- Sports
- 'એક ઉલ્ટા હાથનો તમાચો માર્યો', 17 વર્ષ પછી સામે આવ્યો ભજ્જી-શ્રીસંત થપ્પડ ઘટનાનો વીડિયો
'એક ઉલ્ટા હાથનો તમાચો માર્યો', 17 વર્ષ પછી સામે આવ્યો ભજ્જી-શ્રીસંત થપ્પડ ઘટનાનો વીડિયો
વર્ષ 2008-ઇન્ડિયન પ્રીમિયર લીગની પહેલી સીઝન. આ સીઝનમાં ક્રિકેટની વ્યાખ્યા સંપૂર્ણપણે બદલી નાખી. ચાહકોએ ભારતીય અને વિદેશી ખેલાડીઓને એકસાથે રમતા જોયા. IPLની પહેલી સીઝનમાં મજેદાર ક્રિકેટની સાથે ઘણા વિવાદો પણ થયા હતા. 25 એપ્રિલ 2008ના રોજ મોહાલીમાં કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં પંજાબે મુંબઈને હરાવ્યું હતું. મેચ પછી મુંબઈના કેપ્ટન હરભજન સિંહે ફાસ્ટ બોલર S. શ્રીસંતને થપ્પડ મારી હતી.
આ પછી શ્રીસંતને રડતો પણ બતાવવામાં આવ્યો હતો. આ ઘટનાએ ઘણો હોબાળો મચાવ્યો હતો. જોકે તે સમયે આનો કોઈ વીડિયો ફૂટેજ બહાર પાડવામાં આવ્યો ન હતો. પરંતુ 17 વર્ષ પછી, હવે તેનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો IPLના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીએ રિલીઝ કર્યો હતો. તેમણે તાજેતરમાં જ માઈકલ ક્લાર્કના પોડકાસ્ટમાં આ વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મેચ પૂરી થયા પછી જ્યારે બંને ટીમોના ખેલાડીઓ હાથ મિલાવી રહ્યા હતા, ત્યારે હરભજન સિંહે શ્રીસંતને થપ્પડ મારી હતી. આ પછી શ્રીસંત પણ ગુસ્સામાં તેની તરફ આગળ વધ્યો, પરંતુ સાથી ખેલાડીઓએ દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડ્યો.
https://twitter.com/Fanpointofviews/status/1961277392045175284
મીડિયાએ આ ઘટનાને 'સ્લેપગેટ' નામ આપ્યું. આના પર કાર્યવાહી પણ કરવામાં આવી. હરભજનને આખી સીઝન માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો. BCCIએ પણ કાર્યવાહી કરી અને ભજ્જીને પાંચ વનડે મેચ માટે પ્રતિબંધિત કર્યો. વર્ષ 2022માં 'ગ્લાન્સ લાઈવ ફેસ્ટ' દરમિયાન, હરભજને આ ઘટનાને યાદ કરીને કહ્યું કે, આ તેની સૌથી મોટી ભૂલ હતી અને તેણે આ ન કરવું જોઈતું હતું. ભજ્જીએ કહ્યું હતું કે, 'તે IPL મેચમાં જે થયું તે ખોટું હતું. મેં ભૂલ કરી. મને શરમનો સામનો કરવો પડ્યો કે મેં આ કર્યું. જો મારે મારી કોઈ ભૂલ સુધારવી હોય, તો હું શ્રીસંત સાથે થયેલા ગેરવર્તનને બદલવા માંગુ છું. જ્યારે પણ હું તે દિવસ વિશે વિચારું છું, ત્યારે મને લાગે છે કે આવું કરવાની કોઈ જરૂર નહોતી.'
આ વર્ષે હરભજન સિંહ રવિચંદ્રન અશ્વિનના શો 'ધ કુટ્ટી સ્ટોરીઝ વિથ એશ'માં દેખાયો. અશ્વિને તેને પૂછ્યું કે, જો તેને તેના જીવનમાં DRS લેવાની તક મળે, તો તે કયો નિર્ણય પાછો લેવા માંગશે. હરભજનએ જવાબ આપ્યો, 'તે IPL મેચમાં શ્રીસંત સાથે જે કંઈ થયું, હું તેને મારી કારકિર્દીમાંથી ભૂંસી નાખવા માંગુ છું. તે ઘટના ન બનવી જોઈતી હતી. મેં તેની 200 વાર માફી માંગી છે. ઘણા વર્ષો વીતી ગયા છે પણ હું કોઈપણ સ્ટેજ પર જ્યાં પણ જાઉં છું, હું માફી માંગુ છું. આજે પણ હું કહું છું કે તે મારી ભૂલ હતી. આપણે બધા ભૂલો કરીએ છીએ અને તેને ફરીથી ન પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરીએ છીએ. તે મારો સાથી હતો, ભલે તે એ મેચમાં બીજી ટીમમાં હતો. તેની એકમાત્ર ભૂલ એ હતી કે, તેણે મને ઉશ્કેર્યો. તે તેની જગ્યાએ સાચો હતો, પરંતુ મેં જે કર્યું તે મારે ન કરવું જોઈતું હતું.'
https://twitter.com/MalhotraSaurabh/status/1533116223277391872
હરભજન એ પણ કહ્યું કે, જ્યારે તે વર્ષો પછી શ્રીસંતની પુત્રીને મળ્યો, ત્યારે તેણે કંઈક એવું કહ્યું જેણે તેનું દિલ તોડી નાખ્યું. હરભજને કહ્યું, 'ઘણા વર્ષો પછી પણ, જ્યારે હું તેની પુત્રીને મળ્યો ત્યારે મને સૌથી વધુ દુઃખ થયું. હું તેની સાથે ખૂબ પ્રેમથી વાત કરી રહ્યો હતો. પછી તેણે કહ્યું કે, હું તમારી સાથે વાત કરવા માંગતી નથી, તમે મારા પિતાને માર્યું હતું. આ સાંભળીને મારું દિલ તૂટી ગયું. મારી આંખોમાં આંસુ આવી ગયા. હું મારી જાતને પૂછી રહ્યો હતો કે મેં તે છોકરી પર શું છાપ છોડી છે? તે મને ખરાબ વ્યક્તિ માનતી હશે. તે મને તેના પિતાને મારનાર વ્યક્તિ તરીકે જોતી હશે.'
તે સમયે શ્રીસંતે કહ્યું હતું કે, તે સતત હરભજનને પરેશાન કરતો હતો, જેમ તે અન્ય મેચોમાં પણ કરતો હતો. તેણે એમ પણ કહ્યું હતું કે ભજ્જી અને તે સારા મિત્રો હતા અને તે સમયે તે કંઈ સમજી શકતો ન હતો. શ્રીસંતે કહ્યું હતું કે, હરભજને તેને થપ્પડ મારી ન હતી પણ કોણી મારી હતી. તેણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે 'સ્લેપગેટ' પછી પણ બંને મિત્રો રહ્યા અને સતત એકબીજા સાથે વાત કરતા રહ્યા.

