- Politics
- સવારે કૂચ, સાંજે ધરણા અને રાત્રે અટકાયત અને FIR... રાહુલના મેગા વિરોધ પ્રદર્શનમાં શું-શું થયું?
સવારે કૂચ, સાંજે ધરણા અને રાત્રે અટકાયત અને FIR... રાહુલના મેગા વિરોધ પ્રદર્શનમાં શું-શું થયું?
દિલ્હી પોલીસે રાત્રે લગભગ 8 વાગ્યે નવી દિલ્હીના આકાશવાણી ભવન ખાતેથી વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત કરી હતી. રાહુલ ગાંધી, INDIA ગઠબંધનના અન્ય નેતાઓ સાથે મળીને મંગળવારે સવારથી જ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાતની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. INDIA ગઠબંધન ચૂંટણી પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યું છે.
મંગળવારે રાત્રે લગભગ 8 વાગ્યે, દિલ્હી પોલીસે આકાશવાણી ભવન ખાતે કોંગ્રેસના નેતાઓની અટકાયત કરવાનું શરૂ કર્યું. દિલ્હી પોલીસે સૌપ્રથમ દીપેન્દ્ર હુડ્ડા, પવન ખેડા અને ચરણજીત સિંહ ચન્નીની અટકાયત કરવામાં આવી અને તેમને બસમાં બેસાડવામાં આવ્યા. પોલીસે કોંગ્રેસના કાર્યકરોને પણ બળપૂર્વક ઉઠાવીને બસમાં બેસાડવાનું શરૂ કર્યું. ત્યારબાદ, પોલીસે TMCના સાંસદ મહુઆ મોઇત્રા અને ડેરેક ઓ'બ્રાયનની પણ અટકાયત કરીને બસમાં બેસાડ્યા હતા.
ત્યારબાદ, દિલ્હી પોલીસની ટીમે પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધીની અટકાયત કરી હતી. તસવીરોમાં પોલીસ વિપક્ષના નેતા રાહુલ ગાંધીને બસ તરફ લઈ જતી જોવા મળે છે. બાદમાં, ગાંધી બસની બારીમાંથી બહાર જોતા જોવા મળ્યા હતા, જ્યારે મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ વાહનને ઘેરી રાખ્યું હતું. નવીનતમ માહિતી અનુસાર, દિલ્હી પોલીસ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને કિંગ્સવે કેમ્પ લઈ ગઈ હતી. થોડા સમય બાદ પોલીસે તેમને મુક્ત કરી દીધા હતા, ત્યારબાદ રાહુલ અને પ્રિયંકા તેમની કારમાં બેસીને રવાના થઇ ગયા હતા.
મંગળવારે રાહુલ ગાંધી વિપક્ષના રસ્તા પરના વિરોધ પ્રદર્શનના કેન્દ્રમાં રહ્યા હતા. તેમણે સેંકડો સમર્થકો અને વિપક્ષી સાંસદો સાથે નજીકની ચૂંટણી પંચની કચેરી તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન અખિલેશ યાદવ, અભિષેક બેનર્જી, જયા બચ્ચન અને મહુઆ મોઇત્રા જેવા દિગ્ગજ નેતાઓ રાહુલની સાથે હતા. સંસદ માર્ગ પર ટ્રાફિક સંપૂર્ણપણે થંભી ગયો હતો. રાહુલના હાથમાં એક પ્લેકાર્ડ હતું જેના પર લખ્યું હતું, ‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો.’
ત્યારે જ પોલીસ સક્રિય થઇ. વિપક્ષી નેતાઓને બસોમાં બેસાડવામાં આવી રહ્યા હતા; કોંગ્રેસના કેટલાક નેતાઓ ત્યાંથી નીકળી ગયા હતા અને ચૂંટણી પંચ તરફ INDIA ગઠબંધનની વિરોધ માર્ચ લગભગ સમાપ્ત થવાના આરે હતી. બધું વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું હતું, ત્યાં જ કંઈક અણધાર્યું બન્યું.
બપોરના સમયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી નીતિ આયોગની ઓફિસ પાસેના બેરિકેડ પર ચઢ્યા અને ત્રિરંગો લહેરાવ્યો; કેમેરામાં તસવીર લઇ રહ્યા હતા. ત્યારબાદ તેઓ નીચે ઉતર્યા. અને, પોલીસે એ સાંસદોને અટકાયતમાં લેવાનું શરૂ કરી દીધું, જે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કાઢવામાં આવેલી રેલી અટકાવ્યા બાદ રસ્તા પર બેસી ગયા હતા. પરંતુ, રાહુલ ગાંધી, જેમને હજુ સુધી બસમાં બેસાડવામાં જ આવ્યા હતા, તેમણે જલ્દી જ પરિસ્થિતિનો માહોલ બદલી નાખ્યો.
રાહુલે બસની અંદર બેઠા તેમના બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે વાત કરી. થોડીવાર પછી, લગભગ બપોરે 12:20 વાગ્યે, તેઓ ઝડપથી આકાશવાણી ભવનના રિસેપ્શન ગેટ તરફ આગળ વધ્યા, જેનાથી વિપક્ષના ઘણા સાંસદો, જેમાં તેમની પોતાની પાર્ટીના કેટલાક સાંસદોનો પણ સમાવેશ થતો હતો, તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.
