- World
- અમેરિકાના નિષ્ણાતોએ ટેરિફ ગેમ પર કહ્યું, 'ટ્રમ્પને અર્થતંત્રની બિલકુલ સમજ નથી, અહંકાર દ્વારા સંબંધોન...
અમેરિકાના નિષ્ણાતોએ ટેરિફ ગેમ પર કહ્યું, 'ટ્રમ્પને અર્થતંત્રની બિલકુલ સમજ નથી, અહંકાર દ્વારા સંબંધોનો નાશ કરી રહ્યા છે...'
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યો ભારત સાથેની ભાગીદારીને નષ્ટ કરી રહ્યા છે. ટ્રમ્પના 'અહંકાર'ને વિશ્વના સૌથી મોટા લોકશાહી સાથેના 'વ્યૂહાત્મક સંબંધો'ને નષ્ટ કરવાની મંજૂરી આપી શકાતી નથી. આ નિવેદનો એક વરિષ્ઠ US કાયદા નિર્માતા અને બે ભૂતપૂર્વ ટોચના US અધિકારીઓના છે.
US-ઇન્ડિયા કોકસના સહ-અધ્યક્ષ, ભારતીય-અમેરિકન કોંગ્રેસમેન રો ખન્નાએ કહ્યું કે, તેઓ US-ભારત ભાગીદારીને 'નાશ' કરવાના ટ્રમ્પના પ્રયાસો પર ચેતવણી આપી રહ્યા છે.
ખન્નાએ ટ્રમ્પ પર 'છેલ્લા 30 વર્ષથી US-ભારત જોડાણને મજબૂત બનાવવા માટે બંને દેશો દ્વારા થઇ રહેલા પ્રયાસોને નબળો પાડવા'નો આરોપ લગાવ્યો.
ખન્નાએ વધુમાં કહ્યું કે, ટ્રમ્પની નીતિઓ 'ભારતને ચીન અને રશિયા તરફ ધકેલી રહી છે', આ પ્રકારનું વલણ US માટે વ્યૂહાત્મક આંચકા સમાન છે. તેમણે કહ્યું કે ભારત પર લાદવામાં આવેલા ટેરિફ બ્રાઝિલ સિવાયના કોઈપણ દેશ કરતા વધારે છે અને ચીન પર લાદવામાં આવેલા ટેરિફ કરતા પણ વધારે છે, જે રશિયન ઊર્જાનો સૌથી મોટો ખરીદદાર છે.
રો ખન્નાએ આ વિવાદના મૂળ કારણ તરફ ધ્યાન દોર્યું અને કહ્યું કે, તેના કારણો ખૂબ જ સ્પષ્ટ છે.
ખન્નાએ કહ્યું કે PM નરેન્દ્ર મોદી દ્વારા નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પને નોમિનેટ કરવાનો ઇનકાર કરવાથી બંને દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે. જ્યારે પાકિસ્તાને ખુશીથી આવું કર્યું હતું.
અમેરિકન રાજદ્વારીમાં પ્રભાવશાળી અવાજ તરીકે ઉભરી આવેલા રો ખન્નાએ ઇસ્લામાબાદના એક નિવેદનનો ઉલ્લેખ કર્યો. જેમાં ટ્રમ્પને આ વર્ષે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના ચાર દિવસના સંઘર્ષને સમાપ્ત કરવાનો શ્રેય આપવામાં આવ્યો હતો. જોકે, ભારતે કહ્યું કે પાકિસ્તાન સાથેનો સરહદ વિવાદ આંતરિક બાબત છે અને તેણે ટ્રમ્પને કોઈ શ્રેય આપ્યો નથી.
ખન્નાએ કહ્યું, 'અમે ડોનાલ્ડ ટ્રમ્પના અહંકારને ભારત સાથેના વ્યૂહાત્મક સંબંધોને નષ્ટ કરવાની મંજૂરી આપી શકતા નથી, એ ખાતરી કરવા માટે મહત્વપૂર્ણ છે કે વિશ્વનું નેતૃત્વ અમેરિકા દ્વારા થાય છે, ચીન દ્વારા નહીં.' ભારતીય અમેરિકનોને સંબોધતા રો ખન્નાએ કહ્યું કે જેમણે ટ્રમ્પને મત આપ્યો છે, હું આજે તેમને પૂછી રહ્યો છું કે, જ્યારે ટ્રમ્પ આ સંબંધનો અંત લાવી રહ્યા છે ત્યારે તમે ક્યાં છો.
