- Politics
- ઇલેક્ટોરલ બોન્ડ રદ થયા થવાની કોઈ અસર નહીં, ભાજપને 3112 કરોડ મળ્યા અને કોંગ્રેસને...
ઇલેક્ટોરલ બોન્ડ રદ થયા થવાની કોઈ અસર નહીં, ભાજપને 3112 કરોડ મળ્યા અને કોંગ્રેસને...
સુપ્રીમ કોર્ટ દ્વારા ઇલેક્ટોરલ બોન્ડ રદ કર્યાના એક વર્ષ બાદ રાજકીય પાર્ટીઓએ દાન મેળવવાની નવી રીત અપનાવી છે. દાન હવે બોન્ડને બદલે ચૂંટણી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. નાણાકીય વર્ષ 2024-25માં, ઇલેક્ટોરલ ટ્રસ્ટોએ રાજકીય પાર્ટીઓને 3,811 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું, જે પાછલા નાણાકીય વર્ષ કરતા ત્રણ ગણું વધારે છે. આ દાનમાં સૌથી વધુ 82 ટકા દાન કેન્દ્ર સરકારનું નેતૃત્વ કરનારી ભારતીય જનતા પાર્ટી (BJP)ને મળ્યું છે.
વિવિધ ટ્રસ્ટો દ્વારા ભારતના ચૂંટણી પંચને સુપરત કરાયેલા યોગદાન અહેવાલો અનુસાર, કોંગ્રેસને તેમના દાનના આશરે 8 ટકા (299 કરોડ રૂપિયા) મળ્યા છે. બાકી અન્ય તમામ પાર્ટીઓને સંયુક્ત રીતે બાકીના 10 ટકા (400 કરોડ) મળ્યા. પરંતુ, રાજકીય પાર્ટીઓને મળનારું કુલ દાન આના કરતા ખૂબ વધારે છે, કારણ કે ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા દાન માત્ર એક માધ્યમ છે. આ ઉપરાંત રાજકીય દાન આપવાના અન્ય ઘણા માધ્યમો છે.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, 20 ડિસેમ્બર, 2025 સુધીમાં 19 રજિસ્ટર્ડ ઇલેક્ટોરલ ટ્રસ્ટોમાંથી 13ના દાનના અહેવાલો ચૂંટણી પંચ પાસે ઉપલબ્ધ હતા. 9 ટ્રસ્ટોએ રાજકીય પાર્ટીઓને કુલ 3,811 કરોડ રૂપિયાનું દાન આપ્યું હોવાની જાણકારી આપી છે. ગયા વર્ષની સરખામણીમાં એટલે કે, 2023-2024માં ટ્રસ્ટો દ્વારા આપવામાં આવેલું કુલ દાન 1,218 કરોડ રૂપિયા થયું છે, જે 200%થી વધુનો વધારો દર્શાવે છે. એટલે કે આ વર્ષે દાન ત્રણ ગણું વધારે મળ્યું છે. આમાંથી 4 ટ્રસ્ટો: જનહિત, પરિવર્તન, જય હિંદ અને જય ભારતે 2024-2025માં કોઈ દાન આપવાની જાણકારી આપી નથી.
ઇલેક્ટોરલ બોન્ડને બદલે ઇલેક્ટોરલ ટ્રસ્ટોમાંથી દાન મેળવવામાં પણ ભાજપ નંબર-1 છે. પ્રૂડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ ભાજપને દાન આપનાર મુખ્ય દાતા તરીકે ઉભરી આવ્યું છે, જેણે કુલ 2,180.07 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ટ્રસ્ટને જિંદલ સ્ટીલ એન્ડ પાવર, મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, ભારતી એરટેલ, અરબિંદો ફાર્મા અને ટોરેન્ટ ફાર્માસ્યૂટિકલ્સ જેવા કેટલાક નામો તરફથી ભંડોળ મળ્યું.
છેલ્લા નાણાકીય વર્ષ એટલે કે 2023-24માં ભાજપને સ્વૈચ્છિક દાનમાં 3,967.14 કરોડ રૂપિયા મળ્યા હતા. તેમાંથી 43% અથવા 1,685.62 કરોડ રૂપિયા, માત્ર ઇલેક્ટોરલ બોન્ડમાંથી આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે 2024માં ઇલેક્ટોરલ બોન્ડ યોજનાને રદ કરી, તેને ગેરબંધારણીય જાહેર કરી હતી.
ઇલેક્ટોરલ બોન્ડ બાદ કેવી રીતે આપવામાં આવી રહ્યું છે દાન?
હાલમાં એવી વ્યવસ્થા છે કે કોર્પોરેટ કંપનીઓ ચેક, DD, UPI અને બેન્ક ટ્રાન્સફર દ્વારા પાર્ટીઓને દાન આપી શકે છે. સાથે જ પાર્ટીઓએ તેમને મળેલા દાનની જાણકારી ચૂંટણી પંચને પોતાનો કન્ટ્રિબ્યૂશન અહેવાલ અને વર્ષીય ઓડિટ રિપોર્ટમાં આપવાની હોય છે. ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા કંપનીઓ અને વ્યક્તિઓ ટ્રસ્ટને દાન આપી શકે છે, જે પછી રાજકીય પાર્ટીઓને દાન આપે છે. પ્રૂડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટે કોંગ્રેસ, TMC, AAP, TDP અને અન્ય પાર્ટીઓને દાન આપ્યું છે. જોકે, 2024-25માં તેના કુલ 2668 કરોડ રૂપિયાના દાનમાં મોટાભાગનું, અથવા લગભગ 82 ટકા ભાજપને ગયું છે.
તો વધુ એક ટ્રસ્ટ પ્રોગ્રેસિવ ઇલેક્ટોરલ ટ્રસ્ટ નામના અન્ય ટ્રસ્ટે 2024-25 નાણાકીય વર્ષ દરમિયાન ઘણી કંપનીઓ પાસેથી મળેલા કન્ટ્રિબ્યૂશનમાંથી 917 કરોડ રૂપિયા એકત્ર કર્યા. આમાંથી તેણે 914.97 કરોડ રૂપિયાનું દાન આપ્યું. કુલ દાનના 80.82 ટકા ભાજપને ગયા. પ્રોગ્રેસિવ ઇલેક્ટોરલ ટ્રસ્ટમાં મુખ્ય ફાળો આપનારાઓમાં ટાટા ગ્રુપની કંપનીઓનો સમાવેશ થાય છે, જેમાં ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), ટાટા સ્ટીલ્સ લિમિટેડ, ટાટા મોટર્સ લિમિટેડ અને ટાટા પાવર કંપની લિમિટેડનો સમાવેશ થાય છે.

