- Politics
- ‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી
‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી
શનિવારે, લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત થયા બાદ, તિરુવનંતપુરમના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂ સાથેની તેમની વાતચીતનો ઉલ્લેખ કર્યો. થરૂરે કહ્યું કે રિજિજૂએ પણ સ્વીકાર્યું કે કોઈ તેમને મહિલા વિરોધી નહીં કહી શકે. થરૂરે X પર એક તસવીર શેર કરી, જેમાં વિપક્ષી સાંસદોને લોકસભાની અંદર રિજિજૂ સાથે જોવા મળે છે. તેમણે કહ્યું કે, ‘જ્યારે રિજિજૂએ વિપક્ષને ‘મહિલા વિરોધી’ કહેવાનું કારણ સમજાવ્યું, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે આ આરોપ તેમના પર લાગૂ પડતો નથી, જેનો મંત્રીએ સ્વીકાર કર્યો.’
આ પ્રસંગે થરૂરે મહિલાઓની ભાગીદારી અંગેના તેમના વલણનો પણ પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું કે મહિલાઓ સમાજનો અડધો ભાગ છે અને સંસદ સહિત દરેક સંસ્થામાં તેમનું પૂરતું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. જો કે, તેમણે એમ પણ કહ્યું કે મહિલા અનામતને સીમાંકન સાથે જોડવું ખતરનાક અને લોકશાહીને નુકસાન પહોંચાડી શકે છે.
https://twitter.com/ShashiTharoor/status/2045404931591696757?s=20
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બંધારણ (131મો સુધારો) બિલ લોકસભામાં પસાર ન થઈ શક્યું. આ બિલમાં 2029થી સંસદ અને વિધાનસભાઓમાં 33 ટકા મહિલા અનામત લાગૂ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. સાથે જ 2011 ની વસ્તી ગણતરીના આધારે બેઠકોનું સીમાંકન કરીને લોકસભા બેઠકો 543 થી વધારીને 816 કરવાની જોગવાઈ પણ શામેલ હતી. શુક્રવારે થયેલા મતદાનમાં, 298 સાંસદોએ બિલના પક્ષમાં અને 230 સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું, પરંતુ બિલ બે તૃતીયાંશ બહુમતી માટે જરૂરી 352 મતો ન મળી શકવાને કારણે આ પ્રસ્તાવ પડી ગયો.
બિલ ન પસાર થયા બાદ, કોંગ્રેસે તેને મહિલા અનામતને સીમાંકન સાથે જોડવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના પ્રયાસોની હાર ગણાવી હતી. કોંગ્રેસે તેને બંધારણ અને લોકશાહી મૂલ્યોની જીત ગણાવી હતી. ત્યારે, ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેને ‘કાળો દિવસ’ ગણાવ્યો હતો. કિરેન રિજિજૂએ કહ્યું હતું કે, જે પક્ષોએ આ બિલને રોક્યું છે તેમને દેશની મહિલાઓના રોષનો સામનો કરવો પડશે. આ કોંગ્રેસ અને તેના સાથી પક્ષો પર એક એવો ડાઘ છે જેને તેઓ ક્યારેય ભૂંસી નહીં શકે.’

