- National
- સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ આદેશ- જ્યાં રખડતા કૂતરા દેખાય પકડી લો, કોઈ રોકે તો અમે...
સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ આદેશ- જ્યાં રખડતા કૂતરા દેખાય પકડી લો, કોઈ રોકે તો અમે...
સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCRના તમામ રખડતા કૂતરાઓને શેલ્ટર હોમમાં ખસેડવાનો કડક આદેશ આપ્યો છે. સોમવાર, 11 ઓગસ્ટના રોજ, કોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને કડક સૂચના આપી હતી કે તેઓ શક્ય તેટલી વહેલી તકે તેમને પકડીને નસબંધી કરે. આ પછી, તેમને કાયમ માટે ડોગ શેલ્ટરમાં ખસેડવામાં આવે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે, આ આદેશનો અમલ કોઈપણ સમાધાન વિના કરવો જોઈએ. જો કોઈ તેને અટકાવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, જસ્ટિસ JB પારડીવાલા અને જસ્ટિસ R. મહાદેવનની બેન્ચે બાળકો પર હુમલો કરતા રખડતા કૂતરાઓ સંબંધિત એક સમાચાર અહેવાલની નોંધ લેતા આ સૂચનાઓ બહાર પાડી છે. કોર્ટે ચેતવણી આપી હતી કે, જો કોઈ વ્યક્તિ કે સંગઠન અધિકારીઓના કામમાં દખલ કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કોર્ટે કડક સૂચના આપી હતી કે, રખડતા કૂતરાઓને ખસેડવા માટે બળનો ઉપયોગ કરવો પડે તો પણ અધિકારીઓ તે કરી શકે છે. આમાં કોઈ ખચકાટ ન હોવો જોઈએ.
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું, 'શિશુઓ અને નાના બાળકોને કોઈપણ કિંમતે હડકવાનો શિકાર બનવાની મંજૂરી આપી શકાય નહીં. આ કાર્યવાહીથી તેમને વિશ્વાસ મળશે કે તેઓ કૂતરાઓના ડર વિના આ વિસ્તારમાં ફરી શકશે. આ બાબતને કોઈપણ લાગણીઓથી ઉપર ઉઠીને જોવી પડશે.'
કેસની સુનાવણી દરમિયાન, જસ્ટિસ પારડીવાલાએ નસબંધી કરાયેલા કૂતરાઓને તે જ વિસ્તારમાં પાછા છોડવાનો પ્રશ્ન ઉઠાવ્યો. કોર્ટે તેને એક વાહિયાત અને અન્યાયી નિયમ ગણાવ્યો. જસ્ટિસ પારડીવાલાએ પૂછ્યું, 'નસબંધી કરવામાં આવી છે કે નહીં, સમાજ રખડતા કૂતરાઓથી મુક્ત હોવો જોઈએ. તમારે શહેરના કોઈપણ વિસ્તારમાં અથવા બહારના વિસ્તારમાં એક પણ રખડતા કૂતરાને ફરતો જોવો જોઈએ નહીં. આ પહેલું પગલું છે. જો તમે કોઈ વિસ્તારમાંથી રખડતા કૂતરાને ઉપાડો છો અને પછી તેને નસબંધી કરો છો અને ત્યાં પાછો મોકલો છો, તો તે એકદમ વાહિયાત અને અર્થહીન છે. રખડતા કૂતરાઓ તે વિસ્તારમાં પાછા જવા જ ન જોઈએ'
સુપ્રીમ કોર્ટે આ સૂચનાઓ બહાર પાડી: આગામી 8 અઠવાડિયામાં, દિલ્હીમાં પૂરતા પ્રમાણમાં કૂતરા આશ્રયસ્થાનો બનાવવા જોઈએ, જ્યાં કૂતરાઓને નસબંધી, રસીકરણ અને સંભાળ રાખી શકાય. આશ્રયસ્થાનોમાં CCTV કેમેરા લગાવો, જેથી પરવાનગી વગર કૂતરાઓને છોડી ન શકાય.
આગામી 6-8 અઠવાડિયામાં, 5,000 રખડતા કૂતરાઓને પકડીને આશ્રયસ્થાનોમાં રાખવા જોઈએ. દરેક વિસ્તારમાંથી, ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાંથી કૂતરાઓને દૂર કરવા જોઈએ. જો કોઈ તેમને રોકવાનો પ્રયાસ કરશે, તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કેવી રીતે કરવું તે અધિકારીઓ પર નિર્ભર છે.
નોઈડા, ગુડગાંવ સહિત તમામ સંબંધિત વિસ્તારોમાં MCD/NDMCએ દરરોજ કેટલા કૂતરાઓને પકડવામાં આવ્યા અને આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યા તેનો રેકોર્ડ રાખવો પડશે. પરવાનગી વિના કોઈ કૂતરાને છોડવામાં આવશે નહીં. જો કોર્ટને ખબર પડશે કે આવું થયું છે, તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
કૂતરા કરડવા અને હડકવાની ફરિયાદો માટે એક અઠવાડિયાની અંદર હેલ્પલાઇન શરૂ કરવી જોઈએ. ફરિયાદ મળ્યાના 4 કલાકની અંદર કાર્યવાહી કરવી પડશે.
હડકવાની રસીની ઉપલબ્ધતા અને સ્ટોક માહિતી સમયાંતરે અપડેટ કરવી પડશે.
જ્યારે, સુનાવણી દરમિયાન, પીપલ ફોર એનિમલ્સના ટ્રસ્ટી વતી વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરાએ પોતાનો પક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ જસ્ટિસ પારડીવાલાએ વ્યાપક જાહેર હિતનો હવાલો આપીને વિનંતીને ફગાવી દીધી.

