- Sports
- કોહલીએ ક્રિકેટમાંથી કેમ લીધી રિટાયરમેન્ટ? ગંભીર-યુવરાજ સામે ખુલાસો, બોલ્યો- ‘જ્યારે દર 4 દિવસે..’
કોહલીએ ક્રિકેટમાંથી કેમ લીધી રિટાયરમેન્ટ? ગંભીર-યુવરાજ સામે ખુલાસો, બોલ્યો- ‘જ્યારે દર 4 દિવસે..’
યુવરાજ સિંહે કેન્સર NGO YouWeCan ફાઉન્ડેશન માટે ફંડ એકત્ર એકત્ર કરવાના ઉદ્દેશ્યથી લંડનમાં એક શાનદાર ડિનર પાર્ટી રાખી હતી. ઘણા મોટા વર્તમાન અને પૂર્વ ક્રિકેટરો તેમાં સામેલ થયા હતા. આ ખાસ અવસર પર ભારતીય ટીમના તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ ગૌતમ ગંભીરના નેતૃત્વમાં પહોંચ્યા હતા. સચિન તેંદુલકર, ક્રિસ ગેલ, કેવિન પીટરસન, બ્રાયન લારા અને આશિષ નેહરા જેવા દિગ્ગજો પણ આ કાર્યક્રમનો હિસ્સો બન્યા હતા.
ત્યાં ભારતીય ટીમ લગભગ એક કલાક રોકાઈ હતી અને ઘણી મજેદાર એક્ટિવિટીઝમાં હિસ્સો લીધો હતો. ગાલા ડિનર શરૂ થવા અગાઉ, બધા પોતાની સીટ પર આરામથી બેસી ગયા, એક મોટી સ્ક્રીન પર વિરાટ કોહલીની એન્ટ્રી થઈ. તે પોતાના મિત્ર કેવિન પીટરસન સાથે વાત કરતો અને ડિનર કરતો જોવા મળ્યો. ડિનર બાદ આગામી સેશન ગૌરવ કપૂર દ્વારા હોસ્ટ કરવામાં આવ્યું હતું. રવિ શાસ્ત્રી, યુવરાજ સિંહ, કેવિન પીટરસન, ક્રિસ ગેલ અને ડેરેન ગોફ તેમાં સામેલ થયા. શરૂઆતમાં, વિરાટ કોહલી સ્ટેજ પર નહોતો, પરંતુ ગૌરવની વારંવાર વિનંતી પર, તે પણ મંચ પર આવી ગયો અને બધા સાથે સામેલ થઈ ગયો. બાદમાં ક્રિસ ગેલ સાથે એક મજેદાર મુલાકાત પણ જોવા મળી.
આ દરમિયાન ગૌરવે કહ્યું કે, લોકો તમને મેદાન પર મિસ કરે છે. તેના પર વિરાટે પોતાની ટેસ્ટ રિટાયરમેન્ટ પર હસીને કહ્યું કે, મેં 2 દિવસ અગાઉ જ મારી દાઢી રંગી છે, જ્યારે દર 4 દિવસે દાઢી રંગવી પડે છે, તો સમજો કે સમય આવી ગયો છે. વિરાટ કોહલીએ પોતાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી સાથે વિતાવેલા સમયને યાદ કરતા કહ્યું કે, જો તેઓ સાથે ન હોત, તો ટેસ્ટ ક્રિકેટમાં તેણે જે હાંસલ કર્યું છે, તે કદાચ શક્ય ન થઈ શકતું. સાચું કહું તો જો હું શાસ્ત્રી ભાઈ સાથે કામ ન કરતો, તો ટેસ્ટ ક્રિકેટમાં જે કંઈ પણ થયું તે ન થઈ શકતું. અમારી વચ્ચે જે ક્લિયર અંડરસ્ટેન્ડિંગ અને તાલમેલ હતું, તે ખૂબ મુશ્કેલથી મળે છે, કરિયરમાં આગળ વધવા માટે એ ખૂબ જ જરૂરી હોય છે.
કોહીલીએ વધુમાં કહ્યું કે, જો તેમણે મને સપોર્ટ ન કર્યો હોત, જેમ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં સામે આવીને બધુ સંભાળ્યું, એ પરિસ્થિતિ અલગ હોત. હું હંમેશાં તેમનું સન્માન કરું છું કેમ કે તેઓ મારા ક્રિકેટ કરિયરનો ખૂબ મોટો હિસ્સો રહ્યા છે. આ કાર્યક્રમમાં વિરાટ કોહલીએ યુવરાજ સિંહ સાથે પોતાની મિત્રતાને યાદ કરતા કહ્યું કે, અમારા બંનેના સંબંધ મેદાનની અંદર અને બહાર ખૂબ જ સારા રહ્યા છે.
તેણે કહ્યું કે, મેં પહેલી વખત યુવી પાજીને બેંગ્લોરમાં નોર્થ ઝોન ટૂર્નામેન્ટ દરમિયાન જોયો હતો. જ્યારે હું ભારતીય ટીમમાં આવ્યો તો તેમણે, ભજ્જી પાજી અને ઝહીર ભાઈએ મને ખૂબ સપોર્ટ કર્યો. મને ટીમમાં સહજ અનુભવ કરાવ્યો અને એક ખેલાડી તરીકે આગળ વધવામાં મદદ કરી. અમે મેદાનની બહાર પણ ખૂબ એન્જોય કરતા હતા અને મને શીખવ્યું કે ટોપ લેવલ સુધી પહોંચવાની લાઈફસ્ટાઈલ શું હોય છે. હું આ સંબંધને જિંદગીભર સાચવીને રાખીશ. કોહલીએ વર્ષ 2011ના વર્લ્ડ કપને લઈને કહ્યું કે, વર્લ્ડ કપમાં તેને (યુવરાજ)ને રમતા જોવું ખૂબ જ સ્પેશિયલ હતું. પરંતુ જ્યારે બાદમાં અમને તેની બીમારી બાબતે ખબર પડી, તો અમે બધા હેરાન રહી ગયા, તે કેન્સર સામે લડ્યો અને પછી વાપસી કરી, જ્યારે હું કેપ્ટન હતો. આ બતાવે છે કે તે કેટલો મોટો ચેમ્પિયન છે.
વિરાટ કોહલીએ એક જૂની ઘટનાને યાદ કરી. તેણે કહ્યું કે, મને સ્પષ્ટ યાદ છે, અમે વર્ષ 2017માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ એક મેચ કટકમાં રમી હતી. ટોપ ઓર્ડર જલદી આઉટ થઈ ગયો અને યુવી પાજીએ લગભગ 150 રન બનાવ્યા હતા, એમએસ ધોનીએ પણ લગભગ 110 રન બનાવ્યા હતા, એ સમયે મેં કે.એલ. અથવા કોઈ બીજાને કહ્યું હતું કે, એવું લાગી રહ્યું છે કે, બાળપણમાં મોટી ટીવી પર મેચ જોઈ રહ્યા હોય. કોહલીએ આગળ કહ્યું કે, હું યુવરાજ પાજીને ખૂબ પ્રેમ અને સન્માન કરું છું, અહીં (ઇવેન્ટમાં) હોવું મારા માટે ખુશીની વાત છે, અને હું કોઈ માટે એમ ન કરતો, માત્ર તેમના માટે આમ કર્યું.

