- National
- અનામત લેનાર ઉમેદવાર પરિણામ બાદ સામાન્ય વર્ગમાં જઇ શકે છે? સુપ્રીમ કોર્ટે કરી દીધું સ્પષ્ટ
અનામત લેનાર ઉમેદવાર પરિણામ બાદ સામાન્ય વર્ગમાં જઇ શકે છે? સુપ્રીમ કોર્ટે કરી દીધું સ્પષ્ટ
સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, જો કોઈએ નોકરી માટે અરજી કરતી વખતે અનામત વર્ગ હેઠળ ઉંમરમાં છૂટછાટ લીધી હોય, તો પછીથી તેને બિનઅનામત (સામાન્ય) વર્ગની બેઠકો પર પસંદગી માટે કન્સીડર કરવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, આ પરિસ્થિતિ ત્યારે જ લાગૂ પડશે, જ્યારે ભરતી નિયમોમાં આ પ્રકારના ટ્રાન્સફર માટે પ્રતિબંધનો ઉલ્લેખ હોય. એટલે કે, જો ભરતી નીકળે ત્યારે આવી શરત ન લગાવવામાં આવે તો અનામત વર્ગના ઉમેદવારને સામાન્ય શ્રેણી હેઠળ પસંદગી માટે વિચારી શકાય છે.
સ્ટાફ સિલેક્શન કમિશનની કોન્સ્ટેબલ ભરતી (GD) સાથે જોડાયેલો એક કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. ભરતી પ્રક્રિયામાં વય મર્યાદા 18-23 વર્ષ નક્કી કરવામાં આવી હતી. અન્ય પછાત વર્ગ (OBC) ઉમેદવારો માટે 3 વર્ષની છૂટ. પ્રતિવાદીઓએ OBC ઉમેદવારના રૂપમાં અરજી કરીને છૂટનો લાભ લીધો હતો. જ્યારે પરિણામ આવ્યું, ત્યારે પ્રતિવાદીઓએ સામાન્ય વર્ગના પસંદ કરાયેલા છેલ્લા ઉમેદવાર કરતા વધુ ગુણ મેળવ્યા હતા, પરંતુ OBC ઉમેદવાર કરતા ઓછા ગુણ મેળવ્યા હતા. આ કારણે તેની પસંદગી કરવામાં આવી નહોતી. એવામાં, પ્રતિવાદીઓએ હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટે તેમના પક્ષમાં નિર્ણય આપ્યો હતો અને કહ્યું કે તેમને યોગ્યતાના આધારે સામાન્ય વર્ગની બેઠકો માટે ધ્યાનમાં લેવા જોઈએ.
લાઈવ લૉના રિપોર્ટ મુજબ, ભારત સરકારે હાઈકોર્ટના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેના પર ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીની 2 જજોની બેન્ચ આ સુનાવણી કરી રહી હતી. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે અનામત લીધેલ ઉમેદવાર કે જેણે સામાન્ય ઉમેદવારો સાથે ખુલ્લી પ્રતિસ્પર્ધામાં ભાગ લેવા માટે ફી/ઉચ્ચ વય મર્યાદામાં છૂટછાટનો લાભ ઉઠાવ્યો છે, તેને બિનઅનામત સીટો પર ભરતી કરી શકાય છે કે નહીં, તે દરેક કેસના સંજોગો પર આધાર રાખશે.
સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર, જો ભરતી નિયમો/નોટિફિકેશનમાં આના પર કોઈ પ્રતિબંધ નથી, તો આવા અનામત ઉમેદવારો જેમણે છેલ્લા પસંદ કરેલા સામાન્ય વર્ગના ઉમેદવાર કરતા વધુ ગુણ મેળવ્યા છે તેઓ માઈગ્રેટ કરવા અને બિનઅનામત સીટો પર ભરતી કરવા માટે હકદાર રહેશે. (પરંતુ) જો સંબંધિત ભરતી નિયમો હેઠળ પ્રતિબંધ લગાવવામાં આવે છે, તો આવા અનામત મેળવનાર ઉમેદવારોને સામાન્ય વર્ગની બેઠકો પર માઈગ્રેટ કરવાની મંજૂરી નહીં આપવામાં આવે.

જો કે, આ કેસમાં માઈગ્રેશન પર પ્રતિબંધ હોવાથી સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણયને ઉથલાવી દીધો અને પ્રતિવાદીઓને સામાન્ય સીટો પર માઈગ્રેશન આપવાનો ઇનકાર કરી દીધો. એટલે કે ભારત સરકારની અપીલ સ્વીકારી લેવામાં આવી. આ દરમિયાન, સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી પણ કરી. તેણે કહ્યું હતું કે હાઇકોર્ટે જિતેન્દ્ર કુમાર સિંહ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય (2010)ના કેસ પર ખોટી રીતે આધાર રાખ્યો હતો. તે કેસમાં, ઉત્તર પ્રદેશની ખાસ કાયદાકીય જોગવાઈઓ લાગૂ પડતી હતી, જે આવા માઈગ્રેશનને મંજૂરી આપે છે.