ત્યાં સુધી, તમામ ગતિવિધિ સંસદ માર્ગ પર થઇ રહી હતી, જ્યાં સુરક્ષાકર્મીઓએ સંસદ ભવન સંકુલથી ચૂંટણી પંચના મુખ્યાલય તરફ આગળ વધી રહેલા મોરચાને અટકાવ્યો હતો. પ્રિયંકા ગાંધી, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ અભિષેક બેનર્જી, ડેરેક ઓ'બ્રાયન અને મહુઆ મોઇત્રા તેમજ CPI(M)ના સાંસદ જ્હોન બ્રિટાસ તે લોકોમાં સામેલ હતા જેમની બસોમાં અટકાયત કરવામાં આવી હતી.
ઘણા નેતાઓની અટકાયત થઈ ચૂકી હતી અને અન્ય લોકો ત્યાંથી જતા રહેવાને કારે, એવા કોઈ સંકેત નહોતા કે વિરોધ પ્રદર્શન આકાશવાણી પરિસર તરફ આગળ વધશે. આકાશવાણી ભવનના ગેટ નંબર-3 પાસેના રિસેપ્શન ગેટ પર, કર્મચારીઓએ રાહુલ ગાંધીને પ્રવેશતા અટકાવવાનો પ્રયાસ કર્યો, જેનાથી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ. આખરે, તેઓ તેમના સુરક્ષાકર્મીઓ સાથે અંદર જતા રહ્યા.
બપોરે લગભગ 12:30 વાગ્યે, પ્રિયંકા ગાંધી બસમાંથી નીચે ઉતર્યા, ગેટ તરફ ચાલ્યા અને તેમના ભાઈ સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા. બંને ગેટ નંબર-4 પાસે આવેલા વડના ઝાડ નીચે બેસી ગયા. આ દરમિયાન, બ્રોડકાસ્ટિંગ હાઉસના કર્મચારીઓ ત્યાં બની રહેલી ઘટનાઓ જોવા માટે બહાર દોડી આવ્યા.
સુરક્ષાકર્મીઓ વચ્ચે આવે તે પહેલાં ઘણા લોકોએ ગાંધી સાથે સેલ્ફી લીધી. કેટલાક લોકોએ વધુ સારી રીતે જોવા માટે ઈમારતની છત પર ચઢવાનો પ્રયાસ કર્યો, જેના પગલે પોલીસે તેમને નીચે ઉતરી આવવા કહ્યું. બહારની તરફ, કોંગ્રેસના નેતાઓ રિસેપ્શન ગેટ પાસે એકઠા થવા લાગ્યા અને અંદર જઈને ગાંધીને મળવાનો પ્રયાસ કર્યો. પરંતુ, આકાશવાણી ભવનના ગેટ પર પોલીસનો સખત બંદોબસ્ત ગોઠવાયેલો હતો.
બપોરે લગભગ 12:45 વાગ્યે, પાર્ટીના મહાસચિવ કે.સી. વેણુગોપાલ અને રાજ્યસભાના સાંસદ પવન ખેડા ગેટ પર પહોંચ્યા અને અંદર પ્રવેશવાની મંજૂરી માંગી. નવી દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) સચિન શર્મા ઘટનાસ્થળે પહોંચ્યા અને નેતાઓ સાથે વાતચીત કરી, ત્યારબાદ તેમને અંદર જવાની મંજૂરી આપવામાં આવી.
કોંગ્રેસના સાંસદ પ્રણીતિ શિંદે, દીપેન્દ્ર હુડ્ડા અને ચરણજીત સિંહ ચન્ની તેમજ સેવા દળના વડા શ્રીનિવાસ બી.વી. પણ ત્યાં હાજર હતા. ગાંધીના સ્ટાફ સભ્યો અલંકાર સવાઈ અને શ્રીવત્સા પણ અંદર હતા.
બીજી તરફ, જ્હોન બ્રિટાસ સહિતના કેટલાક સાંસદો અટકાયતમાંથી મુક્ત થયા બાદ વિરોધ સ્થળ પર પાછા ફર્યા. જે નેતાઓને બસોમાં લઈ જવામાં આવ્યા હતા, તેઓ પણ પાછા ફર્યા. આકાશવાણી ભવન ખાતે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓનું ટોળું એકત્રિત થયેલું રહ્યું. ત્યાં સુધીમાં, રાહુલ ગાંધીએ વડના ઝાડ નીચે વિરોધ પ્રદર્શન કરવાની યોજના બનાવી લીધી હતી. બપોર સુધીમાં ઝાડ નીચે જમીન પર મેટ અને ત્યારબાદ ગાદલાં મંગાવવામાં આવ્યા અને રાહુલનું જૂથ ત્યાં બેસી ગયું. રાહુલ ગાંધી મોટાભાગે બેસી રહ્યા, જ્યારે પ્રિયંકા ગાંધીએ પોલીસ સાથે ચર્ચા કરી.
