- National
- પ્રિન્સિપલે ચેકમાં 'હન્ડ્રેડ'ને 'હરેન્દ્ર' લખી દીધું, સસ્પેન્ડ કરાયા, પણ એના સસ્પેન્શન લેટરમાં 8 ભૂલ...
પ્રિન્સિપલે ચેકમાં 'હન્ડ્રેડ'ને 'હરેન્દ્ર' લખી દીધું, સસ્પેન્ડ કરાયા, પણ એના સસ્પેન્શન લેટરમાં 8 ભૂલ હતી
'અંગ્રેજી બોલવું એ એક અંડરટેકર રમવા જેવું છે,'Sorry ના Baby.' તમને ફિલ્મ 'ફંસ ગયે રે ઓબામા'નું આ દ્રશ્ય તો યાદ હશે જ. આ દૃશ્યમાં, એક અંગ્રેજીના શિક્ષક અંગ્રેજી ભાષાના સ્પષ્ટપણે ગુણગાન ગાતા હોય છે. આ તો થઇ રીલ-લાઇફના અનુભવની વાત. હવે, તમને એક એવા જ પ્રકારના વાસ્તવિક જીવનના અનુભવ વિશે બતાવી દઈએ. અંગ્રેજી પ્રત્યેના આ જબરદસ્ત 'આદર'નું ઉદાહરણ દેશના એક રાજ્યમાંથી બહાર આવ્યું છે, જેને હાલમાં જ 'સંપૂર્ણ સાક્ષર રાજ્ય'નો દરજ્જો મળ્યો છે. તે રાજ્યનું નામ છે હિમાચલ પ્રદેશ.
તાજેતરમાં, સિરમૌર જિલ્લાની એક સરકારી સિનિયર સેકન્ડરી સ્કૂલમાંથી મળેલા ચેકનો ફોટો વાયરલ થયો હતો. ચેક અંગ્રેજી જોડણીની ભૂલોથી ભરેલો હતો. આ જોડણીની ભૂલો કરનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ એક શિક્ષક હતો. મજાની વાત તો એ છે કે, આ માટે શિક્ષક સામે કાર્યવાહી તો કરવામાં આવી જ હતી. પરંતુ તેમને સસ્પેન્ડ કરવાના સરકારી આદેશમાં પણ ઘણી અંગ્રેજી જોડણીની ભૂલો હતી.
પ્રિન્સિપાલ દ્વારા સહી કરાયેલ ચેક રૂ. 7,616નો હતો. ચેક પર 25 સપ્ટેમ્બર, 2025ની તારીખ લખી હતી, જે સાચી હતી, કારણ કે તે આંકડામાં લખાયેલી હતી. પછી આવ્યો રકમનો વારો, જેની જોડણી પણ સાચી હતી જે આંકડામાં હતી.
પરંતુ જ્યારે તે જ રકમ શબ્દોમાં લખવાની વાત આવી, ત્યારે એક મોટી ભૂલ થઈ ગઈ. તેમાં લખ્યું હતું, 'Saven Thursday six Harendra sixty rupees only'. અહીં, 'Thousand'ને 'Thursday' તરીકે લખવામાં આવ્યું હતું અને 'Hundred'ને 'Harendra' (હરેન્દ્ર)તરીકે લખવામાં આવ્યું હતું.
ત્યાર પછી બેંકે ચેકને તો નકારી જ કાઢ્યો, પરંતુ તેને ડ્રાફ્ટ કરનાર વ્યક્તિ સામે પણ કાર્યવાહી કરવામાં આવી તે અલગ. ત્યારપછી, 4 ઓક્ટોબરના રોજ, ચેક ડ્રાફ્ટ કરનાર ડ્રોઇંગ શિક્ષક અત્તર સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા. અહીં આટલું જ નથી આગળ પણ સાંભળી લો! શિક્ષક તો શિક્ષક વહીવટી પ્રશાસન પણ તેનાથી બે ડગલાં આગળ નીકળી ગયું.
કારણ કે સસ્પેન્શન જેવી બાબતો લેખિતમાં લખીને આપવામાં આવે છે, તે મુજબ સરકારી આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. પરંતુ આ સરકારી આદેશમાં જ અસંખ્ય ભૂલો જોવા મળી. જોડણી' શબ્દ પણ ખોટી જોડણીમાં લખાયેલો હતો. અન્ય ભૂલો આ પ્રમાણે હતી... : Principalને princpal તરીકે લખવામાં આવ્યું હતું. Sirmaurને Sirmour તરીકે લખવામાં આવ્યું હતું. spellingsને spelling તરીકે લખવામાં આવ્યું હતું. educationને educatioin તરીકે લખવામાં આવ્યું હતું.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, જ્યારે ઠાકુરને સરકારી આદેશમાં ભૂલો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે સિરમૌરના ડેપ્યુટી ડિરેક્ટર (સ્કૂલ એજ્યુકેશન) રાજીવ ઠાકુરે કહ્યું કે, સમય ઓછો હતો અને ઉતાવળમાં નોટિસ બહાર પાડવામાં આવી હતી. તેમણે ભૂલો ને સ્વીકારી હતી, પરંતુ આ જોડણી અને ટાઇપિંગની ભૂલો હતી. તેઓ તપાસ કરશે કે આ ભૂલો કેવી રીતે થઈ.
ડ્રોઈંગ ટીચરના સસ્પેન્શન અંગે, ઠાકુરે કહ્યું કે, જોડણીની ભૂલોને સામાન્ય રીતે અવગણવામાં આવે છે. આવું કરનારને ચેતવણી આપીને છોડી દેવામાં આવે છે. જો કે, આ કિસ્સામાં, શબ્દો અને તેમના અર્થ જ સંપૂર્ણપણે બદલી નાખવામાં આવ્યા હતા. 'Thousand'ને 'Thursday' તરીકે લખવામાં આવ્યું હતું અને 'Hundred'ને 'Harendra' (હરેન્દ્ર) તરીકે લખવામાં આવ્યું હતું, જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આમ પણ નોંધવા જેવી વાત એ હતી કે, હિમાચલ પ્રદેશને તાજેતરમાં જ 'પૂર્ણ સાક્ષર રાજ્ય'નો દરજ્જો મળ્યો છે. આ સાથે, હિમાચલ પ્રદેશ હવે ફક્ત ત્રણ રાજ્યોના ચુનંદા ક્લબમાં જોડાયો છે: ત્રિપુરા, મિઝોરમ, ગોવા અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ.
મળતા અહેવાલ મુજબ, આ આવી કોઈ પહેલી ઘટના નથી. તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પડાયેલા એક પત્રમાં આવી જ ભૂલ જોવા મળી આવી હતી. આ પત્રમાં, આરોગ્ય પ્રધાન ડૉ. (કર્નલ) ધની રામ શાંડિલના પુત્ર ડૉ. (કર્નલ) સંજય શાંડિલને તેમના 'સહયોગી' તરીકે બતાવવામાં આવ્યા હતા.
આ અગાઉ, સપ્ટેમ્બર 2021માં, રાજ્ય સરકારના માહિતી અને જનસંપર્ક વિભાગ દ્વારા એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તત્કાલીન CM જય રામ ઠાકુરના નામની ખોટી જોડણી 'જાઓ રામ ઠાકુર' લખવામાં આવી હતી.

