- Politics
- 3 વખત CM રહેલા હરીશ રાવત કોંગ્રેસ સામે બળવો કેમ કરી રહ્યા છે? 78 વર્ષની ઉંમરે કેમ એકલા ઉત્તરાખંડની ય...
3 વખત CM રહેલા હરીશ રાવત કોંગ્રેસ સામે બળવો કેમ કરી રહ્યા છે? 78 વર્ષની ઉંમરે કેમ એકલા ઉત્તરાખંડની યાત્રાએ નીકળ્યા?
ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી અગાઉં કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ વધી ગઈ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને 78 વર્ષીય વરિષ્ઠ કોંગ્રેસ નેતા હરીશ રાવત પોતાની જ પાર્ટી સાથે બે-બે હાથ કરી લેવાના મૂડમાં જણાય છે, જેના કારણે ઉત્તરાખંડથી લઈને દિલ્હી સુધી રાજકીય હિલચાલ જોવા મળી રહી છે. કોંગ્રેસના સત્તાવાર કાર્યક્રમો અને રાજ્ય સંગઠનને બાજુ પર રાખીને એકલા હાથે યાત્રા કરવાની તેમની રણનીતિને જોતા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું રાવત બળવાખોર બની રહ્યા છે?
હરીશ રાવત હાલમાં ઉત્તરાખંડમાં ધન્યવાદ અને જનસંવાદ યાત્રા' પર નિકળ્યા છે, જેના પર કોંગ્રેસ નેતૃત્વએ વાંધો ઉઠાવ્યો છે. ઉત્તરાખંડના કોંગ્રેસના પ્રભારી કુમારી શૈલજાએ રાવતને ઔપચારિક પત્ર લખીને આ યાત્રા કે આવા અન્ય કાર્યક્રમો ન કરવા જણાવ્યું હતું. આમ છતા રાવત તેમની યાત્રા ચાલુ રાખી રહ્યા છે.
કોંગ્રેસ નેતૃત્વ ઈચ્છે છે કે રાવત રાજ્યમાં પોતાના સ્તરે કાર્યક્રમો કરવાને બદલે સંગઠન સાથે મળીને કામ કરે. તેમને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તેઓ તેમની વ્યક્તિગત રાજકીય પ્રવૃત્તિઓ પર લગામ લગાવે અને પક્ષની નીતિ મુજબ ચાલે, પરંતુ રાવત પોતાની પ્રવૃત્તિઓ રોકવા તૈયાર હોય તેવું લાગતું નથી. આનાથી એ પ્રશ્ન ઊભો થાય છે કે, 78 વર્ષીય નેતા શા માટે આ માર્ગ અપનાવી રહ્યા છે અને આ યાત્રા દ્વારા તેઓ શું સંદેશ આપવા માંગે છે?
ઉત્તરાખંડમાં હરીશ રાવતનું રાજકીય કદ ખૂબ મોટું છે. તેઓ પાયાના સ્તરના નેતા છે અને પોતાના સંઘર્ષના દમ પર કોંગ્રેસને સરકાર બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. લગભગ બે મહિનાની તબીબી સારવાર અને સ્વસ્થ થયા બાદ દહેરાદૂન પરત ફરવા સાથે જ, તેઓ ફરી એકવાર રાજકારણમાં સંપૂર્ણ રીતે સક્રિય થયા છે.

આ દિવસોમાં, હરીશ રાવત ઉત્તરાખંડના વિવિધ ભાગોમાં ધન્યવાદ એવં જનસંવાદ યાત્રા' કરી રહ્યા છે. તેમણે હરિદ્વારથી આ યાત્રાની શરૂઆત કરી હતી. આ યાત્રા દ્વારા તેઓ જનતા સાથે સીધો સંવાદ કરી રહ્યા છે. રાવતની આ સક્રિયતાને કારણે સમર્થકો અને પક્ષના કાર્યકરોનો સારો પ્રતિસાદ મળ્યો છે, પરંતુ રાજ્ય સંગઠન સાથેના સંકલનના અભાવે પક્ષની અંદર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
કોંગ્રેસ હાઈકમાન્ડના સંદેશ છતા રાવત પીછેહઠ કરવા તૈયાર નથી. નારાજગી અને નોટિસ મળવાના અહેવાલો વચ્ચે, તેઓ કુમાઉં ક્ષેત્રના હલ્દ્વાની, રામનગર, જસપુર અને કાશીપુર જેવા વિસ્તારોમાં કાર્યક્રમો કરી રહ્યા છે, જેને તેમના આક્રમક વલણ તરીકે જોવામાં આવે છે.
હાઈકમાન્ડના નિર્દેશની કોઈ અસર કેમ થઈ નથી?
ઉત્તરાખંડ કોંગ્રેસના પ્રભારી કુમારી શૈલજાએ હરીશ રાવતને પત્ર લખીને પોતાનો વાંધો નોંધાવ્યો હતો અને આ જાણકારી સંગઠનના મહાસચિવ કે.સી. વેણુગોપાલને પણ આપવામાં આવી હતી. પત્રમાં લખવામાં આવ્યું કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે, એવામાં પક્ષે એકતા બતાવાની જરૂર છે. પ્રદેશ અધ્યક્ષ અને પ્રભારીની સલાહ લીધા વિના સમાનાંતર પ્રવાસનું આયોજન કરવું એ પક્ષના હિતમાં નથી.
