- World
- ચીન પણ રશિયાથી ઓઈલ ખરીદે છે, તો ભારત પાછળ જ કેમ પડ્યા છો, ટ્રમ્પે કહ્યું- હજુ 8 કલાક જ થયા છે...
ચીન પણ રશિયાથી ઓઈલ ખરીદે છે, તો ભારત પાછળ જ કેમ પડ્યા છો, ટ્રમ્પે કહ્યું- હજુ 8 કલાક જ થયા છે...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% સુધીનો બેઝલાઇન ટેરિફ લગાવ્યાના તુરંત બાદ સંકેત આપ્યા છે કે સેકન્ડરી સેંક્શનનો આગામી રાઉન્ડ પણ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. માત્ર 8 કલાક અગાઉ જ ભારત પર વધારાના 25% ટેરિફની જાહેરાત કર્યા બાદ ટ્રમ્પે એક પત્રકારના સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, માત્ર 8 કલાક થયા છે. જોતા રહો શું થાય છે... તમને ઘણા સેકન્ડરી સેંક્શન જોવા મળશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન ભારત તરફથી રશિયન તેલ ખરીદવાના સંદર્ભમાં આવ્યું છે. ટ્રમ્પ પ્રશાસને તેને સીધી રીતે યુક્રેન યુદ્ધના ફંડિંગ સાથે જોડ્યુ છે અને તેને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ગણાવ્યું છે. જ્યારે એક પત્રકારે ટ્રમ્પને પૂછ્યું કે, ચીન પણ રશિયન તેલ ખરીદે છે, તો પછી માત્ર ભારતને જ કેમ નિશાન બનાવવામાં આવ્યું? તો ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યા કે અમે ભારત પર સેકન્ડરી સેંક્શન લગાવવાનું વિચારી રહ્યા છીએ. એવું અન્ય ઘણા દેશો પર પણ લાગૂ કરી શકાય છે, જેમાંથી એક ચીન પણ હોઈ શકે છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમણે ભારત પર વધારાના 25% ટેરિફની જાહેરાત કરી છે, જે 27 ઓગસ્ટથી અમલમાં આવશે. આ અગાઉ 30 જુલાઈના રોજ 25% ટેરિફની જાહેરાત કરવામાં આવી હતી, જે 7 ઓગસ્ટથી અમલમાં આવી છે. આ સ્પષ્ટ સંકેત છે કે અમેરિકા હવે માત્ર ટ્રેડ વૉર નહીં, પરંતુ એક પ્રકારની જિયોપોલિટિકલ પ્રેશર પોલિસી અપનાવી રહ્યું છે, જેમાં સેકન્ડરી સેંક્શન એક મહત્ત્વપૂર્ણ હથિયાર બની શકે છે.
આ બાબતે વિદેશ મંત્રાલયે પણ સ્પષ્ટતા કરી હતી કે ક્રૂડ ઓઇલની આયાત એક બજાર આધારિત નિર્ણય છે, જેનો ઉદ્દેશ્ય 140 કરોડ નાગરિકોની ઉર્જા જરૂરિયાતોને પૂરી કરવાનો છે. ભારતે આ પગલાને અનુચિત, અન્યાયપૂર્ણ અને પાયાવિહોણું ગણાવતા કહ્યું દુનિયાના ઘણા અન્ય દેશો પણ તેમના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છે, તો પછી માત્ર ભારતને જ કેમ નિશાન બનાવવામાં આવી રહ્યું છે? આ નિવેદન દર્શાવે છે કે ભારત ન માત્ર પોતાના નિર્ણયો પર અડગ છે, પરંતુ દબાણ હેઠળ આવવા માટે પણ તૈયાર નથી.
સેકન્ડરી સેંક્શન શું હોય છે?
સેકન્ડરી સેંક્શન એ પ્રતિબંધ હોય છે, જે અમેરિકા એ દેશો, કંપનીઓ અથવા સંસ્થાઓ પર લગાવે છે, જે પહેલાથી જ પ્રતિબંધિત દેશ (જેમ કે રશિયા, ઈરાન, વગેરે) સાથે વ્યાપારિક અથવા નાણાકીય વ્યવહારો કરે છે. તેમનો હેતુ ત્રીજા પક્ષને ડરાવીને મુખ્ય લક્ષ્ય દેશને આર્થિક રૂપે અલગ-થલગ પાડવાનો છે. હેતુ કૂટનીતિક દબાણ બનાવવાનો અને વૈશ્વિક વેપારમાં અમેરિકન શક્તિને ફરીથી સ્થાપિત કરવાનો છે. જો ટ્રમ્પ ભારત પર સેકન્ડરી સેંક્શન લગાવે છે તો ભારતની તેલ કંપનીઓ, બેંકો અને શિપિંગ ઈન્ડસ્ટ્રી પર પણ તેની અસર પડી શકે શકે છે.

