- World
- સ્વિટ્ઝર્લેન્ડે માદુરોની સંપત્તિ ફ્રીઝ કરી, આ નિર્ણય પાછળ શું છે કારણ?
સ્વિટ્ઝર્લેન્ડે માદુરોની સંપત્તિ ફ્રીઝ કરી, આ નિર્ણય પાછળ શું છે કારણ?
સ્વિસ સરકારની ફેડરલ કાઉન્સિલે 5 જાન્યુઆરી, 2026ના રોજ એક મોટો અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો. આ નિર્ણય હેઠળ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની સાથે સંકળાયેલા અન્ય લોકોની સ્વિટ્ઝર્લૅન્ડમાં રહેલી બધી સંપત્તિ તાત્કાલિક ફ્રીઝ કરવામાં આવી છે. આનો મતલબ કે આ સંપત્તિઓને ન તો વેંચી શકાય છે કે ન તો દેશની બહાર ટ્રાન્સફર કરી શકાય છે.
ફેડરલ કાઉન્સિલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ કાર્યવાહી વર્તમાન વેનેઝુએલાની સરકારના કોઈપણ સભ્યને લાગુ પડતી નથી. આ નિર્ણય ફક્ત માદુરો અને તેમની સાથે સંકળાયેલા ખાસ વ્યક્તિઓ સુધી મર્યાદિત છે. સરકારનું કહેવું છે કે આ પગલાનો હેતુ માત્ર એટલો જ છે કે, વર્તમાન પરિસ્થિતિઓમાં કોઈપણ પૈસા અથવા સંપત્તિ સ્વિટ્ઝર્લૅન્ડથી બહાર ન જઇ શકે.
https://twitter.com/SwissGov/status/2008141183252566198?s=20
3 જાન્યુઆરી 2026ના રોજ, અમેરિકાએ વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં નિકોલસ માદુરોની ધરપકડ કરી હતી અને તેમને ન્યૂયોર્ક લઈ જવામાં આવ્યા હતા. માદુરોની ધરપકડ બાદ, વેનેઝુએલામાં પરિસ્થિતિ અત્યંત અસ્થિર માનવામાં આવી રહી છે. આગામી દિવસો અને અઠવાડિયામાં ઘણા પ્રકારના રાજકીય દૃશ્યો ઉભા થઈ શકે છે. સ્વિસ સરકારે જણાવ્યું છે કે તે વેનેઝુએલાની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.
સ્વિટ્ઝર્લૅન્ડનું કહેવું છે કે, તેઓ તમામ પક્ષોને તણાવ ઓછો કરવા, સંયમ રાખવા અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવા વિનંતી કરી રહ્યા છે. આમાં બળનો ઉપયોગ ટાળવાનો અને રાષ્ટ્રીય સરહદોનો આદર કરવાનો સમાવેશ થાય છે. સ્વિટ્ઝર્લૅન્ડે એમ પણ કહ્યું કે, તેણે સંકટના સમાધાન માટે શાંતિપૂર્ણ રસ્તો શોધવાની રજૂઆત કરી છે અને જો જરૂરી હોય તો મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવવા તૈયાર છે.
આ નિર્ણય કયા કાયદા હેઠળ લેવામાં આવ્યો?
ફેડરલ કાઉન્સિલે FIAA કાયદા હેઠળ આ નિર્ણય લીધો છે, જે વિદેશી નેતાઓ અને પ્રભાવશાળી વ્યક્તિઓની ગેરકાયદેસર રીતે મેળવેલી સંપત્તિને ફ્રીઝ કરવા અને ત્યારબાદ પરત કરવા સાથે સંબંધિત છે. સરકારનું કહેવું છે કે આ નિર્ણય સાવચેતીના ભાગ રૂપે લેવામાં આવ્યો છે, જેથી ભવિષ્યમાં જો વેનેઝુએલા દ્વારા કોઈપણ કાયદાકીય કાર્યવાહી થાય છે, તો સંપત્તિઓને સુરક્ષિત રાખી શકાય.
આ સંપત્તિ ફ્રીઝ 2018થી સ્વિટ્ઝર્લૅન્ડમાં પહેલાથી જ લાગૂ કરાયેલા વેનેઝુએલા પરના પ્રતિબંધો ઉપરાંત છે. નવો નિર્ણય હેઠળ એવા વ્યક્તિઓની સંપત્તિ ફ્રીઝ કરવામાં આવી છે, જેમના પર અગાઉ કોઈ પ્રતિબંધ નહોતો. ફેડરલ કાઉન્સિલે સ્પષ્ટ કર્યું કે માદુરોને જે રીતે સત્તા પરથી દૂર કરવામાં આવ્યા હતા તે આ નિર્ણયમાં એક પરિબળ નથી. જરૂરી વાત એ છે કે સત્તાનું પરિવર્તન થઈ ચૂક્યું છે, અને ભવિષ્યમાં ગેરકાયદેસર સંપત્તિઓની તપાસ થઈ શકે છે. જો તપાસમાં સાબિત થાય કે સંપત્તિ ગેરકાયદેસર રીતે મેળવેલી કમાણી દ્વારા મેળવવામાં આવી હતી, તો સ્વિટ્ઝર્લૅન્ડ એ સુનિશ્ચિત કરશે કે તેનો ફાયદો વેનેઝુએલાના લોકોને મળે.

