- World
- ભારતે આ દેશમાં પોતાનું વીઝા સેન્ટર જ બંધ કરી દીધું
ભારતે આ દેશમાં પોતાનું વીઝા સેન્ટર જ બંધ કરી દીધું
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભારતીય વિઝા અરજી કેન્દ્ર (IVAC)એ વર્તમાન સુરક્ષા પરિસ્થિતિને જોતા બુધવારે તેની ઓફિસ બંધ કરી દીધી હતી. ઢાકામાં જમુના ફ્યૂચર પાર્ક (JFP) ખાતે સ્થિત IVAC રાજધાનીમાં તમામ ભારતીય વિઝા સેવાઓ માટે મુખ્ય અને સંકલિત કેન્દ્ર છે. IVACએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘વર્તમાન સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે તમને જણાવવા માંગીએ છીએ કે IVAC JFP ઢાકા આજે બપોરે 2:00 વાગ્યે બંધ કરી દેવામાં આવશે.’
IVACએ કહ્યું કે, બુધવારે અરજી સબમિશન માટે સુનિશ્ચિત એપોઇન્ટમેન્ટ સ્લોટ ધરાવતા તમામ અરજદારોની એપોઇન્ટમેન્ટ પછીની તારીખ માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે. આ અગાઉ, દિલ્હીમાં વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના ઉચ્ચ કમિશનર રિયાઝ હમીદુલ્લાહને સમન્સ પાઠવ્યા હતા અને ઢાકામાં ભારતીય મિશનની આસપાસ સુરક્ષા સંકટ ઉત્પન્ન કરવાના ષડયંત્રની જાહેરાતને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ‘અમે અપેક્ષા રાખીએ છીએ કે તે બાંગ્લાદેશમાં સ્થિત મિશન અને કચેરીઓની પોતાના કૂટનીતિક દાયિત્વો અને સુરક્ષા સુનિશ્ચિત કરશે.’ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉચ્ચ કમિશનરને બાંગ્લાદેશમાં બગડતા સુરક્ષા વાતાવરણ અંગે ભારતની ગંભીર ચિંતાઓથી વાકેફ કરવામાં આવ્યા હતા.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે ભારત બાંગ્લાદેશમાં તાજેતરની કેટલીક ઘટનાઓ અંગે ઉગ્રવાદી તત્વો દ્વારા બનાવવામાં આવી રહેલી ખોટી કહાનીને પૂરી રીતે નકારે છે. હમીદુલ્લાહને સમન્સ પાઠવ્યા બાદ તરત જ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, તે દુર્ભાગ્યપૂર્ણ છે કે વચગાળાની સરકારે આ ઘટનાઓની સંપૂર્ણ તપાસ કરી નથી કે ભારત સાથે કોઈ નક્કર પુરાવા શેર કર્યા નથી. ઉચ્ચ કમિશનર હમીદુલ્લાહને બાંગ્લાદેશમાં બગડતા સુરક્ષા વાતાવરણને લઈને ભારતની ગંભીર ચિંતાઓથી વાકેફ કરાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે 3 દિવસ અગાઉ બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ઢાકામાં ભારતીય રાજદૂત પ્રણય વર્માને સમન્સ પાઠવ્યા હતા અને પૂર્વ વડાપ્રધાન શેખ હસીના દ્વારા ભારતીય ભૂમિ પરથી આપવામાં આવેલા ઉશ્કેરણીજનક નિવેદનો પર ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે સ્પષ્ટતા કરી હતી કે તેણે ક્યારેય બાંગ્લાદેશના હિતોને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ માટે પોતાની ભૂમિનો ઉપયોગ થવા દીધો નથી.

