- National
- સુપ્રીમ કોર્ટે કહ્યું- બાળકોને ઇન્ટરનેટ વાપરવાનો અધિકાર: તેમને તેનાથી દૂર રાખવા એ બેતુકી વાત
સુપ્રીમ કોર્ટે કહ્યું- બાળકોને ઇન્ટરનેટ વાપરવાનો અધિકાર: તેમને તેનાથી દૂર રાખવા એ બેતુકી વાત
સુપ્રીમ એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા જણાવ્યું છે કે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો એ દરેક વ્યક્તિનો, અને દરેક ઉંમરના બાળકોનો પણ મૂળભૂત અધિકાર છે. બાળકોને ઇન્ટરનેટથી સંપૂર્ણપણે દૂર રાખવા એ એક બેતુકી વાત હશે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે બાળકોની સુરક્ષા અને તેમની સ્વતંત્રતા એકબીજાની વિરુદ્ધ નથી; બાળકોને આ બંનેનો અધિકાર છે.
કોર્ટે જણાવ્યું કે ઇન્ટરનેટ પર ખરાબ કે અયોગ્ય કન્ટેન્ટ હોવાને કારણે તેને બાળકો માટે સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવું એ તેનો કોઈ ઉકેલ નથી. આ પ્રકારના પ્રતિબંધોના કારણે બાળકો વધુ અસુરક્ષિત વેબસાઇટ્સ અને પ્લેટફોર્મ્સ તરફ વળી શકે છે. આ ઉપરાંત, ઓનલાઈન ધમકી કે શોષણનો સામનો કરતા બાળકો ડરના કારણે ફરિયાદ કરતા પણ અચકાઈ શકે છે.

કોર્ટે બાળકોના યૌન શોષણ સાથે જોડાયેલા કન્ટેન્ટને ઇન્ટરનેટ પરથી દૂર કરવાની વ્યવસ્થાને મજબૂત કરવાના મામલે આ મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી. કોર્ટે કેન્દ્ર સરકારને આવા કન્ટેન્ટનું નેશનલ ડેટાબેઝ તૈયાર કરવા અને સોશિયલ મીડિયા કંપનીઓને બે કલાકની અંદર પોલીસને રિપોર્ટ કરવા સહિતના અનેક કડક નિર્દેશો આપ્યા છે.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેંચે નિર્દેશ આપ્યો કે ડેટાબેઝમાં બાળકોના યૌન શોષણ સાથે જોડાયેલા પ્રમાણિત કન્ટેન્ટની ડિજિટલ ઓળખ એટલે કે 'હેશ' અને તે વેબસાઇટ્સની લિંક્સ રાખવામાં આવશે જ્યાં આ સામગ્રી મોજૂદ છે. આ ડેટાબેઝ હાલના 'સહયોગ પોર્ટલ' પર અથવા એક અલગ પ્લેટફોર્મ તરીકે પણ બનાવી શકાશે. કોઈપણ સામગ્રીને ડેટાબેઝમાં નોંધતા પહેલા તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. ઓછામાં ઓછા ત્રણ પ્રશિક્ષિત નિષ્ણાતો સ્વતંત્ર રીતે એ નક્કી કરશે કે તે સામગ્રી બાળકોના યૌન શોષણ સાથે જોડાયેલી છે કે નહીં. આ પ્રાથમિક તપાસમાં સોફ્ટવેરની મદદ પણ લઈ શકાશે.
તપાસનો સંપૂર્ણ રેકોર્ડ સાચવવામાં આવશે. ડેટાબેઝ સુધી કોણે-કોણે પહોંચ મેળવી, તેની જાણકારી પણ નોંધવામાં આવશે અને સમય-સમય પર તેનું સ્વતંત્ર ઓડિટ કરવામાં આવશે. જો કોઈ સામગ્રી ભૂલથી કે ખોટી રીતે નોંધાઈ ગઈ હોય, તો તેને હટાવવાની અને તેની ફરિયાદ કરવાની યોગ્ય વ્યવસ્થા પણ બનાવવી પડશે. સોશિયલ મીડિયા કંપનીઓ તેમના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ સામગ્રીનું આ ડેટાબેઝ સાથે મેચિંગ કરી શકશે. જેના કારણે જો તે જ કન્ટેન્ટ ફરીથી અપલોડ કરવામાં આવે તો તેને તુરંત ઓળખી શકાશે.
સોશિયલ મીડિયા કંપનીઓએ તેમની વેબસાઇટ અને એપ પર 'ગ્રીવન્સ ઓફિસર' (ફરિયાદ અધિકારી) ની જાણકારી તેમજ બાળકોના યૌન શોષણ સાથે જોડાયેલા કેસો માટે એક અલગ ફરિયાદ વિકલ્પ આપવો પડશે.

