- Sports
- સિરાજે 5 મેચોમાં બતાવ્યો દમખમ તો વર્કલોડ પર રોષે ભરાયા ગાવસ્કર! BCCI પર આ રીતે કાઢ્યો ગુસ્સો
સિરાજે 5 મેચોમાં બતાવ્યો દમખમ તો વર્કલોડ પર રોષે ભરાયા ગાવસ્કર! BCCI પર આ રીતે કાઢ્યો ગુસ્સો
ભારતીય ક્રિકેટ ટીમે ઓવલમાં ઇંગ્લેન્ડને હરાવીને સનસની મચાવી દીધી હતી. આ જીત સાથે તેણે ટેસ્ટ સીરિઝ 2-2થી બરાબર કરી. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ભારતની જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેણે ઓવલ ટેસ્ટની પહેલી ઇનિંગમાં 4 અને બીજી ઇનિંગમાં 5 વિકેટ લીધી. છેલ્લા દિવસે ઇંગ્લેન્ડને 35 રનની જરૂર હતી અને ભારતને જીતવા માટે 4 વિકેટની જરૂર હતી. સિરાજે 3 વિકેટ લઈને મેચનું પાસું પલટી દીધું અને ભારતીય ટીમ સીરિઝ ગુમાવતા બચી ગઈ. તેણે આ સીરિઝમાં સૌથી વધુ 185.3 ઓવર બોલિંગ કરી. તેણે 1113 બોલમાં 23 વિકેટ લીધી. તે સીરિઝનો હીરો બનીને ઉભરી આવ્યો.
સિરાજે પાંચેય ટેસ્ટમાં રમીને સાબિત કર્યું કે તે ભારતીય ટીમનો સૌથી ફિટ ફાસ્ટ બોલર છે. આજકાલ 'વર્કલોડ મેનેજમેન્ટ'ની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ અંતર્ગત જસપ્રીત બૂમરાહને 5માંથી ફક્ત 3 મેચમાં જ ઉતારવામાં આવ્યો. મહાન ક્રિકેટર સુનિલ ગાવસ્કર ભારતીય ક્રિકેટમાં 'વર્કલોડ' શબ્દથી પૂરી રીતે તંગ આવી ચૂક્યા છે. ઓવલમાં ભારતની સનસનીખેજ સીરિઝ બરાબર કરનારી જીત બાદ ગાવસ્કરે મોહમ્મદ સિરાજની જાદુઈ બોલિંગની પ્રશંસા કરી અને બીજાઓને ભારતીય જર્સીમાં તેના અથાક પ્રદર્શનથી પ્રેરણા લેવા કહ્યું.
ગાવસ્કરે શું કહ્યું?
ઇન્ડિયા ટૂડે સાથેની વાતચીતમાં ગાવસ્કરે વર્કલોડને શારીરિક નહીં પણ માનસિક મુદ્દો ગણાવ્યો અને ક્રિકેટ ફેન્સને સીરિઝમાં સિરાજના પ્રદર્શન તરફ વળવા કહ્યું. ગાવસ્કરે કહ્યું કે, ‘મોહમ્મદ સિરાજે વર્કલોડના આ વ્યવસાયને હંમેશાં માટે ખતમ કરી દીધો છે. મને આશા છે કે ભારતીય ક્રિકેટના શબ્દકોશમાંથી વર્કલોડ શબ્દ હટાવી દેવામાં આવશે. 5 ટેસ્ટ મેચ માટે તેણે નોન-સ્ટોપ 7-8 ઓવરની સ્પેલ ફેંકી કારણ કે કેપ્ટન ઇચ્છતો હતો અને દેશ તેની પાસેથી અપેક્ષા રાખતો હતો. મને લાગે છે કે લોકોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે વર્કલોડ એક માનસિક વસ્તુ છે, શારીરિક નહીં. જો તમે એ લોકો સામે નમી જશો, જે વર્કલોડ બાબતે વાત કરી રહ્યા છે, તો તમારી પાસે તમારા દેશ માટે મેદાન પર પોતાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ ક્યારેય નહીં હોય.’
પૂર્વ ભારતીય ઓપનરે કહ્યું કે કોઈપણ ખેલાડીએ શરીરના દુઃખાવાની ફરિયાદ ન કરવી જોઈએ કારણ કે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય શર્ટ પહેરવી સન્માનની છે. ભારત પાસે રિષભ પંત જેવા ખેલાડીઓ છે, જેમણે તૂટેલા પગ સાથે સીરિઝ રમી. જ્યારે તમે પોતાના દેશ માટે રમી રહ્યા હોવ, ત્યારે દુઃખ અને પીડા ભૂલી જાવ. શું તમને લાગે છે કે, સીમા પર સૈનિકો ઠંડીની ફરિયાદ કરી રહ્યા છે? અહી ક્રિકેટમાં દેશ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપો તો દુઃખ અને પીડા બાબતે ચિંતા ન કરો. રિષભ પંતે તમને શું બતાવ્યું? તે ફ્રેક્ચર સાથે બેટિંગ કરવા આવ્યો હતો. તમે ખેલાડીઓ પાસેથી આ જ અપેક્ષા રાખો છો. ભારતમાં ક્રિકેટ રમવી એક સન્માન છે. તમે 140 કરોડ લોકોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો અને આજ આપણે મોહમ્મદ સિરાજમાં જોયું.’
સીરિઝનું લેખું-જોખું
ભારતે આ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું. લીડ્સમાં પહેલી ટેસ્ટ હાર્યા બાદ ટીમે જબરદસ્ત વાપસી કરી અને બર્મિંઘમમાં બીજી ટેસ્ટ મેચ જીતી. ભારતીય ટીમે આ મેદાન પર પહેલી વાર જીત મેળવી. ત્યારબાદ ઈંગ્લેન્ડે લોર્ડ્સમાં વાપસી કરી અને સીરિઝમાં લીડ મેળવી. માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ ડ્રો થઈ અને ભારતને સીરિઝનો અંત ડ્રોમાં કરવા માટે ઓવલમાં જીત મેળવવી પડી. તેણે એક રોમાંચક મેચ જીતી અને સીરિઝને 2-2ની બરાબરી પર સમાપ્ત કરી.