આ અગાઉ, કે.સી. વેણુગોપાલે પણ રાવતને સંગઠન સાથે સંકલન સાધીને કામ કરવાની સલાહ આપી હતી. તો, હરીશ રાવતે સોશિયલ મીડિયા દ્વારા સ્પષ્ટતા આપતા લખ્યુ હતું કે તેમના પ્રવાસનો ઉદ્દેશ્ય જનતાનો આભાર માનવાનો છે. પડકાર મોટો છે, પરંતુ ઉત્તરાખંડના માન-સન્માનની રક્ષા કરવાનો સંકલ્પ પણ એટલો જ મજબૂત છે. આ યાત્રાના તબક્કે હવે અટકવાનો કોઈ પ્રશ્ન નથી. નેતૃત્વના નિર્દેશો છતા તેઓ તેમના અગાઉથી નિર્ધારિત કાર્યક્રમો ચાલુ રાખી રહ્યા છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે 78 વર્ષની ઉંમરે હરીશ રાવત માટે કોંગ્રેસ છોડીને અન્ય પક્ષમાં જોડાવું અથવા નવો પક્ષ રચવો વ્યવહારિક રીતે શક્ય નથી. તેઓ દાયકાઓથી ઉત્તરાખંડ કોંગ્રેસનો ચહેરો રહ્યા છે. તેમની આ સક્રિયતાને બળવા તરીકે નહીં, પરંતુ પક્ષની અંદર તેમનું મહત્ત્વ અને પ્રભાવ જાળવી રાખવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. પક્ષ છોડવાનો તેમનો કોઈ ઈરાદો નથી; પરંતુ, તેઓ પક્ષમાં રહીને જ પોતાની શરતો પર રાજકારણ કરવા માંગે છે.
ઉત્તરાખંડ કોંગ્રેસની આંતરિક બાબતોથી વાકેફ નિરીક્ષકો માને છે કે પક્ષ માટે રાવતને સંપૂર્ણપણે નજરઅંદાજ કરવા સરળ નહીં હોય. રાજ્યમાં એવા ઘણા નેતાઓ છે જેઓ તેમના જૂથ સાથે જોડાયેલા છે અથવા તેમના નેતૃત્વમાં આગળ આવ્યા છે. એવામાં, કોંગ્રેસના નેતૃત્વ સામે સંગઠનાત્મક શિસ્ત જાળવી રાખવાની સાથે સાથે રાવત જેવા દિગ્ગજ નેતાને સંપૂર્ણપણે નારાજ કરવાનું જોખમ ટાળવાનો પડકાર છે.
ઉત્તરાખંડ કોંગ્રેસ લાંબા સમયથી જૂથવાદથી ઝઝૂમી રહી છે. પક્ષની અંદર હરીશ રાવત જૂથ, પ્રીતમ સિંહ, યશપાલ આર્ય અને કરણ મહારા જેવા અલગ-અલગ જૂથો સક્રિય હોવાનું કહેવાય છે. જ્યારે રાવતને લાગ્યું કે, સંગઠનાત્મક સમીકરણોમાં તેમને બાજુ પર મૂકવાના પ્રયાસો થઇ રહ્યા છે, ત્યારે તેમણે જનતા સુધી પહોંચવાનું નક્કી કર્યું જેથી એ સાબિત કરી શકાય કે રાજ્યમાં જનસમર્થન મેળવવા માટે તેઓ હજુ પણ સૌથી પ્રભાવશાળી નેતા છે.
ચૂંટણીલક્ષી વ્યૂહરચનાઓ અને નિર્ણય લેવાની પ્રક્રિયાને ધ્યાનમાં રાખતા રાવત હાઈકમાન્ડ સમક્ષ પોતાનો બાર્ગેનિંગ પાવર મજબૂત રાખવા માંગે છે; તેઓ ઈચ્છે છે કે ચૂંટણી ટિકિટની ફાળવણી અને સંગઠનના મહત્ત્વપૂર્ણ નિર્ણયોમાં તેમના સમર્થકોને યોગ્ય મહત્ત્વ આપવામાં આવે.

હરીશ રાવતની 'એકલા હાથે આગળ વધવાની' વ્યૂહરચનાથી રાજ્ય સંગઠન અસહજ છે. પ્રદેશ અધ્યક્ષ અને પક્ષના પ્રભારીનું માનવું છે કે આવી સ્વતંત્ર યાત્રાઓ આંતરિક જૂથવાદ અંગે જનતામાં નકારાત્મક સંદેશ જાય છે. આ કારણે, કેન્દ્રીય નેતૃત્વએ હસ્તક્ષેપ કરવો પડ્યો.
કુલ મળીને, હરીશ રાવતનો એકલા યાત્રા કરવાનો નિર્ણય કોંગ્રેસથી અલગ થવાનું પગલું નથી. પક્ષમાં ઘટી રહેલા તેમના પ્રભાવને રોકવા અને પોતાની રાજકીય તાકાત સાબિત કરવા માટેનો આ એક અજમાવેલો દાવ છે. તેઓ એ સ્પષ્ટ કરવા માંગે છે કે 78 વર્ષની ઉંમર હોવા છતા રાજ્યના કોંગ્રેસના રાજકારણમાં તેમની અવગણના કરી શકાય તેમ નથી.

