- National
- 'એક જેવો જ ફોટો, એકાઉન્ટ નંબર 1111111111...', PMKVY યોજનામાં મોટું 'કૌભાંડ', CAG રિપોર્ટમાં ખુલાસો
'એક જેવો જ ફોટો, એકાઉન્ટ નંબર 1111111111...', PMKVY યોજનામાં મોટું 'કૌભાંડ', CAG રિપોર્ટમાં ખુલાસો
કેન્દ્ર સરકારની કૌશલ્ય વિકાસ યોજના, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY)માં અનેક ગેરરીતિઓ બહાર આવી છે. CAG રિપોર્ટમાં જણાવાયું છે કે, ઘણી બેંક ખાતાઓમાં નકલી નંબરો દાખલ કરવામાં આવ્યા હતા, તો ઘણી જગ્યાએ, એક જ ફોટાનો ઉપયોગ અનેક લાભાર્થીઓ માટે કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આશરે 34 લાખથી વધુ યુવાનોના ભંડોળ હજુ પણ અટકેલા છે, અને ઘણા તાલીમ કેન્દ્રો પર તાળા મરાઈ ગયા છે.
ભારતના નિયંત્રક અને મહાલેખક (CAG)એ ગુરુવાર, 18 ડિસેમ્બરના રોજ લોકસભામાં આ અહેવાલ રજૂ કર્યો હતો. આ ગેરરીતિઓ 2015થી 2022ની વચ્ચે યોજનાના ત્રણ તબક્કામાં મળી આવી હતી. યુવાનો તાલીમ મેળવી શકે, પ્રમાણપત્ર મેળવી શકે અને સરળતાથી નોકરીઓ શોધી શકે તે માટે આ યોજના જુલાઈ 2015માં શરૂ કરવામાં આવી હતી. જો કે, તપાસમાં બહાર આવેલી ગેરરીતિઓએ યોજના પર પ્રશ્નાર્થ ચિન્હ લગાવી દીધા છે.
2015થી 2022ની વચ્ચે, સરકારની પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY) પર આશરે રૂ. 14,450 કરોડ ખર્ચવામાં આવ્યા હતા. તેનો ઉદ્દેશ્ય 1.32 કરોડ યુવાનોને તાલીમ આપવાનો અને તેમને નોકરી યોગ્ય બનાવવાનો હતો, પરંતુ ફક્ત 1.1 કરોડ લોકોને જ પ્રમાણપત્રો મળ્યા.
CAGની તપાસમાં યોજનાના રેકોર્ડમાં નોંધપાત્ર વિસંગતતાઓ બહાર આવી. લાખો યુવાનોના બેંક ખાતાની વિગતો કાં તો દાખલ કરવામાં આવી ન હતી અથવા ખોટી રીતે દાખલ કરવામાં આવી હતી. કેટલાક કિસ્સાઓમાં, ખાતાઓ પર 111111111111 અથવા 123456 જેવા ખોટા નંબરો લખેલા જોવા મળ્યા હતા.
ઘણા કિસ્સાઓમાં, એક જ બેંક ખાતું અનેક લોકોના નામે નોંધાયેલું જોવા મળ્યું હતું. આના પરિણામે 34 લાખથી વધુ યુવાનોને હજુ પણ તેમના પૈસા મળ્યા નથી. સરકારે દાવો કર્યો હતો કે, આધાર સાથે જોડાયેલા ખાતાઓમાં ચુકવણી કરવાની હતી, પરંતુ તપાસમાં બહાર આવ્યું છે કે, ખરેખર ખૂબ જ ઓછી સંખ્યામાં લોકોને પૈસા મળ્યા હતા.
CAGએ પણ શોધી કાઢ્યું કે ઘણી જગ્યાએ, તાલીમ કેન્દ્રો બંધ હતા, પરંતુ કાગળ પર, ત્યાં તાલીમ ચાલુ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ઘણા લોકોના નામમાં એક જ ફોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આનાથી એ શંકા વધુ મજબૂત થઈ કે રેકોર્ડ સાચા નથી.
રિપોર્ટ મુજબ, CAGએ ઓનલાઈન સર્વે દ્વારા લાભાર્થીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. જોકે, લગભગ 36 ટકા E-Mail મોકલી શકાય જ નહીં. જેટલા E-Mail મોકલવામાં આવ્યા હતા તેમાંથી પણ, ખૂબ ઓછા લોકોએ જવાબ આપ્યો. કુલ ફક્ત 171 જ જવાબ મળ્યા હતા, અને આમાંથી મોટાભાગના જવાબ એક જ E-Mail સરનામાં અથવા તાલીમ કેન્દ્રની ID પરથી મોકલવામાં આવ્યા હતા. આનાથી એ સ્પષ્ટ થઇ ગયું કે, અસલી લાભાર્થીઓ સાથે સીધો સંપર્ક ખુબ ઓછો થયો હતો.

