરાઠી ઓળખની વિરુદ્ધ માનવામાં આવ્યો હતો, ત્યારપછી સ્થાનિક MNS કાર્યકરોએ દુકાનદાર પર હુમલો કર્યો.
ઘટનાના વાયરલ વીડિયોમાં, MNS કાર્યકરો દુકાનદારને થપ્પડ મારતા અને તેને ગાળો આપતા જોવા મળે છે. તેને દુકાનની બહાર ઉભો રાખવામાં આવ્યો હતો અને બળજબરીથી માફી માંગવા માટે કહેવામાં આવ્યું હતું. વીડિયોમાં, દુકાનદાર હાથ જોડીને કહી રહ્યો છે, 'હું ફરી આવી ભૂલ નહીં કરું.' કાર્યકરોએ એવી પણ ચેતવણી આપી હતી કે જો દુકાનદાર, તેનો પરિવાર કે સ્ટાફ ભવિષ્યમાં મરાઠી લોકો વિરુદ્ધ કંઈ કહેશે, તો તેમને વધુ ગંભીર પરિણામો ભોગવવા પડશે.
આ વીડિયો મનસેના કાર્યકરો દ્વારા જ રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને તેની પૃષ્ઠભૂમિમાં એક મરાઠી ગીત અને એક સંદેશ લખવામાં આવ્યો છે, 'અગર કોઈ મરાઠી કે ખિલાફ બોલેગા, તો યહી અંજામ હોગા.' વીડિયોમાં મનસેનો લોગો પણ સ્પષ્ટપણે દેખાય છે, જ્યારે રાજ ઠાકરેએ કાર્યકર્તાઓને આવી પ્રવૃત્તિઓના વીડિયો ન બનાવવા અપીલ કરી છે.
ઘટના પછી દુકાનદારને પકડીને સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સ્થાનિક મનસે નેતા વિશ્વજીત ધોલમે દુકાનદારનો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી અને લોકોને આવા વેપારીઓ પાસેથી કંઈપણ સમાન ન ખરીદવાની અપીલ કરી હતી.
આ પહેલા 1 જુલાઈના રોજ, થાણેમાં એક સ્ટ્રીટ ફૂડ વિક્રેતા પર હુમલો કરવામાં આવ્યો હતો, કારણ કે તેણે મરાઠીમાં બોલવાનો ઇનકાર કર્યો હતો. તે ઘટનામાં મનસેના સાત કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. વિરોધમાં, ભાયંદરના વેપારીઓએ વિરોધ કર્યો હતો અને MNS પર બિન-મરાઠી સમુદાયો અને નૈતિક પોલીસિંગને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો.
બીજી ઘટનામાં, ઉત્તર પ્રદેશના એક ઓટો ડ્રાઇવરને મરાઠી ન બોલવા બદલ માર મારવામાં આવ્યો હતો. વીડિયોમાં ડ્રાઈવરે કહ્યું હતું, 'હું હિન્દી બોલીશ', ત્યારપછી MNS અને શિવસેના (UBT)ના કાર્યકરોએ સાથે મળીને તેના પર હુમલો કર્યો. તેને થપ્પડ મારીને માફી માંગવા માટે દબાણ કરવામાં આવ્યું. આ ઘટનામાં મહિલાઓ પણ સામેલ હતી.
શિવસેના (UBT)ના વિરાર વડા ઉદય જાધવ પણ ઘટનાસ્થળે હાજર હતા. તેમણે કહ્યું, 'જો કોઈ મરાઠી ભાષા કે લોકોનું અપમાન કરશે તો તેને શિવસેનાની શૈલીમાં જવાબ આપવામાં આવશે.' આ ઘટનાઓએ મહારાષ્ટ્રમાં મરાઠી વિરુદ્ધ બિન-મરાઠી ચર્ચાને ફરીથી તીવ્ર બનાવી દીધી છે. જ્યાં એક તરફ સ્થાનિક ઓળખની વાત થઈ રહી છે, તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થા અને હિંસા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