અંદર રહેલા લોકો માટે નાસ્તો અને પીણાં આવવાનું શરૂ થયું. કોંગ્રેસના કાર્યકરો નીતિ આયોગની બહારની દુકાનમાંથી બટાકાની ચિપ્સ, ભુજિયા અને ચોકલેટના પેકેટ્સ તેમજ પાણીની બોટલો અને સોફ્ટ ડ્રિંક્સ લાવ્યા. પટેલ ચોકમાંથી 'ડાયેટ કોક' અને પ્રખ્યાત 'ખાન ચાચા ઇટરીમાંથી રોલ્સ મંગાવવામાં આવ્યા.
સૂર્યાસ્ત પછી પણ, તેઓ એક કલાકથી વધુ સમય સુધી આકાશવાણી સંકુલની અંદર રહ્યા અને પોલીસ સાથેનો તેમનો સંઘર્ષ ચાલુ રાખ્યો. પોલીસ પ્રદર્શન કરનારાઓને ચૂંટણી પંચની ઓફિસ સુધી પહોંચતા રોકવા માટે શાંતિપૂર્ણ રીતે મક્કમ રહી.
બાદમાં, કોંગ્રેસ નેતા શ્રીનિવાસને તે વિસ્તારમાંથી ઉપયોગ કરાયેલા પેકેટ્સ સાફ કરતા જોવા મળ્યા હતા જ્યાં નેતાઓ એકઠા થયા હતા. સાંજે મચ્છર ભગાડવાની ક્રીમ પણ અંદર લાવવામાં આવી હતી. એક સમયે, આકાશવાણી ભવનની બહાર ભીડ વધી ગઈ કારણ કે કોંગ્રેસના કાર્યકરો એકઠા થઇ ગયા અને રાહુલ ગાંધીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. બપોરે લગભગ 2:30 વાગ્યે ગાંધી અંદરથી પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે પત્રકારોએ જાળીમાંથી તેમના માઇક્રોફોન અંદર લંબાવ્યા. તેમણે કહ્યું કે, ભાજપ શું કહે છે તેની મને ચિંતા નથી. હું લોકશાહીના રક્ષણ માટે અહીં ઊભો છું. ગાંધીએ આક્ષેપ કર્યો કે, દેશ સાથે જે કરવામાં આવ્યું છે તે દેશદ્રોહ છે. પછી તે વડાપ્રધાન મોદી હોય, શાહ હોય, RSSના વડા હોય કે જ્ઞાનેશ કુમાર હોય, કોઈને પણ છોડવામાં નહીં આવે. બે કલાક બાદ, ગાંધીએ ફરીથી પત્રકારો સાથે વાત કરી અને સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી ચૂંટણી પંચ INDIA ગઠબંધનના તમામ સાંસદો સાથે બેઠક યોજવાનું વચન નહીં આપે ત્યાં સુધી તેઓ તે સ્થળ છોડશે નહીં.
બીજી તરફ, ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને કોઈ પણ રાજકીય પક્ષ તરફથી બેઠક માટેનો કોઈ અનુરોધ મળ્યો નથી. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે તેમને મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે કેટલાક સાંસદો પ્રતિનિધિમંડળ સાથે પંચને મળવા ઈચ્છે છે. મંગળવારની ઘટનાઓ અંગે પંચે સ્પષ્ટતા કરી હતી કે મંગળવારે સાંજે 4 વાગ્યા સુધી કોઈ પણ રાજકીય પક્ષે તેમના પ્રતિનિધિઓ દ્વારા ચૂંટણી પંચ સાથે બેઠક માટે સમય માંગ્યો નહોતો. ત્યારબાદ, સાંજે 4 વાગ્યાની આસપાસ દિલ્હી પોલીસ પાસેથી માહિતી મળી હતી કે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં સાંસદોનું એક પ્રતિનિધિમંડળ પંચને મળવા અને આવેદનપત્ર સોંપવા ઈચ્છે છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે બેઠક માત્ર ત્યારે જ યોજાશે જ્યારે બંને પક્ષો પરસ્પર સંમતિ સાધશે.
INDIA ગઠબંધન દ્વારા કાઢવામાં આવેલી આ કૂચ, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઇને નેતાઓ અને સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી. આ માંગ 25 સપ્ટેમ્બરે ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ બાદ ઉઠી હતી, જેમાં SIR પ્રક્રિયામાં અનિયમિતતાઓ અને ચૂંટણી કમિશનરો વચ્ચેના મતભેદોનો સંકેત આપવામાં આવ્યો હતો. વિરોધ પક્ષનો આરોપ છે કે CEC કુમાર સરકારના ઈશારે કામ કરી રહ્યા છે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે ચૂંટણી પ્રક્રિયા સત્તાધારી પક્ષની તરફેણમાં હોય.
આજે આકાશવાણીમાં ઘૂસવાના આરોપમાં પોલીસે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત વિપક્ષના સાંસદો વિરુદ્ધ FIR પણ દાખલ કરી દીધી છે.

