- World
- પાકિસ્તાનની એરલાઇન્સને લાગી ગયું તાળું! એન્જિનિયરોને પગાર ન મળવાથી વિમાની સેવા ઠપ્પ
પાકિસ્તાનની એરલાઇન્સને લાગી ગયું તાળું! એન્જિનિયરોને પગાર ન મળવાથી વિમાની સેવા ઠપ્પ
પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) વધુ એક સંકટનો સામનો કરી રહી છે. એવું જાણવા મળ્યું છે કે, એરક્રાફ્ટ એન્જિનિયરોએ ફ્લાઇટ ક્લિયરન્સ આપવાનો ઇનકાર કર્યો છે. આના કારણે દેશભરમાં એરલાઇનની કામગીરી સંપૂર્ણપણે સ્થગિત થઈ ગઈ છે. સોમવારે રાત્રે 8 વાગ્યા પછી નિર્ધારિત તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેના કારણે ઇસ્લામાબાદ, કરાચી અને લાહોર જેવા મુખ્ય એરપોર્ટ પર સેંકડો મુસાફરો અટવાઈ ગયા હતા.

ઇજનેર્સ યુનિયન (SAEP) કહે છે કે, જ્યાં સુધી એરલાઇનના CEO વ્યક્તિગત રીતે તેમની ફરિયાદોનો વિશ્વસનીય ઉકેલ ન આપે ત્યાં સુધી કોઈપણ સભ્ય કામ પર પાછા ફરશે નહીં. એવું કહેવામાં આવે છે કે, અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 12 ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હોવાના અહેવાલ છે, જેમાં ઉમરાહ યાત્રાળુઓને લઈ જતી ફ્લાઇટ્સનો પણ સમાવેશ થાય છે.

મોટા પ્રમાણમાં ફ્લાઇટ રદ થવાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને ક્ષેત્રોમાં કામગીરી સ્થગિત થઈ ગઈ છે, જેના કારણે હજારો મુસાફરો અટવાઈ ગયા છે. એરલાઇન મેનેજમેન્ટ કામગીરી ફરી શરૂ કરવા માટે અન્ય કંપનીઓ પાસેથી એન્જિનિયરિંગ સહાય મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે, PIA સેવાઓ ક્યારે સામાન્ય થશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી નથી.

યુનિયને જણાવ્યું હતું કે, 'મેનેજમેન્ટના આદેશોનું પાલન કરીને અમે મુસાફરોના જીવ જોખમમાં મૂકી શકતા નથી, કારણ કે આવશ્યક ભાગોની અછત હોવા છતાં ફ્લાઇટ્સ ક્લિયર કરવા માટે તેમના પર દબાણ છે. આ ઉપરાંત, તેઓ લાંબા સમયથી પગાર ન મળવાને કારણે પણ ગુસ્સે છે.'
PIAના CEOએ હડતાળને ગેરકાયદેસર જાહેર કરી છે અને કહ્યું છે કે, તે પાકિસ્તાન આવશ્યક સેવાઓ અધિનિયમ 1952નું ઉલ્લંઘન કરે છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, વિરોધ પ્રદર્શનો એરલાઇનની ચાલી રહેલી ખાનગીકરણ પ્રક્રિયાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ છે.

અહીં તમને બતાવી દઈએ કે, PIA લાંબા સમયથી દેવામાં ડૂબી ગયું છે. સરકાર તેને વેચીને અને રાજ્ય માલિકીની કંપનીઓમાં સુધારો કરીને નાણાં એકત્ર કરવા માંગે છે. એક TV ચેનલે પાકિસ્તાનના ખાનગીકરણ વડા મુહમ્મદ અલીનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, સરકાર વર્ષના અંત સુધીમાં પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)નું વેચાણ પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખે છે. આ પગલું IMFના 7 બિલિયન ડૉલરના કાર્યક્રમ હેઠળ મોટા ખાનગીકરણ અભિયાનનો એક ભાગ છે.

એક TV ચેનલે પોતાના અહેવાલમાં કહ્યું હતું કે, ગયા વર્ષે એક સોદો એટલા માટે અટકી ગયો હતો કે એક ખરીદદારે 60 ટકા હિસ્સા માટે માત્ર 36 મિલિયન ડૉલરની ઓફર કરી હતી, જ્યારે સરકાર લગભગ 303 મિલિયન ડૉલર ઇચ્છતી હતી. સરકાર હજુ પણ એક નવા ખરીદદારની શોધમાં છે, જે આનાથી પણ વધુ કિંમત ચૂકવી શકે. મુહમ્મદ અલીએ કહ્યું, 'અમારું લક્ષ્ય આ વર્ષના અંત સુધીમાં PIAને ખાનગી ક્ષેત્રને સોંપવાનું છે.'

