- Sports
- ધીમી બેટિંગ, ડેથ ઓવર્સ... ભારતીય ટીમની હારના કારણો
ધીમી બેટિંગ, ડેથ ઓવર્સ... ભારતીય ટીમની હારના કારણો
રાજકોટમાં ન્યૂઝીલેન્ડે જે રીતે ભારતને 7 વિકેટથી હરાવ્યું, તેનાથી ન માત્ર શ્રેણી બરાબર થઈ ગઈ, પરંતુ ભારતીય ટીમના વન-ડે મેનેજમેન્ટમાં છુપાયેલી રણનીતિક ખામીઓ પણ છતી થઇ ગઇ. જાણે કે 285 રનનો લક્ષ્યાંક કિવીઓ માટે ‘ઓપન નેટ સેશન’ હોય. ડેરિલ મિશેલ (131*) અને વિલ યંગ (87) વચ્ચેની 162 રનની ભાગીદારી સામે ભારતીય બોલિંગ બિનઅસરકારક સાબિત થઈ, અને ન્યૂઝીલેન્ડે 47.3 ઓવરમાં મેચ પૂર્ણ કરી દીધી. કહાની ફક્ત હારની નથી, પરંતુ આ મેચે 3 મુખ્ય ‘ક્રૂર વાસ્તવિકતાઓ’ ઉજાગર કરી દીધી છે.
ભારતની ધીમી બેટિંગ...
ભારતીય બેટિંગ હવે એક સેટ પેટર્નને અનુસરતી હોય તેવું લાગે છે- પાવરપ્લેમાં સારી શરૂઆત, વચ્ચેની ઓવરોમાં ટેસ્ટ-મેચ જેવી ગતિ અને પછી અંતે કોઈ ચમત્કારની આશા. રાજકોટમાં પણ આ જ કહાનીનું પુનરાવર્તન થયું. વચ્ચેની ઓવરોમાં સ્ટ્રાઇક રોટેશન અને આક્રમક ઇરાદાના અભાવે સ્કોરિંગ ગતિને દબાવી દીધી, જેના પરિણામે 285 રનનો સ્કોર આજના 300+ યુગમાં સામાન્ય સાબિત થયો. આવા લક્ષ્ય આધુનિક વન-ડે માહોલમાં પ્રતિદ્વંદ્વી પર દબાણ લાવતા નથી, પરંતુ તેમને શરૂઆતથી જ લય અને આઝાદી આપે છે.
ભારતીય બોલિંગ: નામોની ભીડ, ધારનો અભાવ
રાજકોટમાં ભારતીય બોલરો પાસે ન તો પ્લાન-A હતો કે ન તો પ્લાન-B. સ્પિનરો પાસે ન તો ટર્ન હતું કે ન તો વિકેટ લેવાની ચપળતા; ફાસ્ટ બોલરો પાસે ન તો લેન્થનું અનુશાસન હતું કે ન તો વેરિયેશનની અસર. પરિણામે કિવી બેટિંગ ક્યારેય દબાણમાં ન આવી. મિશેલે હાર્ડ લેન્થ પર રમવાનું શીખવ્યું, અને યંગે ક્રીઝ પર રહેવાનું મહત્ત્વ બતાવ્યું.
પહેલું રહસ્ય: નીતિશ કુમાર રેડ્ડી-ઓલરાઉન્ડરનો ભ્રમ
નીતિશ કુમાર રેડ્ડીને ઓલરાઉન્ડર તરીકે ફિટ કરવાનો પ્રયાસ ભારતીય વન-ડે વિચારસરણીમાં સૌથી જટિલ કોયડો છે. તે બે ઓવરથી વધુ બોલિંગ કરતો નથી અને 7 નંબર પર એવી બેટિંગ કરે છે, જેમાં ન તો ફિનિશિંગ ક્ષમતા દેખાય છે કે ન તો ફ્લોટિંગ ભૂમિકા. વન-ડેમાં આ સ્લોટમાં 6-8 ઓવર માટે સ્થિર બોલિંગ જોઈએ અથવા ડેથ ફિનિશિંગ. ટીમને બંને જ મળી રહ્યા નથી, જેના કારણે ટીમના સંતુલન પર સીધી અસર પડી રહી છે.
