- National
- પત્ની વારંવાર પિયર જતી હોવાથી જમાઈએ ગુસ્સે થઈને સસરાના ઘરની દીવાલ JCBથી તોડી નાંખી
પત્ની વારંવાર પિયર જતી હોવાથી જમાઈએ ગુસ્સે થઈને સસરાના ઘરની દીવાલ JCBથી તોડી નાંખી
ઝારખંડના ગિરિડીહ જિલ્લાના જમુઆ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સિરસિયા ગામમાં એ વખતે હોબાળો મચી ગયો જ્યારે પત્નીના પિયર તરફથી તેની વિદાય કરતા ન હોવાને કારણે ગુસ્સે ભરાયેલા પતિ JCB મશીન લઈને તેના સાસરિયાના ઘરે પહોંચી ગયા. એવો આરોપ છે કે, પતિએ પહેલા ઘરની બહારની કમ્પાઉન્ડની દિવાલ તોડવાનું શરૂ કર્યું અને પછી આખું ઘર તોડી પાડવાની તૈયારીમાં હતો.
નજરે જોનારાઓએ જણાવ્યા અનુસાર, ગુસ્સે ભરાયેલો પતિ JCB ચલાવીને તેના સાસરિયાના ઘરે પહોંચ્યો. વિચાર્યા વિના, તેણે તરત જ બહારની કમ્પાઉન્ડની દિવાલ પર JCB મશીન ચલાવ્યું. જોત જોતામાં આખી દિવાલ પુરી રીતે પડી ગઈ. ત્યારપછી તે ઘરને પણ તોડી પાડવાનો પ્રયાસ કરી આગળ વધી રહ્યો હતો.
દિવાલ ધરાશાયી થતી જોઈને, આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા. ગ્રામજનોએ વિરોધ કરવાનું શરૂ કર્યું, અને ભીડ વધતી જતી જોઈને પતિ JCB લઈને ભાગી ગયો હતો. ઘટના પછી ગામમાં લાંબા સમય સુધી તણાવનું વાતાવરણ રહ્યું હતું.
મળતી માહિતી મુજબ, મહિલાના લગ્ન 2021માં ગાદી ચુગલો ગામના રહેવાસી પિન્ટુ મંડલ સાથે થયા હતા. પતિનો આરોપ છે કે, જ્યારે પણ કામની જરૂર હોય ત્યારે તેની પત્ની તેના માતાપિતાના ઘરે ચાલી જાય છે. તેને આવું કરતા અટકાવવાને બદલે, તેના સાસરિયાઓ પણ તેને ટેકો આપતા હતા. તેણે ઘણી વખત પત્નીની વિદાય કરવાનું કહેવાનો પ્રયાસ કર્યો, પરંતુ ન તો તેની પત્ની આવવા માટે તૈયાર હતી કે, ન તેના સાસરિયાઓ તરફથી કોઈ પહેલ કરવામાં આવી. બાળકોને પણ તેના ઘરે મોકલવામાં આવતા નહોતા.
ગુસ્સે ભરાયેલા પતિનું કહેવું છે કે, તેણે નક્કી કર્યું હતું કે, જો સાસરિયાનું ઘર જ ન રહે, તો તેની પત્ની વારંવાર તેના માતાપિતાના ઘરે નહીં જાય અને તેની સાથે જ રહેશે. આવા ગુસ્સામાં, તે JCB લઈને તેના સાસરિયાના ઘરે પહોંચ્યો અને તોડફોડ શરૂ કરી દીધી.
પત્ની ઉર્મિલા દેવીએ તેના પતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેનો દાવો છે કે તેનો પતિ દરરોજ રાત્રે દારૂ પીને ઘરે આવે છે અને તેને માર મારે છે. તેના સાસરિયાઓ પણ તેને ઘણી રીતે હેરાન પરેશાન કરે છે. આ કારણે તે તેના પિયર આવીને રહે છે.
પત્નીએ સમગ્ર મામલા અંગે જમુઆ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી દાખલ કરી છે, જેમાં તેના પતિ સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, અરજીના આધારે કેસની તપાસ કરવામાં આવી રહી છે અને કાયદા મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

