- World
- આ દેશમાં મુસ્લિમો સાર્વજનિક જગ્યાએ તહેવાર નહીં ઉજવી શકે, લગાવાયો પ્રતિબંધ
આ દેશમાં મુસ્લિમો સાર્વજનિક જગ્યાએ તહેવાર નહીં ઉજવી શકે, લગાવાયો પ્રતિબંધ
યુરોપિયન દેશ સ્પેનના એક શહેરમાં મુસ્લિમોને ધાર્મિક તહેવારો ઈદ-ઉલ-ફિત્ર (જે રમઝાન મહિનાના અંતનું પ્રતિક છે) અને ઈદ-ઉલ-અધા જાહેર સ્થળોએ ઉજવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. દક્ષિણ-પૂર્વ સ્પેનના મુર્સિયા શહેરના જુમિલામાં સ્થાનિક ઓથોરિટી તરફથી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેના કારણે ખૂબ વિવાદ વધી ગયો છે અને સ્થાનિક લોકોમાં ગુસ્સો ફેલાયો છે. પ્રતિબંધ હેઠળ બધા નાગરિક કેન્દ્રો, જિમ વગેરે જેવા તમામ સાર્વજનિક સ્થળોએ ઇસ્લામિક ધાર્મિક તહેવાર નહીં મનાવી શકાય. મુર્સિયા શહેરમાં લાગેલો આ પ્રતિબંધ સ્પેનના કોઈપણ શહેરમાં લગાવવામાં આવેલો આ પ્રકારનો પહેલો પ્રતિબંધ છે.
પ્રતિબંધ લગાવવાના પ્રસ્તાવને રૂઢિચુસ્ત પીપલ્સ પાર્ટી (PP) દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો અને આ પ્રસ્તાવ પર મતદાન દરમિયાન ધુર-દક્ષિણપંથી વોક્સ પાર્ટી ગેરહાજર રહી હતી અને સ્થાનિક વામપંથી પાર્ટીઓએ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો, પરંતુ વિરોધ છતા તેને પસાર કરી દેવામાં આવ્યો હતો. પ્રસતાવમાં કહેવામા આવ્યું હતું કે, ‘નગરપાલિકાની રમત સુવિધાઓનો ઉપયોગ આપણી ઓળખથી અલગ ધાર્મિક, સાંસ્ક્રૃતિક અથવા સામાજિક ગતિવિધિઓ માટે નહીં કરી શકાય, જ્યાં સુધી સ્થાનિક અધિકારી તેનું આયોજન ન કરે.’
પ્રસ્તાવ પર મતદાન દરમિયાન ગેરહાજર રહેનારી સ્થાનિક વોક્સ પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું, ‘વોક્સને કારણે સ્પેનમાં સાર્વજનિક સ્થળોએ ઇસ્લામિક તહેવારો પર પ્રતિબંધ લગાવવાનું પહેલું પગલું પસાર થઇ ગયું છે. સ્પેન હંમેશાં ખ્રિસ્તીઓની ભૂમિ રહ્યું છે અને હંમેશાં રહેશે.’ સ્પેનિશ ફેડરેશન ઓફ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષ મુનીર બેન્જેલોન અંદાલુસી અઝહરીએ સ્પેનિશ અખબાર એલ પેઇસને જણાવ્યું હતું કે, આ પ્રસ્તાવ ‘ઇસ્લામોફોબિક અને ભેદભાવપૂર્ણ’ છે. તેમણે કહ્યું કે- ‘તેઓ અન્ય ધર્મો પર નહીં, પરંતુ અમારા ધર્મ પર હુમલો કરી રહ્યા છે.’ સ્પેનમાં તાજેતરના વર્ષોમાં જાતિવાદી નિવેદનબાજી અને હુમલાઓમાં વધારો થયો છે તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સ્પેનમાં જે થઈ રહ્યું છે તેનાથી અમે હેરાન છીએ. 30 વર્ષમાં પહેલીવાર મને ભય લાગી રહ્યો છે. જુમિલા શહેરમાં લગભગ 27,000 લોકોની વસ્તી છે, જેમાંથી 7.5% મુખ્યત્વે મુસ્લિમ દેશોમાંથી આવે છે.
ધ ગાર્ડિયનના એક રિપોર્ટ મુજબ, આ નિર્ણયને પડકારવામાં આવશે કારણ કે તે સ્પેનિશ બંધારણની કલમ 16નું ઉલ્લંઘન કરે છે, જેમાં કહેવામા આવ્યું છે કે, ‘લોકો અને સમુદાયોની વિચારધારા, ધર્મ અને પૂજાની સ્વતંત્રતાની ગેરન્ટી આપવામાં આવે છે અને કાયદા દ્વારા સુરક્ષિત સાર્વજનિક વ્યવસ્થા જાળવવા માટે જરૂરી પ્રતિબંધો સિવાય તેમની અભિવ્યક્તિ પર કોઈ પ્રતિબંધ લગાવી નહીં શકાય.’ મર્સિયાના સમાજવાદી નેતા ફ્રાન્સિસ્કો લુકાસે X પર કહ્યું કે, ‘પીપલ્સ પાર્ટી બંધારનનું ઉલ્લંઘન કરે છે, માત્ર સત્તાની ચાહનામાં સામાજિક એકતાને જોખમમાં મૂકી રહી છે.’ જુમિલાના પૂર્વ સમાજવાદી મેયર, જુઆના ગાર્ડિઓલાએ કહ્યું કે- ‘ઓળખ સાથે તેમનો શું મતલબ છે? અને અહીં સદીઓ જૂના મુસ્લિમ વારસાનું શું? જે આ પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે?’
જુમિલા એક સમયે રોમન સામ્રાજ્યનો હિસ્સો હતું, જ્યાં સુધી આઠમી સદીમાં આરબોએ તેના પર જીત ન મેળવી. આરબોએ તેનું નામ યુમિલ-લા રાખ્યું અને સદીઓ સુધી તેના પર શાસન કર્યું. 13મી સદીના મધ્યમાં, કેસ્ટિલ સામ્રાજ્યના આલ્ફોન્સો દસમના નેતૃત્વ હેઠળના ખ્રિસ્તી સૈનિકો દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ, સ્થાનિક આરબ શાસકોએ તેમની સાથે એક સમજૂતી કરી, જેને અલ્કાટ્રાઝના આત્મસમર્પણના રૂપમાં ઓળખવામાં આવે છે. આ સમજૂતી હેઠળ નક્કી થયું કે, જુમિલા પર આલ્ફોન્સો શાસન કરશે અને જ્યાં સુધી તે સ્થાનિક વસ્તીના અધિકારોનું સન્માન કરશે. જોકે, આલ્ફોન્સોના મોત બાદ તરત જ કેએસસ્ટિલ રાજ્યએ જુમિલા પર આક્રમણ કરી દીધું અને ત્યાં આરબ શાસનનો અંત આવી ગયો.

