- Sports
- પિક્ચર અભી બાકી બાકી હૈ મેરે દોસ્ત! સૂર્યકુમારને બચાવવા માટે BCCIનો મોટો દાવ રમ્યો, PCBની બોલતી બંધ
પિક્ચર અભી બાકી બાકી હૈ મેરે દોસ્ત! સૂર્યકુમારને બચાવવા માટે BCCIનો મોટો દાવ રમ્યો, PCBની બોલતી બંધ થઈ જશે
એશિયા કપના આયોજકોએ શુક્રવારે જાહેરાત કરી હતી કે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને પાકિસ્તાન સામેની ગ્રુપ સ્ટેજ મેચ બાદ કરેલી ટિપ્પણીઓ બદલ તેની મેચ ફીનો 30 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. ભારતીય કેપ્ટને મેચ બાદ મે મહિનામાં બંને દેશો વચ્ચે થયેલા લશ્કરી સંઘર્ષનો ઉલ્લેખ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે ભારતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નિર્ણય સામે અપીલ કરી છે.
પાકિસ્તાને ICCમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં સૂર્યકુમાર યાદવ પર રાજનીતિક ટિપ્પણી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સૂર્યકુમારે 14 સપ્ટેમ્બરના રોજ ચિરપ્રતિદ્વંદ્વી પાકિસ્તાન પર પોતાની ટીમની જીત પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતો અને ભારતીય સશસ્ત્ર દળોને સમર્પિત કરી હતી. સૂર્યકુમારે પોતાને નિર્દોષ ગણાવ્યો હતો, પરંતુ તેને ટૂર્નામેન્ટની બાકીની મેચોમાં રાજનીતિક ગણી શકાય તેવા કોઈપણ નિવેદનો આપતા બચવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ભારતીય કેપ્ટનની સુનાવણી ICC મેચ રેફરી રિચી રિચર્ડસને કરી હતી. ભારતીય ટીમે ટોસ સમયે અને મેચ બાદ પહેલગામ પીડિતો સાથે એકતા દર્શાવવા માટે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હેન્ડશેક કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારથી બંને ટીમો વચ્ચે તણાવ વધી ગયો છે.
ભારતે એશિયા કપની લીગ સ્ટેજની પ્રથમ મેચ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે હેન્ડશેક કરવાનો ઇનકાર કર્યો હતો. જીત બાદ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સૂર્યકુમાર યાદવે ભારતીય સેનાનો ઉલ્લેખ કર્યો હતો. મેચ રેફરી રિચી રિચર્ડસને સૂર્યકુમાર પાસેથી આ નિવેદનો માટે સ્પષ્ટતા માગી હતી. PCBએ સૂર્યકુમાર યાદવ અંગે ICCને 2 ફરિયાદો નોંધાવી. PCBની ફરિયાદના જવાબમાં ICCએ મેચ રેફરી રિચી રિચર્ડસનને 2 રિપોર્ટ મોકલ્યા હતા, ત્યારબાદ ભારતીય ટીમને એક ઇ-મેઇલ મોકલવામાં આવ્યો હતો.
રિચર્ડસનને જે ઇ-મેઇલ મોકલ્યો હતો, તેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘મને ICCએ બે રિપોર્ટ હેન્ડલ કરવા માટે મોકલ્યા છે. બધા રિપોર્ટની સમીક્ષા કર્યા બાદ અને પુરાવાઓની તપાસ કર્યા બાદ, મેં તારણ કાઢ્યું છે કે સૂર્યાના નિવેદનોએ રમતની છબીને કલંકિત કરી છે. આ તેની વિરુદ્ધ આરોપ બને છે.’
ICCએ અગાઉ પાકિસ્તાની ક્રિકેટરો હારિસ રઉફ અને સાહિબઝાદા ફરહાન સામે કાર્યવાહી કરી હતી. હરિસ રઉફને તેમની મેચ ફીના 30 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો અને સાહિબઝાદા ફરહાનને ઠપકો આપવામાં આવ્યો હતો. ભારત સામેની સુપર ફોર મેચ દરમિયાન હારિસ રઉફે આપત્તિજનક ઇશારા કર્યા હતા અને ભારતીય ઓપનર અભિષેક શર્મા અને શુભમન ગિલ સાથે પણ ઝઘડો કર્યો હતો. બીજી તરફ, સાહિબજાદા ફરહાને ‘ગન સેલિબ્રેશન’ કરીને ભારતીય ખેલાડીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો.

