- National
- SDMએ ફરિયાદીને જ ઓફિસમાં મરઘો બનાવી દીધો, પદ પરથી હટાવી દેવાયા
SDMએ ફરિયાદીને જ ઓફિસમાં મરઘો બનાવી દીધો, પદ પરથી હટાવી દેવાયા
ત્રીજા પ્રયાસે સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરીને હજુ પહેલું જ પોસ્ટિંગ મેળવનાર SDMને પોતાની જ ઓફીસમાં એક ફરિયાદીને મરઘો બનાવવાનું ભારે પડ્યું છે. ફરિયાદ મળતાની સાથે SDMને હટાવી દેવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના એક તહસીલના SDM ઉદિત પવાર આ દિવસોમાં ચર્ચામાં છે. તેમની પર એવો આરોપ છે કે તેમણે એક ફરિયાદીને પોતાની જ ઓફીસમાં મરઘો બનવાની સજા કરી હતી. SDMની ઓફિસમાં ફરિયાદીનો મરઘો બનવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જો કે ફરિયાદ મળતાની સાથે SDM ઉદિત પવારને પદ પરથી હટાવીને નવા SDMની નિમણુંક કરી દેવામાં આવી છે.

બરેલી જિલ્લાના મીરગંજ તહસીલના SDM ઓફિસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખાસ્સો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક ફરિયાદીને મુરઘો થતો જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા પછી SDM સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.

વિવાદમાં ફસાયેલા SDM ઉદિત પવાર મેરઠના રહેવાસી છે અને તેમણે 10 ધોરણ સુધીનો અભ્યાસ સેંટ મેરીઝ એકડેમીમાંથી અને 12મા ધોરણનો અભ્યાસ દીવાન પબ્લિક સ્કુલમાં કર્યો હતો. એ પછી ઉદિત પવારે IIT ગૌહાટીથી મિકેનિકલ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો હતો. ઉદિત પવારે એન્જિનિયરીંગ પુરુ કર્યા પછી 1 વર્ષ સુધી બેંગલુરુંમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરી હતી. પરંતુ નોકરીમાં તેમનું મન લાગ્યું નહોતું અને નોકરી છોડીને ઘરે આવી ગયા હતા. એ પછી તેમણે સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી ચાલુ કરી હતી.

ઉદિત પવારને ત્રીજા પ્રયાસમાં સફળતા મળી હતી. પહેલા અને બીજા પ્રયાસમાં તો તેએ પ્રીલિમ્સ પણ ક્લીયર કરી શક્યા નહોતા. પરંતુ વર્ષ 2020માં ત્રીજા પ્રયાસમાં 5મો રેંક સાથે PCS પરીક્ષા ક્લીયર કરી હતી. ઉદિત પવાર અનેક ઇન્ટરવ્યૂમાં એ વાત કહી ચૂક્યા છે કે તેઓ દરરોડ 10 કલાક સેલ્ફ સ્ટડી કરતા હતા. તેમની સફળતાનો એ જ મૂળ મંત્ર હતો.
SDM ઉદિત પવાર થોડા દિવસો પહેલા બરેલીના મીરગંજ તહસીલમાં તૈનાત હતા. મીરગંજ તહસીલમાં આ તેમની પ્રથમ પોસ્ટિંગ હતી. બરેલીના ડીએમ શિવકાંત દ્વિવેદીએ કહ્યું છે કે ઉદિત પવારને ફરિયાદ મળ્યા બાદ તરત જ હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ નવા SDMને તૈનાત કરવામાં આવ્યા છે. SDM ઉદિત પવારે પોતાના બચાવમાં કહ્યુ હતું કે, ફરિયાદી જાતે જ મરઘો બન્યો હતો.

