- World
- પરફ્યુમની બોટલને કારણે US પોલીસે ભારતીય યુવકની કરી ધરપકડ, હવે દેશનિકાલ થવાનો ખતરો!
પરફ્યુમની બોટલને કારણે US પોલીસે ભારતીય યુવકની કરી ધરપકડ, હવે દેશનિકાલ થવાનો ખતરો!
યુનાઇટેડ સ્ટેટ્સમાં એક ભારતીય-અમેરિકન વ્યક્તિને પરફ્યુમની બોટલને કારણે દેશનિકાલ થવાનો ભય સતાવી રહ્યો છે. તેણે એક અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા છે અને ત્યાં સ્થાયી થવાનું વિચારી રહ્યો હતો, પરંતુ એક નાની અને સામાન્ય ગેરસમજણને કારણે તેના જીવનમાં મુશ્કેલીઓ ઘર કરી ગઈ છે.
3જી મેના રોજ, ભારતીય-અમેરિકન કપિલ રઘુ, અરકંસાસમાં કોઈને ખાવાનું આપવા જઈ રહ્યો હતો. આ દરમિયાન પોલીસે તેને ટ્રાફિક તપાસ માટે અટકાવ્યો. તેમણે તેની કારમાં એક નાની બોટલ જોઈ, જેના પર 'Opium' લખેલું હતું. 'Opium'નો અર્થ થાય છે 'અફીણ', જે એક માદક પદાર્થ છે અને તે પ્રતિબંધિત છે.
રઘુએ દાવો કર્યો કે તે અફીણ નહીં, પરંતુ પરફ્યુમની બોટલ હતી, અને તેનું નામ 'Opium' છે. જોકે, પોલીસે તેની વાત સાંભળવાનો ઇનકાર કરી દીધો. ડ્રગ રાખવા બદલ તેને અટકાયતમાં લેવામાં આવ્યો હતો. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, રઘુને ત્યારપછી સેલાઇન કાઉન્ટી જેલમાં ત્રણ દિવસ માટે રાખવામાં આવ્યો હતો. જોકે અરકંસાસ સ્ટેટ ક્રાઈમ લેબ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પુષ્ટિ મળી કે બોટલમાં અફીણ નહીં પણ પરફ્યુમ હતું, પરંતુ રઘુની મુશ્કેલીઓનો અહીં અંત આવ્યો નહીં.
https://twitter.com/FayanExpress/status/1974432834313138275
જ્યારે રઘુ જેલમાં હતો, ત્યારે અધિકારીઓને તેના ઇમિગ્રેશન દસ્તાવેજોમાં સમસ્યા જણાઈ અને તેના વિઝાની મુદત પૂરી થઈ ગઈ હતી. રઘુના વકીલે આને વહીવટી ભૂલ ગણાવી, પરંતુ અધિકારીઓએ તેને લ્યુઇસિયાનાના ફેડરલ ઇમિગ્રેશન સેન્ટરમાં ટ્રાન્સફર કર્યો. ત્યાં, US ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)એ તેને 30 દિવસ માટે અટકાયતમાં રાખ્યો.
20 મેના રોજ, જિલ્લા અદાલતે રઘુને અફીણ રાખવાના આરોપોમાંથી મુક્ત કર્યો, પરંતુ તે દરમિયાન, તેનો વિઝા રદ કરવામાં આવ્યો. પરિણામે, તેની પાસે હવે યુનાઇટેડ સ્ટેટ્સમાં કાયદેસર રીતે રહેવાનો કોઈ આધાર નહોતો. રઘુના વકીલના જણાવ્યા મુજબ, તેને મુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તે દેશનિકાલના દરજ્જાને પાત્ર છે, એટલે કે તેને કોઈપણ નાના ગુના માટે, જેમ કે, રસ્તા પર ચાલવા માટે પણ તાત્કાલિક દેશમાંથી કાઢી શકાય છે.
રઘુને માટે ચિંતા એ છે કે તે હવે યુનાઇટેડ સ્ટેટ્સમાં કામ કરી શકશે નહીં કે પૈસા કમાઈ શકશે નહીં. આનાથી તેના માટે ઘર ચલાવવાનું પણ મુશ્કેલ બન્યું છે. કાનૂની પ્રક્રિયા દ્વારા પરિવારની બચત પહેલાથી જ ખતમ થઈ ગઈ છે. હવે, તેની પત્નીને પરિવારનું ભરણપોષણ કરવા માટે ત્રણ-ત્રણ નોકરી કરવી પડે છે. તેણે કાનૂની અને ઘરના ખર્ચ માટે ઓનલાઇન ભંડોળ ઊભું કરવાની ઝુંબેશ પણ શરૂ કરી છે, જેમાં તેણે લોકો પાસેથી દાન માંગ્યું હતું. અત્યાર સુધીમાં, તેને 13,780 ડૉલર દાનમાં મળી ચુક્યા છે.
રઘુએ સ્થાનિક મીડિયાને એમ પણ જણાવ્યું હતું કે, જ્યારે તે કસ્ટડીમાં હતો, ત્યારે તેની પત્ની તેને દરરોજ રાત્રે ફોન કરીને રડતી અને કહેતી કે તેઓએ બધું વેચીને બીજા દેશમાં જવું જોઈએ જ્યાં તેઓ ખુશીથી રહી શકે. ગયા અઠવાડિયે, તેણે ICEના કાયદા કાર્યાલયને એક પત્ર લખ્યો હતો, જેમાં સમજાવવામાં આવ્યું હતું કે, તેના અગાઉના વકીલ સમયસર દસ્તાવેજો સબમિટ કરવામાં નિષ્ફળ ગયા હતા, જેના કારણે વિઝાની સમસ્યા ઊભી થઈ હતી. તેણે વિનંતી કરી હતી કે, તેનો વિઝા પુનઃસ્થાપિત કરવામાં આવે. જોકે, એક નાની ગેરસમજે રઘુ અને તેના પરિવાર માટે મોટી મુશ્કેલીનું રૂપ લઇ લીધું છે.

