- National
- જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં મોટું હિમસ્ખલન, વીડિયો જોઈને લોકોના ઉડ્યા હોશ
જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં મોટું હિમસ્ખલન, વીડિયો જોઈને લોકોના ઉડ્યા હોશ
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોનમર્ગના સરબલ વિસ્તારમાં મોટું હિમસ્ખલન થયું, જેમાં ઘણા ઘરો અને વાહનો ઝપેટમાં આવી ગયા હતા. હિમસ્ખલનમાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. જોકે, હિમસ્ખલનનો વીડિયો સામે આવ્યો છે તેને જોતા એવું લાગે છે કે, તેનાથી ખૂબ નુકસાન થયું હોય શકે છે. વીડિયોમાં જોવા મળે છે કે એક આખો વિસ્તાર હિમસ્ખલનમાં બરફના તોફાન નીચે દટાયો છે.
સોનમર્ગમાં થયેલા હિમસ્ખલનના ઘણા વીડિયો સામે આવી રહ્યા છે. એક વીડિયોમાં, જોઈ શકાય છે કે રાત્રે શાંત વાતાવરણ છે, બહાર કોઈ વ્યક્તિ દેખાતી નથી. ઘરોની પાછળ બરફનો મોટો પહાડ તૂટી પડે છે, અને હિમસ્ખલન સમગ્ર વિસ્તારને ઘેરી લે છે. રસ્તાઓ, ઘરો અને કાર બધા હિમસ્ખલમાં ઢંકાઈ ગયા છે. વીડિયો એટલો ભયાનક છે કે તેનાથી લોકો ગભરાઈ ગયા છે. આ બરફ નીચે ઘણા લોકો દટાયેલા હોવા જોઈએ. જોકે, વહીવટીતંત્રએ આ હિમસ્ખલનમાં કોઈ જાનહાનિના થવાની માહિતી આપી નથી.
https://twitter.com/Kashmir_Weather/status/2016209947760197963?s=20
ઉત્તર ભારત હાલમાં ભયંકર ઠંડીની ઝપેટમાં છે. કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે હિમવર્ષા થઈ રહી છે. મંગળવારે રોડ ટ્રાફિક અને હવાઈ સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી, ભારે હિમવર્ષાને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો હતો અને શ્રીનગર એરપોર્ટથી બધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આના કારણે કટોકટી સેવાઓ અને સશસ્ત્ર દળોની અવરજવરમાં પણ અવરોધ ઊભો થયો. આ દરમિયાન, બચાવ કામગીરી અને બરફ સાફ કરવાની કામગીરી સતત ચાલી રહી છે.
શ્રીનગર એરપોર્ટ પરની બધી 58 સુનિશ્ચિત ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેમાં 29 આગમન અને 29 પ્રસ્થાનનો સમાવેશ થાય છે, જેના કારણે સેંકડો પ્રવાસીઓ ફસાયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે સતત હિમવર્ષાને કારણે રનવે કામગીરી માટે અસુરક્ષિત બની ગયો હતો. શ્રીનગર સહિત ખીણમાં હળવીથી મધ્યમ હિમવર્ષા થઈ હતી, જ્યારે ઊંચા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ હતી, જેના કારણે સોનમર્ગ, ગુલમર્ગ અને પહેલગામ જેવા પર્યટન સ્થળો ગાઢ બરફથી ઢંકાઈ ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે કાઝીગુંડ અને બનિહાલ વચ્ચે બરફ જમા થવાને કારણે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો છે અને બરફ સાફ કરવાની કામગીરી ચાલુ રહી હતી ત્યારે હાઇવે પર કોઈ વાહનોને ચલાવવાની મંજૂરી આપવામાં આવી રહી નથી.
રેલ સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી, જેને કારણે દિવસની શરૂઆતમાં બનિહાલ અને બડગામ વચ્ચેની કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હતી. જો કે, અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રેક સાફ થયા બાદ થોડા કલાકોમાં કામગીરી ફરી શરૂ થઈ હતી. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસે જનતાને મદદ કરવા માટે કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન્સ સ્થાપિત કર્યા છે. પોલીસ કર્મચારીઓ બરફથી ઢંકાયેલા વિસ્તારોમાં જ્યાં રસ્તાઓ બંધ હતા, ત્યાં દર્દીઓને સ્ટ્રેચર પર તબીબી સુવિધાઓ સુધી લઈ જતા જોવા મળ્યા હતા.
હવામાન વિભાગે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા હિમવર્ષાની આગાહી કરી છે, કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અથવા ભારે પવનની શક્યતા છે. બુધવારે પણ હળવા વરસાદની આગાહી છે. જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (JKUTDMA)એ કાશ્મીરના 11 જિલ્લાઓ માટે હિમસ્ખલનની ચેતવણી જાહેર કરી છે, જેમાં ગાંદરબલ, અનંતનાગ, બાંદીપોરા, બારામુલ્લા, કુલગામ અને કુપવાડા અને જમ્મુ ક્ષેત્રના ડોડા, કિશ્તવાડ, પૂંછ, રાજૌરી અને રામબનનો સમાવેશ થાય છે.
આ દરમિયાન, જમ્મુ-કાશ્મીરના સોનમર્ગ ટૂરિસ્ટ રિસોર્ટમાં મંગળવારે મોડી રાત્રે હિમસ્ખલન થયું હતું, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી, અધિકારીઓએ આ જાણકારી આપી હતી. મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સોનમર્ગ રિસોર્ટમાં મંગળવારે રાત્રે 10:12 વાગ્યે હિમપ્રપાત થયો હતો.

