- Gujarat
- ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ...
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને લઈને સરકાર પર પ્રહાર કરતાં હોય છે. તો સત્તા પક્ષના નેતાઓ બચાવ કરતાં હોય છે અથવા તો વિપક્ષની તત્કાલિન સરકાર અને અન્ય રાજ્યોમાં રહેલી તેમની સરકારનો સંદર્ભ આપીને વિપક્ષી નેતાઓ પર જ પ્રહાર કરતાં હોય છે, ત્યારે જો સત્તા પક્ષના નેતા કોઈ વિપક્ષી નેતાની પ્રશંસા કરે અને એ પણ જાહેર મંચ પર ત્યારે રાજકારણમાં ખળભળાટ મચવો સ્વાભાવિક છે. ચર્ચાઓ થવી સ્વાભાવિક છે. તાજેતરમાં આવું જ કઈક થયું છે. સત્તા પક્ષના નેતા અને ભાજપના નેતા મોહન ધોડિયાએ જાહેરમાં આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસનાં નેતા અનંત પટેલની પ્રસંશા કરતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
મહુવા તાલુકાના દેદવાસણ ગામે રવિવારે આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજની અસ્મિતા અને સંસ્કૃતિને બચાવવાના ઉમદા હેતુ સાથે યોજાયેલા આ મંચ પર પરસ્પર વિરોધી વિચારધારા ધરાવતા નેતાઓ એકતાના તાંતણે બંધાયેલા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ મહુવાના ભાજપના ધારાસભ્ય મોહન ધોડિયાનું સંબોધન રહ્યું હતું. તેમણે મંચ પર હાજર AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પ્રત્યે સન્માન વ્યક્ત કરતા કહ્યું કે, ‘આજે આપણા આંગણે 3 સિંહ આવ્યા છે, તેમને દિલથી વધાવો.’
સત્તા પક્ષના ધારાસભ્ય દ્વારા વિપક્ષના કટ્ટર હરીફોના જાહેરમાં ભરપેટ વખાણ કરાતા સભામાં હાજર ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. મોહન ધોડિયાએ બંને નેતાઓની કાર્યશૈલીનો સ્વીકાર કરતા કહ્યું કે, ‘હું સરકારમાં રહીને કામ કરું છું, જ્યારે ચૈતર વસાવા અને અનંત પટેલ સમાજના હકો માટે સરકાર સામે લડત આપીને સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.’
મોહન ધોડિયાએ પોતાની માતૃભાષા 'ધોડિયા'માં જ જનમેદનીને સંબોધિત કરી હતી. તેમણે ભાવુક સંદેશ આપ્યો કે, આધુનિકતા અને રોજગારની દોટમાં આદિવાસી સમાજ પોતાની મૂળ ભાષા અને સંસ્કૃતિ ભૂલતો જાય છે. સમાજના પ્રત્યેક વ્યક્તિએ પોતાની પરંપરા અને ભાષાને જીવંત રાખવી એ નૈતિક ફરજ છે.’
ભૂતકાળમાં અનંત પટેલ અને મોહન ધોડિયા વચ્ચે અનેક મુદ્દાઓ પર આકરા શાબ્દિક પ્રહારો અને વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા છે. જોકે, દેદવાસણના આ કાર્યક્રમે સાબિત કર્યું કે જ્યારે વાત આદિવાસી સમાજના હિત અને અસ્મિતાની આવે છે ત્યારે પક્ષીય રાજકારણ ગૌણ બની જાય છે.
આ સાંસ્કૃતિક મહોત્સવમાં મહુવા અને આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો પરંપરાગત વેશભૂષામાં ઉમટી પડ્યા હતા. વિશાળ જનમેદનીની હાજરીમાં નેતાઓની આ રાજકીય એકતાએ સમાજમાં એક નવો આશાવાદ જન્માવ્યો છે. ભાજપના ધારાસભ્યનો આ બદલાયેલો અંદાજ આગામી સમયમાં દક્ષિણ ગુજરાતના રાજકારણમાં કેવા સમીકરણો રચશે તે જોવું રસપ્રદ રહેશે.

