- National
- પૂજા માટે લીંબુ પર ચઢાવવાની હતી નવી નક્કોર થાર, મહિલાએ એટલી જોરથી એક્સિલરેટર દબાવ્યું કે પહેલા માળ પ...
પૂજા માટે લીંબુ પર ચઢાવવાની હતી નવી નક્કોર થાર, મહિલાએ એટલી જોરથી એક્સિલરેટર દબાવ્યું કે પહેલા માળ પરથી પડી
દિલ્હીના પ્રીત વિહારમાં એક મોટો અકસ્માત થતા-થતા ટળી ગયો. નવી થાર કાર શૉરૂમના પહેલા માળ પરથી જમીન પર પડી ગઈ. શૉરૂમના પહેલા માળે રાખવામાં આવેલી નવી થાર રોક્સ કારની ડિલિવરી લેવામાં આવી રહી હતી. ખરીદનાર પ્રદીપ અને તેની પત્ની મણિ પવાર કારમાં બેઠા હતા. શૉરૂમનો સેલ્સમેન વિકાસ કારના ફીચર્સ સમજાવી રહ્યો હતો. જેવી જ કાર ચાલુ કરવામાં આવી, તે સીધી પહેલા માળેથી નીચે ફૂટપાથ પર પડી.
આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. જોકે કારને નુકસાન થયું છે, પરંતુ કોઈએ ફરિયાદ નોંધાવી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલા શૉરૂમમાં જ નવી કારની પૂજા કરી રહી હતી. પૂજા માટે થારને લીંબુ પર ચઢાવવાની હતી. આ દરમિયાન મહિલાએ એક્સિલરેટર જોરથી દબાવી દીધું અને કાર શૉરૂમના પહેલા માળેથી નીચે ફૂટપાથ પર પડી.
આ ઘટના પ્રીત વિહાર પોલીસ સ્ટેશનના ધ્યાનમાં આવી છે. પોલીસે મંગળવારે (09 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે પૂર્વ દિલ્હીના પ્રીત વિહારમાં મહિન્દ્રા થાર ખરીદ્યા બાદ તરત જ શૉરૂમની કાચની દિવાલ સાથે ટકરાઇ ગઇ અને કાર નીચે પડી ગઈ. સોમવારે સાંજે 05:00 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
https://twitter.com/Ramraajya/status/1965355383742234953
એક પોલીસ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે , ‘જ્યારે આ અકસ્માત થયો ત્યારે ખરીદનાર પ્રદીપ અને તેની 29 વર્ષીય પત્ની મણિ પવાર અને શૉરૂમના સેલ્સમેન વિકાસ કારની અંદર હતા.’ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (પૂર્વ) અભિષેક ધનિયાએ જણાવ્યું હતું કે, ‘તપાસ કરતાં જાણવા મળ્યું કે, મણિ અને તેના પતિ પ્રદીપે નિર્માણ વિહાર સ્થિત મહિન્દ્રા શૉરૂમમાંથી થાર રોક્સ કાર ખરીદી હતી. થાર શૉરૂમના પહેલા માળે પાર્ક કરવામાં આવી હતી અને માલિકને આપવામાં આવી રહી હતી, ત્યારે અચાનક તેજીથી શૉરૂમના કાચ તોડતા જમીન પર પડી ગઈ.
ડેપ્યુટી પોલીસ કમિશનર ધનિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ‘અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી અને કોઈની ફરિયાદ મળી નથી.’ આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં થાર જમીન પર પલટી મારેલી છે અને પહેલા માળે કાચની જગ્યાએ એક ખાલી ફ્રેમ દેખાય છે.

