- National
- કોર્પોરેટ કલ્ચર પર ફરી સવાલ... મહિલાની 1 દિવસ પહેલા સર્જરી, હાથમાં ડ્રિપ સાથે હોસ્પિટલમાંથી સીધી ઓફિ...
કોર્પોરેટ કલ્ચર પર ફરી સવાલ... મહિલાની 1 દિવસ પહેલા સર્જરી, હાથમાં ડ્રિપ સાથે હોસ્પિટલમાંથી સીધી ઓફિસ મીટિંગમાં હાજરી આપી
હાલમાં સોશિયલ મીડિયા પર એક મહિલાનો વીડિયો ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે હોસ્પિટલના પલંગ પર આડી પડેલી ઓફિસ મીટિંગમાં હાજરી આપતી જોવા મળી રહી છે. તેના હાથમાં હોસ્પિટલના બાટલા ચડાવવાનું ડ્રિપ લગાવેલું છે અને સામે લેપટોપ ખુલ્લું છે, જેમાં તે ઓનલાઈન મીટિંગમાં હાજરી આપી રહી છે. આ વીડિયોએ કોર્પોરેટ વર્ક કલ્ચર પર નવી ચર્ચા જગાવી છે. દીપિકા મંત્રી નામની એક મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, તે સારવાર દરમિયાન પણ ઓફિસના કામ સાથે જોડાયેલી રહી છે. વીડિયો પર લખ્યું છે, 'કોઈને કહ્યા વિના સાબિત કરો કે તમે કોર્પોરેટ કર્મચારી છો.' અને તેનું કેપ્શન આપેલું છે, 'કોર્પોરેટ કર્મચારી ft.'
આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર ઘણી બધી પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે, આ એવું બતાવે છે કે, બીમારી દરમિયાન પણ કોર્પોરેટ જગતમાં કામ કરવાનું દબાણ રહેલું હોય છે. કેટલાકે મહિલાની મહેનત અને સમર્પણની પ્રશંસા કરી, પરંતુ અમુક લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે, હોસ્પિટલમાં દાખલ હોય ત્યારે કોઈની પાસેથી કામ કરવાની અપેક્ષા કેમ રાખવામાં આવે છે. એક યુઝરે લખ્યું, 'કૃપા કરીને આને સામાન્ય મામલો ન બનાવો.' બીજાએ કહ્યું, 'મીટિંગ પાછળથી પણ રાખી શકાય હોત.' બીજા યુઝરે લખ્યું, 'કોર્પોરેટ જીવન તમને શીખવે છે કે, જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી તમારા સ્વાસ્થ્યને પણ નજરઅંદાજ કરતા રહો.'
ઘણા લોકોએ પોતાના અનુભવો શેર કર્યા. એકે કહ્યું કે, તેમણે સર્જરી પછી તરત જ ઓફિસ કોલને એટેન્ડ કર્યો હતો, જ્યારે બીજાએ લખ્યું, 'હોસ્પિટલથી કામ કરવું એ હવે ઘરેથી કામ કરવાનો એક નવો પ્રકાર બનતો જઈ રહ્યો છે.' એકંદરે, આ વિડિઓ કામ અને સ્વાસ્થ્ય વચ્ચેના સંતુલન વિશે ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યો છે.
એક યુઝરે લખ્યું, 'તમારા સમર્પણને જોઈને આનંદ થયો. પરંતુ તમારું આ કામ બીજાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે તમારા મેનેજર તમારી તુલના અન્ય લોકો સાથે કરી શકે છે... તમારા માટે સારું એ જ રહેશે કે હંમેશા E-mail મોકલો અને તરત જ રજા પર ઉતરી જાઓ.' જેની નામના યુઝરે લખ્યું, 'તમારી તબિયત હવે કેમ છે... ઠીક છે, તો આના પર કામ શરૂ કરો... દિવસ પૂરો થાય તે પહેલાં આપણે આ કામ પૂરું કરવાની જરૂર છે.' નિશા નામની યુઝરે લખ્યું, હકીકતમાં, જ્યારે તમે બીમાર હોવ ત્યારે પણ જવાબ આપવાનું શરૂ કરવું એ એક ભયાનક બાબત છે... તમે તમારા સંભવિત ગ્રાહકોને જ્યારે તમે બીમાર હોવ ત્યારે પણ તમને ફોન કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છો અને એવી આશા બનાવી રહ્યા છો કે તમે બીમાર હોવ ત્યારે પણ જવાબ આપશો... તમારે આ બંધ કરી દેવું જોઈતું હતું.

