- Sports
- ગાવસ્કરે કેમ કહ્યું કે બુમરાહને પાકિસ્તાન સામે આરામ આપવો જોઈએ?
ગાવસ્કરે કેમ કહ્યું કે બુમરાહને પાકિસ્તાન સામે આરામ આપવો જોઈએ?
ભારતીય ટીમ 2025 એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફરી એક વખત પાકિસ્તાનનો સામનો કરવા માટે તૈયાર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર ફોર સ્ટેજ મેચ રવિવાર, 21 સપ્ટેમ્બરના રોજ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાવાની છે. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે આ મેચ માટે ભારતીય ટીમને મહત્વપૂર્ણ સલાહ આપી છે.
સુનીલ ગાવસ્કર માને છે કે, જસપ્રીત બુમરાહને પાકિસ્તાન સામેની સુપર ફોર મેચ માટે આરામ આપવો જોઈએ, જેથી ઝડપી બોલર 28 સપ્ટેમ્બરના રોજ રમાનાર ટાઇટલ મેચ માટે સંપૂર્ણપણે ફિટ થઈ શકે. વર્કલોડ મેનેજમેન્ટના ભાગ રૂપે જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડ પ્રવાસ પર ફક્ત ત્રણ ટેસ્ટ મેચ રમ્યો હતો.
જસપ્રીત બુમરાહ 2025 એશિયા કપમાં ભારત માટે પ્રથમ બે મેચમાં ભાગ લીધો હતો, જ્યાં તેણે ત્રણ વિકેટ લીધી હતી. જોકે, બુમરાહની બોલિંગમાં ગતિ અને લયનો થોડો અભાવ જોવા મળ્યો છે. ગાવસ્કરે કહ્યું કે બુમરાહને આરામ આપવો અને તેને મોટી મેચ માટે તૈયાર કરવો સમજદારીભર્યું રહેશે.
સુનીલ ગાવસ્કરે એક સ્પોર્ટ્સ ચેનલને જણાવ્યું હતું કે, 'મારા મતે, જસપ્રીત બુમરાહને પાકિસ્તાન સામેની મેચમાંથી આરામ આપવો જોઈએ જેથી તે 28મી તારીખે થનારી મોટી મેચ માટે ઉપલબ્ધ રહે. ભારતે આના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અલબત્ત, એના માટે બેન્ચ પર બેઠેલા ખેલાડીઓને ટીમમાં રાખવાની જરૂર પડશે.'
સુનીલ ગાવસ્કર માને છે કે, ભારતીય ટીમે સંજુ સેમસન, તિલક વર્મા અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓને આ મેચમાં બેટિંગ માટે વધુ સમય આપવો જોઈએ.