બીજું રહસ્ય: અર્શદીપ-ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ, છતા બહાર
ભારતીય પસંદગીમાં અર્શદીપને વારંવાર બહાર રાખવાની નીતિ સમજણથી બહાર છે. જો તર્ક એ હોય કે તેને વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આરામ આપવામાં આવી રહ્યો છે, તો હર્ષિત રાણાને પણ આવો જ આરામ કેમ નહીં? લેફ્ટ આર્મ એંગલ, નવો બૉલ અને ડેથ-ઓવર નિયંત્રણ ધરાવતો બૉલર વન-ડેમાં એક દુર્લભ પૂંજી છે. તેને સતત બેન્ચ પર રાખવાથી પસંદગીની ફિલોસોફી પર પ્રશ્નો ઉભા થાય છે.
ત્રીજું રહસ્ય: રવિન્દ્ર જાડેજા- વરિષ્ઠ ઓલરાઉન્ડરનું આઉટપુટ ઓછું
જાડેજાનો અનુભવ, ક્લાસ અને ફિલ્ડિંગ ટોચના સ્થાને છે, પરંતુ તાજેતરના મહિનાઓમાં બેટિંગ અને બૉલિંગ બંનેમાં તેનું વન-ડે આઉટપુટ ઘટ્યું છે. ન તેની ફિનિશિંગ વેલ્યૂ પહેલા જેટલી સારી છે, કે ન તો બોલિંગની અસર પહેલા જેટલી પ્રભાવશાળી છે. અહીં સુધી કે તેની ‘રોકેટ થ્રૉ’થી વિકેટ લેવાની ક્ષમતા પણ પાછળ છૂટી ગઈ છે.
ઓલરાઉન્ડરની શોધનું ઝનૂન
ભારત વન-ડેમાં મજબૂત 6+1 સંયોજનને બદલે ફેન્સી ઓલરાઉન્ડર મોડેલને પકડીને બેઠું છે. આ મોડેલથી અધૂરી બેટિંગ, નબળી બોલિંગ, અસ્તવ્યસ્ત ડેથ ઓવર અને બેન્ચ પર અયોગ્ય ખેલાડીઓની ભરમાર દેખાય છે. વન-ડે એક સંતુલન આધારિત ફોર્મેટ છે, જ્યાં એક સ્લોટનું મિસમેનેજમેન્ટ પણ સમગ્ર માળખું ધરાશાયી કરી શકે છે. રાજકોટ તેનું ઉત્તમ ઉદાહરણ હતું.
વિશ્વની સૌથી મજબૂત વન-ડે ટીમો ઘણીવાર 6-બેટ્સમેન + 1 વિકેટકીપર + 4 વિશેષજ્ઞ બોલર અથવા 5 બોલર + 1 ઓલરાઉન્ડર મોડેલ સાથે રમે છે. ભારત ઘણીવાર ‘વધારાનનો ઓલરાઉન્ડર’ શોધવાના પ્રયાસમાં વન-ડેને T20 જેવી સંરચનામાં નાખી દે છે, જેનાથી બંને વિભાગો અધૂરા થઈ જાય છે. ભારતમાં ‘ઓલરાઉન્ડરની શોધ’નો ટ્રેન્ડ, હાર્દિક/જાડેજા/અક્ષર/શાર્દુલ/વોશિંગ્ટન/નીતિશ સાથે પ્રયોગ... સ્લોટ 7 પર આધારિત હાફ-બેટ્સમેન-હાફ-બોલર પ્રકારના ખેલાડીઓના પ્રયોગથી ફિનિશિંગ અને બોલિંગ બંને પ્રભાવિત થાય છે.
ન્યૂઝીલેન્ડ વર્સિસ ભારત: માનસિકતાનો ફરક
ન્યૂઝીલેન્ડે લક્ષ્ય તોડ્યું, રન-રેટ સંભાળી, વિકેટ બચાવી અને યોજનાથી મેચ રમી. ભારતે લક્ષ્યનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો, રણનીતિમાં ભૂલ કરી, દબાણમાં ભાંગી પડ્યું અને આશા પર રમતું રહ્યું. હાર ફક્ત મેદાન પર જ નહીં, પણ માનસિકતામાં પણ હતી.
શ્રેણીની ફાઇનલ રવિવારે ઇન્દોરમાં છે, પરંતુ વાસ્તવિક પડકાર તેનાથી મોટો છે. વન-ડેમાં ભૂમિકાઓ સ્પષ્ટ કરી, ટીમનું સંતુલન સ્થાપિત કરવું અને સ્વીકારવું કે વન-ડે, T20નું નાનું નહીં, પરંતુ એક અલગ વિજ્ઞાન છે. રાજકોટે એક વાત સ્પષ્ટ કરી દીધી કે, મેચ હારી શકાય છે, પરંતુ માનસિકતા ગુમાવવી ન જોઈએ.

