- National
- ‘ઊંચી દીવાલ, કાંટાવાળી તારમાં કરંટ અને..’, 100 કરોડનો માલિક છાંગુર બાબાના ઘરમાં શું-શું મળ્યું?
‘ઊંચી દીવાલ, કાંટાવાળી તારમાં કરંટ અને..’, 100 કરોડનો માલિક છાંગુર બાબાના ઘરમાં શું-શું મળ્યું?
ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લામાં ધર્માંતરણના ગંભીર આરોપોનો સામનો કરી રહેલા છાંગુર બાબા ઉર્ફે જમાલુદ્દીનની આલીશાન કોઠીની અંદરનો નજારો હેરાન કરી દેનારો હતો. તપાસ દરમિયાન ખુલાસો થયો કે, બાબાની કોઠીમાં 2 BHK ફ્લેટ જેવા લક્ઝરી રૂમ બનાવવામાં આવ્યા હતા, જેમાં આલીશાન બેડ, મોટા હૉલ અને તમામ ઘરેલુ સુવિધાઓ હતી. દરેક રૂમમાં રસોડાની પણ સુવિધા હતી, જેનાથી એ સ્પષ્ટ છે કે ત્યાં લાંબો સમય વિતાવવાની તૈયારી હતી.
છાંગુરની કોઠીના એક રૂમમાંથી હાથ પર બાંધવામાં આવતો 'કલાવા' અને ઉર્દૂમાં લખેલા ધાર્મિક પુસ્તકો પણ મળ્યા. તેનાથી એ આશંકા વધુ પ્રબળ થઈ ગઈ છે કે છાંગુર બાબા ધર્માંતરણ કરાવવા દરમિયાન પીડિતોને કલાવાનો ઉપયોગ કરીને ભ્રમિત કરતો હતો, જેથી છોકરીઓ અને તેમના પરિવારોને ગેરમાર્ગે દોરી શકાય. હાલમાં ધર્માંતરણ કેસની તપાસ ED કરશે. EDએ UP પોલીસ પાસેથી FIRની નકલ લઈ લીધી છે. સુરક્ષાના નામ પર બાબાએ કોઠીની ચારેય તરફ 15-20 ફૂટ ઊંચી દીવાલો બનાવી હતી, જેના પર કાંટાવાળી તાર લગાવવામાં આવી હતી. એટલું જ નહીં આ તારોમાંથી વીજકરંટ પણ પસાર થતો હતો, જેથી કોઈ પણ વ્યક્તિ આ દીવાલો પાર ન કરી શકે. આસપાસ રહેતા લોકો કહે છે કે લોકો તે કોઠીની નજીક જતા પણ ખચકાતા હતા, કારણ કે આ સુરક્ષા વ્યવસ્થા કિલ્લા જેવી હતી.
જમાલુદ્દીનની આ કોઠી હવે પ્રશાસનની દેખરેખ હેઠળ છે અને આખા પરિસરની સૂક્ષ્મતાથી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને શંકા છે કે આ આલીશાન કોઠીનો ઉપયોગ એક મોટા ધર્માંતરણ રેકેટને ચલાવવા માટે કરવામાં આવતો હતો, જેમાં છોકરીઓને બહેલાવી-ફોસલાવીને લાંબા સમય સુધી ત્યાં રાખવામાં આવતી હતી.
નોંધનીય છે કે, છાંગુર બાબાની આલીશાન કોઠી પર પ્રશાસને બુલડોઝરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કોઠી કોઈ પણ યોગ્ય મંજૂરી વિના ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી હતી. આ એ જ કોઠી હતી જ્યાં છાંગુર બાબા પોતાના સહયોગીઓ સાથે રહેતો હતો અને અહીંથી આખું ધર્માંતરણનું રેકેટ ચલાવતો હતો. આ ઘર તેના કાળા ધંધાનો મુખ્ય અડ્ડો માનવામાં આવે છે, જ્યાંથી ઘણી શંકાસ્પદ ગતિવિધિઓને અંજામ આપવામાં આવતી હતી. પ્રશાસનની ટીમ ભારે પોલીસ બળ સાથે ઘટનાસ્થળે પહોંચી અને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરી. છાંગુર બાબા પોતાના સહયોગી નવીન રોહરા અને નીતુ રોહરા સાથે રહેતો હતો.
40 રૂમવાળી આ આલીશાન કોઠી પર છાંગુર બાબાએ 3 કરોડ રૂપિયા પાણીની જેમ વહાવ્યા હતા. એટલું જ નહીં, છાંગુર બાબા માત્ર વિદેશી વસ્તુઓનો ઉપયોગ કરતો હતો, જે ખાસ દુબઈથી મગાવવામાં આવતી હતી. સ્થાનિક લોકો બતાવે છે કે છાંગુર બાબાનો એક પગ આ કોઠીમાં હતો અને બીજો પગ વિદેશમાં. મતલબ કે જમાલુદ્દીન થોડા દિવસો માટે આ કોઠીમાં રહેતો હતો અને પછી વિદેશ જતો રહેતો હતો. બુલડોઝર કાર્યવાહી દરમિયાન, જાણવા મળ્યું કે છાંગુર બાબાએ કોઠીની અંદર એક સિક્રેટ રૂમ બનાવી રાખ્યો હતો. એજ સિક્રેટ રુમ જ્યાં ધર્માંતરણની શિકાર બનેલી છોકરીઓને રાખવામાં આવતી હતી.

