- Sports
- ભારતીય ખેલાડીઓની ફિટનેસને લઈને સીરિયસ થયું BCCI, યો-યો બાદ આવી બ્રોકો ટેસ્ટ; જાણો શું હોય છે
ભારતીય ખેલાડીઓની ફિટનેસને લઈને સીરિયસ થયું BCCI, યો-યો બાદ આવી બ્રોકો ટેસ્ટ; જાણો શું હોય છે
ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં જ ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી, જ્યાં તેણે મેજબાન ટીમ સામે 5 મેચની ટેસ્ટ સીરિઝમાં ભાગ લીધો હતો. આ ટેસ્ટ સીરિઝ ખૂબ જ રોમાન્ચક રહી અને 2-2થી ડ્રો થઈ હતી. ભારતીય ટીમ આ સીરિઝ જીતી શકતી હતી, પરંતુ નબળી ફિલ્ડિંગને કારણે આ તક ગુમાવી દીધી. લીડ્સ ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ખેલાડીઓએ ઘણા કેચ છોડ્યા હતા, જેના કારણે ઇંગ્લેન્ડે મોટો ટારગેટ ચેઝ કરી લીધો હતો.
હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઇંગ્લેન્ડના પ્રવાસ બાદ ખેલાડીઓની ફિટનેસ તપાસવા માટે એક નવી ટેસ્ટ શરૂ કરી છે, જેને બ્રોન્કો ટેસ્ટ કહેવામાં આવે છે. આ ટેસ્ટ ભારતીય ખેલાડીઓ બેંગ્લોરમાં સ્થિત BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ (COE)માં આપશે. આ ટેસ્ટનો હેતુ ખેલાડીઓની ફિટનેસ સુધારવાનો છે, ખાસ કરીને ફાસ્ટ બોલરોની.
ઇંગ્લેન્ડ વિરુદ્ધ સીરિઝમાં, ઘણા ભારતીય ખેલાડીઓ ફિટનેસના મામલે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. આકાશ દીપ અને પ્રસિદ્ધ કૃષ્ણાની ફિટનેસ સવાલોના ઘેરામાં રહી હતી. ઈજાને કારણે આકાશ લોર્ડ્સ ટેસ્ટ મેચમાં રમી શક્યો નહોતો. જ્યારે જસપ્રીત બૂમરાહ વર્કલોડ મેનેજમેન્ટને કારણે માત્ર 3 જ ટેસ્ટ રમ્યો હતો. ફાસ્ટ બોલરોમાં માત્ર મોહમ્મદ સિરાજ જ પાંચેય ટેસ્ટ રમી શક્યો હતો. આ બધાને ધ્યાનમાં લેતા ફિટનેસના નવા ધોરણો નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભારતીય ટીમના સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ એડ્રિયન લે રોક્સે બ્રોન્કો ટેસ્ટનું સૂચન કર્યું હતું. હેડ કોચ ગૌતમ ગંભીર પણ તેને લઈને સહમત થયા હતા. એડ્રિયન લે રોક્સનું માનવું છે કે, ખેલાડીઓએ જિમ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે વધુ દોડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
એક અધિકારીએ અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં બ્રોન્કો ટેસ્ટ શરૂ કરવામાં આવી છે. સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કેટલાક ખેલાડીઓ બેંગ્લોર આવીને આ ટેસ્ટ આપી ચૂક્યા છે. ફિટનેસનું ધોરણ વધુ ઊંચું લાવવા માટે બ્રોન્કો ટેસ્ટ શરૂ કરવામાં આવી છે. એવું પણ જોવા મળી રહ્યું હતું કે ભારતીય ક્રિકેટરો ખાસ કરીને ફાસ્ટ બોલરો, વધુ દોડી રહ્યા નહોતા અને જીમમાં ઘણો સમય વિતાવી રહ્યા હતા. ખેલાડીઓને કહેવામાં આવ્યું છે કે હવે તેમણે વધુ દોડવું પડશે.’
શું હોય છે બ્રોન્કો ટેસ્ટ?
બ્રોન્કો ટેસ્ટમાં ખેલાડીએ પહેલા 20-મીટર શટલ રન કરવું પડે છે. ત્યારબાદ 40 મીટર અને 60 મીટર દોડવાનું હોય છે. આ ત્રણેય મળીને એક સેટ બને છે. ખેલાડીએ આવા પાંચ સેટ રોકાયા વિના પૂર્ણ કરવાના હોય છે. ભારતીય ખેલાડીઓએ આ ટેસ્ટ 6 મિનિટમાં પૂર્ણ કરવાની હોય છે, જેમાં તેઓ લગભગ 1200 મીટરનું અંતર કાપશે.
ભારતીય ટીમના ખેલાડીઓની ફિટનેસ થાપાસવા માટે યો-યો ટેસ્ટ અને 2 કિમી ટાઇમ ટ્રાયલ પહેલાથી જ ઉપલબ્ધ છે. 2 કિમી ટાઇમ ટ્રાયલમાં, ફાસ્ટ બૉલરો માટે સમય 8 મિનિટ 15 સેકન્ડ રાખવામાં આવ્યો છે, જ્યારે બાકીના ખેલાડીઓ માટે તે 8 મિનિટ 30 સેકન્ડ છે. હવે ભારતીય ખેલાડીઓની ફિટનેસનું મૂલ્યાંકન યો-યો ટેસ્ટ, 2 કિમી ટાઇમ ટ્રાયલ સિવાય બ્રોન્કો ટેસ્ટ દ્વારા થશે.

