- Politics
- પટના એરપોર્ટ પર કોંગ્રેસના સીનિયર નેતાઓ સામે કાર્યકરો બાખડ્યા, સામે આવ્યું કારણ
પટના એરપોર્ટ પર કોંગ્રેસના સીનિયર નેતાઓ સામે કાર્યકરો બાખડ્યા, સામે આવ્યું કારણ
બિહારના પટના એરપોર્ટ પર કોંગ્રેસનો આંતરિક ઝઘડો સામે આવ્યો છે. પટના એરપોર્ટ પર કાર્યકરો વચ્ચે જોરદાર મારામારી અને હોબાળો થયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ, બિહાર કોંગ્રેસના પ્રભારી અને કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા હાજર હતા. તેમની સામે જ કાર્યકરો વચ્ચે મારામારી થઈ ગઈ.
શું છે આખો મામલો?
અહેવાલો અનુસાર, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રાજેશ રામ, બિહાર કોંગ્રેસના પ્રભારી કૃષ્ણા અલ્લાવારુ અને કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા શકીલ અહમદ ખાન જેવા જ પટના એરપોર્ટ પહોંચ્યા તો એરપોર્ટ પર હાજર કેટલાક લોકોએ ‘મુર્દાબાદ’ના નારા લગાવવાનું ચાલુ કરી દીધું. આ દરમિયાન કાર્યકરો વચ્ચે ઝપાઝપી પણ થવા લાગી અને મુક્કાબાજી પણ થવા લાગી.
વિક્રમ બેઠક પરથી અશોક ગગન નામના ઉમેદવારના સમર્થકોએ એરપોર્ટ પર આ વિરોધ પ્રદર્શન કર્યું. દિલ્હીથી આવી રહેલા કોંગ્રેસ નેતાઓને સમર્થન આપતા પાર્ટીના કાર્યકરો સાથે તેમની અથડામણ થઈ. વિક્રમ બેઠકના કાર્યકરોએ કોંગ્રેસના નેતાઓના સમર્થકો અને પાર્ટીના સભ્યોને માર માર્યો.
કોંગ્રેસે વિક્રમ બેઠક માટે પૂર્વ ધારાસભ્ય અનિલ શર્માને ટિકિટ આપી છે. તેનાથી ગુસ્સે થઈને બીજા ઉમેદવારના સમર્થકોએ હોબાળો કર્યો. તો ભાજપે વિક્રમથી સિદ્ધાર્થ સૌરવને ટિકિટ આપી છે, જે 2020માં કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા, પરંતુ નીતિશ કુમારના ફ્લોર ટેસ્ટ દરમિયાન NDAમાં સામેલ થઈ ગયા હતા.
આ લડાઈ સામે આવ્યા બાદ ટિકિટ વિતરણને લઈને કોંગ્રેસમાં આંતરિક કલેશની ચર્ચા વધી રહી છે. કાર્યકરોએ એરપોર્ટ પર બિહાર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની હાજરીને અવગણી હતી અને તેમની સામે જ ઝપાઝપી અને હોબાળો થતો રહ્યો. હવે, આ મામલે રાજકારણ થઈ શકે છે. જ્યારે પહેલા એવું કહેવામાં આવતું હતું કે મહાગઠબંધનમાં સીટ ફાળવણીને લઈને પેંચ ફસાયો છે, હવે ટિકિટ વિતરણને લઈને કોંગ્રેસમાં જ ધમાસાણ ચાલી રહ્યું છે.

