- National
- 5 વર્ષ સુધી પિતા-પુત્રી કેદ રહ્યા, પિતાએ ગુમાવ્યો જીવ; પુત્રી તો...
5 વર્ષ સુધી પિતા-પુત્રી કેદ રહ્યા, પિતાએ ગુમાવ્યો જીવ; પુત્રી તો...
ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાં એક નિવૃત્ત રેલવે કર્મચારી અને તેની માનસિક રીતે વિકલાંગ પુત્રીને 5 વર્ષ સુધી તેમના ઘરમાં કેદ રાખવામાં આવ્યા. આ અમાનવીય વર્તનના પરિણામે શખ્સે જીવ ગુમાવવો પડ્યો, જ્યારે તેની પુત્રીની સ્થિતિ એટલી બગડી ગઈ કે તે માત્ર હાડપિંજર બનીને રહી ગઈ છે.
પીડિત ઓમ પ્રકાશ સિંહ રાઠોડ (70 વર્ષ) ભારતીય રેલવેમાં સીનિયર ક્લાર્ક પદ પરથી નિવૃત્ત થયો હતો. વર્ષ 2016માં તેની પત્નીના અવસાન બાદ ઓમ પ્રકાશ તેની 27 વર્ષીય માનસિક રીતે વિકલાંગ પુત્રી, રશ્મિ સાથે એક અલગ ઘરમાં રહેવા લાગ્યો. ઘરકામમાં મદદ કરવા માટે, પરિવારે રામ પ્રકાશ કુશવાહ અને તેની પત્ની રામ દેવીને રાખી લીધા. NDTVના અહેવાલ મુજબ, ઓમ પ્રકાશના ભાઈ, અમર સિંહે જણાવ્યું કે રામ પ્રકાશ અને રામ દેવીએ ધીમે-ધીમે તેમના ઘર પર પૂરી રીતે નિયંત્રણ મેળવી લીધો.
અમર સિંહે આરોપ લગાવ્યો કે સંભાળ રાખનારાઓએ ઓમ પ્રકાશ અને રશ્મિને ગ્રાઉન્ડ ફ્લોર પરના રૂમમાં બંધ કરી દીધા. જ્યારે તેઓ પોતે ઉપરના માળે રહેતા હતા, સમય સાથે પિતા અને પુત્રીને ખોરાક, દવા અને મૂળભૂત માનવીય સન્માનથી પણ વંચિત રાખવામાં આવ્યા હતા. તેણે કહ્યું કે, ‘જ્યારે પણ કોઈ સંબંધી મળવા આવતા, ત્યારે નોકર તેમને બહાના બતાવીને પાછા મોકલી દેતો હતો અને કહેતો હતો કે, ઓમ પ્રકાશ કોઈને મળવા માંગતો નથી.’
સોમવાર, 29 ડિસેમ્બરના રોજ આ મામલો એ સમયે સામે આવ્યો, જ્યારે પરિવારને ઓમ પ્રકાશના અવસાનની જાણ કરવામાં આવી. જ્યારે સંબંધીઓ ઘરે પહોંચ્યા ત્યારે ત્યાંનો નજારો જોઈને સ્તબ્ધ થઈ ગયા. ઓમ પ્રકાશનું શરીર અત્યંત નબળું દેખાઇ રહ્યું હતું. રશ્મિ એક અંધારાવાળા ઓરડામાં નગ્ન અવસ્થામાં અને બેભાન હાલતમાં મળી આવી હતી.
ઓમ પ્રકાશના સંબંધી પુષ્પા સિંહ રાઠોડે કહ્યું કે, ‘તેના શરીર પર કોઈ માંસ બચ્યું નહતું; ફક્ત એક હાડપિંજર રહી ગયું હતું.’ પરિવારજનો ઓમ પ્રકાશને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પોલીસે મૃતદેહનો કબજો લીધો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. પરિવાર હાલમાં રશ્મિની સંભાળ રાખી રહ્યો છે. સંબંધીઓએ દોષિત નોકર દંપતી સામે શક્ય તેટલી કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.

