- Sports
- દિલ્હી કેપિટલ્સની કેપ્ટન જેમીમા રોડ્રિગ્સ સામે કડક કાર્યવાહી, જાણો આવું કેમ કરવામાં આવ્યું
દિલ્હી કેપિટલ્સની કેપ્ટન જેમીમા રોડ્રિગ્સ સામે કડક કાર્યવાહી, જાણો આવું કેમ કરવામાં આવ્યું
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL 2026)માં મેચ દરમિયાન ધીમી ઓવર-રેટ જાળવી રાખવા બદલ દિલ્હી કેપિટલ્સની કેપ્ટન જેમીમા રોડ્રિગ્સને રૂ. 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. મંગળવારે (27 જાન્યુઆરી) રમાયેલી ગુજરાત જાયન્ટ્સ સામેની મેચ દરમિયાન નિર્ધારિત સમયમાં 20 ઓવર પૂર્ણ ન કરવા બદલ તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.
WPL દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'દિલ્હી કેપિટલ્સની કેપ્ટન જેમીમા રોડ્રિગ્સને BCA સ્ટેડિયમ, વડોદરા ખાતે રમાયેલી ગુજરાત જાયન્ટ્સ સામેની મેચ દરમિયાન ન્યૂનતમ ઓવર-રેટ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિઝનમાં આ તેમનો પહેલો ગુનો છે, તેથી તેમને રૂ. 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.'
મેચ અંગે વાત કરીએ તો, ગુજરાત જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને ત્રણ રનથી હરાવીને રોમાંચક જીત નોંધાવી હતી. આ હાર સાથે, દિલ્હી છ પોઈન્ટ અને -0.164ના નેટ રન રેટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને સરકી ગયું છે, જેના કારણે પ્લેઓફમાં જવાનો તેનો માર્ગ વધુ મુશ્કેલ બની ગયો છે.
https://twitter.com/wplt20/status/2016206743945281964
સોફી ડિવાઇન (4/37) અને રાજેશ્વરી ગાયકવાડ (3/20)ની ઘાતક બોલિંગ ગુજરાતની જીતમાં મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. 175 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હી 20 ઓવરમાં ફક્ત 171/8 જ બનાવી શકી હતી.
છેલ્લી ઓવરમાં નવ રનની જરૂર હતી ત્યારે, ડિવાઇને સ્નેહ રાણા અને નિક્કી પ્રસાદને આઉટ કરીને ગુજરાત માટે જીત નક્કી કરી હતી. આ અગાઉ, ગુજરાત માટે બેથ મૂનીએ 46 બોલમાં 58 રન બનાવ્યા, જ્યારે અનુષ્કા શર્માએ 25 બોલમાં 39 રન બનાવ્યા હતા.
દિલ્હી માટે, નિક્કી પ્રસાદ (47 રન) અને સ્નેહ રાણા (29 રન)એ અંતિમ ઓવરોમાં મેચને રોમાંચક બનાવી દીધી હતી. તેઓએ માત્ર 31 બોલમાં 60 રન ઉમેર્યા, પરંતુ ટીમને જીત તરફ લઇ જઈ શક્યા ન હતા. દિલ્હી કેપિટલ્સ હવે 1 ફેબ્રુઆરીએ સૌથી નીચલા ક્રમાંકિત UP વોરિયર્સ સામે પોતાની આગામી મેચ રમશે, જ્યાં તેમના માટે તે મેચ જીતવી ખુબ મહત્વપૂર્ણ રહેશે.

