- World
- શાહબાઝ-મુનીરને 440 વૉલ્ટનો ઝટકો! ભારત-પાકિસ્તાન વચ્ચે દખલઅંદાજી નહીં કરે ટ્રમ્પ
શાહબાઝ-મુનીરને 440 વૉલ્ટનો ઝટકો! ભારત-પાકિસ્તાન વચ્ચે દખલઅંદાજી નહીં કરે ટ્રમ્પ
અમેરિકાના વિદેશ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટ કહ્યું છે કે કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સીધો મુદ્દો છે અને અમેરિકાને મધ્યસ્થી કરવામાં કોઈ રસ નથી. આ નિવેદન પાકિસ્તાન માટે એક મોટો ઝટકો છે, જે લાંબા સમયથી કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર ખેંચી રહ્યું છે.
પાકિસ્તાનનો હંમેશાં પ્રયાસ રહ્યો છે કે, અમેરિકા, સંયુક્ત રાષ્ટ્ર (UN) અથવા ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કો-ઓપરેશન (OIC) જેવા મંચો દ્વારા ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ટ્રમ્પ પ્રશાસનનું વલણ ભારતની તરફેણમાં છે, કારણ કે ભારત હંમેશાં આ મુદ્દાને દ્વિપક્ષીય મામલો માનતું આવ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ ગુરુવારે (25 સપ્ટેમ્બર, 2025)ના રોજ ન્યૂયોર્કથી વોશિંગ્ટન પહોંચ્યા હતા, જ્યાં વડાપ્રધાન શાહબાઝ સાથે આર્મી જનરલ અસીમ મુનીર પણ ઉપસ્થિત હતા.
અમેરિકન અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે વોશિંગ્ટન ભારત અને પાકિસ્તાનને અલગ-અલગ દૃષ્ટિકોણથી જુએ છે અને જે અમેરિકન હિતો માટે સારું હોય છે, એ જ નીતિ અપનાવવામાં આવે છે. અમેરિકા ભારતને એક મુખ્ય રણનીતિક ભાગીદાર માને છે, ખાસ કરીને ઈન્ડો-પેસિફિક રણનીતિ અને આર્થિક ભાગીદારીમાં. પાકિસ્તાન પ્રત્યે અમેરિકાનું વલણ ઘણીવાર આતંકવાદ અને સુરક્ષા સાથે જોડાયેલું રહ્યું છે. આર્થિક સહાયતા અને લશ્કરી સહયોગમાં પણ કાપ મુકાતો રહ્યો છે. આ સંદર્ભમાં કાશ્મીરને દ્વિપક્ષીય મુદ્દો ગણાવવો અમેરિકા-ભારત સંબંધોની મજબૂતાઈ દર્શાવે છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને રોકવામાં ભૂમિકા ભજવી હતી. ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું, ત્યારબાદ 10 મેના રોજ યુદ્ધવિરામ થયો. ટ્રમ્પે દાવો કર્યો હતો કે આ યુદ્ધવિરામ તેમની મધ્યસ્થી દ્વારા શક્ય બન્યું હતું. જોકે, ભારતે આ દાવાઓને નકારી કાઢતા કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની બધી વાટાઘાટો સીધા સ્તર પર થાય છે અને કોઈ ત્રીજા પક્ષની જરૂર નથી.
ભારતે સતત કહેતું આવ્યું છે કે કાશ્મીર અને આતંકવાદ સાથે જોડાયેલા મુદ્દાઓ માત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત દ્વારા જ ઉકેલી શકાય છે. ભારતના મતે કોઈપણ ત્રીજા પક્ષના હસ્તક્ષેપથી સમાધાન નહીં, પરંતુ વધુ જટિલ બનશે. આ જ કારણ છે કે ભારતે હંમેશાં અમેરિકા સહિત કોઈપણ દેશની મધ્યસ્થીનો ઇનકાર કર્યો છે.
કાશ્મીર મુદ્દો પાકિસ્તાનની વિદેશ નીતિનો મુખ્ય હિસ્સો રહ્યો છે, પરંતુ વારંવાર અમેરિકા અને અન્ય દેશો તપાસેથી નિરાશાજનક પ્રતિક્રિયા મળવાથી તેની સ્થિતિને નબળી થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીર મુદ્દો ઉઠાવવા છતા તે વૈશ્વિક સમર્થન મેળવવામાં નિષ્ફળ રહ્યું છે. તેનાથી વિપરીત ભારતની મજબૂત કૂટનીતિ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી પાકિસ્તાન પર દબાણ વધારી રહી છે.

