- World
- અમેરિકામાં થયેલું શટડાઉન ખરેખર શું છે, જેમાં સરકારી કામકાજ બંધ થશે, કર્મચારીઓને નહીં મળે સેલેરી
અમેરિકામાં થયેલું શટડાઉન ખરેખર શું છે, જેમાં સરકારી કામકાજ બંધ થશે, કર્મચારીઓને નહીં મળે સેલેરી
અમેરિકામાં કેન્દ્ર સરકાર એટલે કે ટ્રમ્પ પ્રશાસનનું સત્તાવાર શટડાઉન થઈ ગયું છે. સરકારના ભંડોળ પર જ તાળું લાગી ગયું છે કેમ કે સંસદમાંથી જરૂરી મંજૂરી મળી શકી નથી. સરકાર પોતાના સ્પેન્ડિંગ બિલને પસાર કરવામાં નિષ્ફળ ગઈ છે. ત્યારબાદ મધ્યરાત્રિએ જ સરકારી ભંડોળ સમાપ્ત થઈ ગયું અને કેપિટલમાં કોઈને ખબર નથી કે આગળ શું થશે. 6 વર્ષમાં આ પહેલું સરકારી શટડાઉન છે.
શટડાઉનનો અર્થ એ છે કે આખા અમેરિકામાં સરકારી એજન્સીઓ કામચલાઉ બંધ થઈ જશે. સરકારી શટડાઉન હેઠળ, બિન-આવશ્યક ગણાતા કેન્દ્રિય કર્મચારીઓને પગાર વિના રજા પર ઉતારી દેવામાં આવશે. સૈન્ય કર્મચારીઓ સહિત આવશ્યક કર્મચારીઓએ પગાર વિના કામ કરવું પડશે.
https://twitter.com/SpeakerJohnson/status/1973236526889713666
શટડાઉનની શું અસર થશે?
અમેરિકામાં નવું નાણાકીય વર્ષ 1 ઓક્ટોબરથી લાગૂ થાય છે, પરંતુ આ વખતે ટ્રમ્પ પ્રશાસનનું સ્પેન્ડિંગ બિલ પસાર ન થયું અને શટડાઉન 12:01 વાગ્યે શરૂ થઇ ગયું. આ વખતે કુલ સરકારી કર્મચારીઓમાંથી 40% અથવા લગભગ 8 લાખ કર્મચારીઓને પગાર વિના કામચલાઉ રજા પર મોકલી શકાય છે. જોકે કાયદો અને વ્યવસ્થા, સીમા સુરક્ષા, મેડિકલ અને હવાઈ સેવાઓ જેવી આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. ખાદ્ય સહાય કાર્યક્રમો, ખાદ્ય નિરીક્ષણો, કેન્દ્ર દ્વારા સંચાલિત શાળાઓ અને વિદ્યાર્થી લોન જેવી સેવાઓ પણ મર્યાદિત અથવા બંધ કરી શકાય છે.
આ ઉપરાંત શટડાઉનની અસર ટ્રાન્સપોર્ટ સેવા પર જોવા મળશે. ઘણી એરલાઇન્સે સેવાઓમાં અસરની ચિંતા વ્યક્ત કરી છે. ફ્લાઇટ્સમાં વિલંબ થઈ શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે શટડાઉન જેટલું લાંબું ચાલશે, તેટલી જ વધુ અસર થશે. નિષ્ણાતોને ડર છે કે, શટડાઉન લાંબા સમય સુધી રહેવાથી બજારો અને અર્થવ્યવસ્થા પ્રભાવિત થઇ શકે છે.
અમેરિકામાં શટડાઉન ટાળવાના છેલ્લા પ્રયાસના રૂપમાં મંગળવારે સેનેટમાં ટ્રમ્પ સરકારના ભંડોળને 7 અઠવાડિયા સુધી લંબાવવા માટે એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. તેની તરફેણમાં 55 અને વિરુદ્ધ 45 મત મળ્યા. આ બિલ પસાર થવા માટે ઓછામાં ઓછા 60 મતોની જરૂર હતી, પરંતુ તે ન થઇ શક્યું. વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની રિપબ્લિકન પાર્ટી આરોગ્ય સંભાળ સંબંધિત તેમની માંગણીઓ સ્વીકારી રહ્યા નથી અને એવામાં સ્પેન્ડિંગ બિલને મંજૂરી ન આપીને સરકારી ભંડોળને જ તાળું લગાવી રહી છે. ઉલ્લેખનીય છે કે, સરકારી ભંડોળમાં વધારો કર્યા વિના સેનેટ દિવસભર માટે મુલતવી રાખવામાં આવ્યું હતું એટલે કે બુધવારે સ્થાનિક સમય મુજબ રાત્રે 12:01 વાગ્યે શટડાઉન શરૂ થઇ ગયું.