દરેક ફરિયાદ મળ્યાના 24 કલાકની અંદર રેફરન્સ નંબર આપવો ફરજિયાત રહેશે. પ્રશિક્ષિત અધિકારીઓ આ શિકાયતોની તપાસ કરશે અને પોતાના નિર્ણયની સાથે તેનું કારણ પણ સ્પષ્ટ કરશે. કોર્ટે કેન્દ્ર સરકારને IT નિયમોમાં જરૂરી ફેરફારો કરવા માટે પણ જણાવ્યું છે. કોર્ટે IT કાયદો અને નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓ પર મોટો આર્થિક દંડ ફટકારવાની વ્યવસ્થા પર વિચાર કરવા કહ્યું છે. દંડ નક્કી કરતી વખતે ઉલ્લંઘનની ગંભીરતા, તેની અવધિ, વારંવાર થતી ચૂંક તેમજ કંપનીના કદ અને ટર્નઓવરને ધ્યાનમાં લેવાનું સૂચન કરવામાં આવ્યું છે.
પેઇડ અને સબસ્ક્રિપ્શન આધારિત સેવાઓની પણ તપાસ કરવામાં આવશે, જેથી તેના માધ્યમથી બાળકોના યૌન શોષણ સાથે જોડાયેલું કન્ટેન્ટ ન ફેલાઈ શકે. સરકારને આવી સામગ્રીથી થયેલી કમાણીને જપ્ત કરવાના વિકલ્પ પર પણ વિચાર કરવા માટે કહેવામાં આવ્યું છે.
કોર્ટે બાળકોને ઓનલાઈન જોખમો ઓળખતા શીખવવા, પોતાની અંગત માહિતી સુરક્ષિત રાખવા અને ગેરવર્તણૂકની ફરિયાદ કરવા અંગે જાગૃત કરવા પર વિશેષ ભાર મૂક્યો છે.
ઉંમરના હિસાબે સંમતિ, સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ તેમજ ઓનલાઈન શોષણ જેવા વિષયો બાળકોને ભણાવવા જોઈએ.

NCERT અને રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓને નિષ્ણાતોની મદદથી આ અભ્યાસ સામગ્રી તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. ડિજિટલ સુરક્ષા અને ઉંમરને અનુરૂપ જાતીય શિક્ષણને શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારને આ નિર્દેશોનું પાલન કરાવવા માટે જરૂરી માર્ગદર્શિકાઓ અને પ્રક્રિયાઓ તૈયાર કરવી પડશે. જરૂરિયાતના આધારે IT કાયદો અને નિયમોમાં પણ યોગ્ય ફેરફારો કરવા પડશે. સરકારે આ અંગે એક સોગંદનામું રજૂ કરીને આ નિર્દેશો પર થયેલી પ્રગતિની માહિતી આપવાની રહેશે. આ મામલાની આગામી સુનાવણી 10 ડિસેમ્બર 2026 ના રોજ હાથ ધરવામાં આવશે.