ટેરિફ અને રશિયન તેલની ખરીદી પર ભારતને લક્ષ્ય બનાવતી ટ્રમ્પની કાર્યવાહીની અન્ય US રણનીતિકારો દ્વારા પણ આકરી ટીકા કરવામાં આવી છે. આમાં વ્હાઇટ હાઉસ વહીવટમાં સેવા આપી ચૂકેલા અધિકારીઓનો સમાવેશ થાય છે.
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને સોમવારે કહ્યું હતું કે, ટ્રમ્પે 'ભારત સાથેના સંબંધોની અવગણના કરી છે.' કારણ કે પાકિસ્તાન તેમના પરિવાર સાથે ધંધાકીય સોદા કરવા તૈયાર છે. તેમણે આ પગલાને અમેરિકા માટે 'મોટા વ્યૂહાત્મક નુકસાન' તરીકે વર્ણવ્યું હતું.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેનના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કામ કરનારા જેક સુલિવને કહ્યું હતું કે, મને લાગે છે કે ટ્રમ્પે ટ્રમ્પ પરિવાર સાથે વ્યવસાયિક સોદા કરવાની પાકિસ્તાનની ઇચ્છાને કારણે ભારત સાથેના સંબંધોની અવગણના કરી છે.
ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં NSA તરીકે સેવા આપનારા જોન બોલ્ટને કહ્યું છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે પશ્ચિમી દેશો દ્વારા ભારતને રશિયાથી દૂર રાખવા અને ચીન દ્વારા ઉભા થયેલા ખતરા વિશે ચેતવણી આપવાના દાયકાઓના પ્રયાસોનો 'નાશ' કર્યો છે.

જોન બોલ્ટને સોમવારે X પર પોસ્ટ કર્યું હતું કે, 'પશ્ચિમે દાયકાઓથી ભારતને સોવિયત સંઘ રશિયાથી દૂર રાખવાની નીતિ પર કામ કર્યું છે અને ચીન દ્વારા ઉભા થયેલા ખતરા વિશે ભારતને ચેતવણી પણ આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમની વિનાશક ટેરિફ નીતિથી દાયકાઓના પ્રયાસોને નષ્ટ કરી દીધા છે.'
બોલ્ટને કહ્યું હતું કે, અમેરિકાએ એવી ઘણી વસ્તુઓ કરી છે, જેનાથી ભારત ગુસ્સે થયું છે, ટ્રમ્પ તેને અમેરિકા માટે મહાન કહે છે પરંતુ તે 'વિનાશક' છે.
ન્યૂ યોર્ક સ્થિત સ્કૂલ ઓફ પ્રોફેશનલ સ્ટડીઝના સેન્ટર ફોર ગ્લોબલ અફેર્સ ખાતેના વિશ્લેષક એડવર્ડ પ્રાઈસ કહે છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પને અર્થશાસ્ત્રની કોઈ સમજ નથી. હાલમાં ભારત સાથે મુકાબલો કરવાની કોઈ જરૂર નહોતી.
તેમણે કહ્યું, 'મને પહેલા લાગતું હતું કે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને અર્થશાસ્ત્રની ખૂબ ઓછી સમજ છે અને હવે મને સમજાયું છે કે હું ખોટો હતો. હકીકતમાં US પ્રમુખને અર્થશાસ્ત્રની કોઈ સમજ જ નથી, ભારત પ્રત્યેના તેમના વર્તનને જોતાં... ખાસ કરીને વર્તમાન સમયમાં, અમેરિકા અને ભારત વચ્ચે આવા સંઘર્ષનું કોઈ કારણ નથી. તે જરૂરી નહોતું અને તે સંપૂર્ણપણે અમેરિકાનું કામ હતું.'
એડવર્ડ પ્રાઈસે કહ્યું કે, ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને નુકસાન પહોંચાડ્યું છે. કાં તો તેઓ અમેરિકન રાષ્ટ્રીય હિતને સમજી શકતા નથી અથવા તેઓ સક્રિય રીતે તેની વિરુદ્ધ કામ કરી રહ્યા છે.
આ દરમિયાન, એક પ્રકારના સકારાત્મક સંકેતમાં, ટ્રમ્પે કહ્યું છે કે, ભારત સાથે અમારા ખૂબ સારા સંબંધો છે. પરંતુ તેમણે એમ પણ કહ્યું કે, ભારત સાથે અમેરિકાના વેપાર સંબંધ એકતરફી હતા. અને વેપાર સંતુલિત ન હતો.

