- Tech and Auto
- મસ્કના સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટની કિંમત આવી સામે, 8600 રૂપિયા ચૂકવવા પડશે
મસ્કના સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટની કિંમત આવી સામે, 8600 રૂપિયા ચૂકવવા પડશે
એલોન મસ્કનું સ્ટારલિંક વિશ્વભરમાં લોકપ્રિય છે. તેના ભારતમાં લોન્ચ અંગે ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી છે. હવે, આખરે, આ સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા માટેની યોજનાઓ જાહેર થઈ ગઈ છે. જે લોકો એવું માનતા હતા કે આ સસ્તું ઇન્ટરનેટ હશે, તેઓ બિલકુલ સંતુષ્ટ નહીં થાય.
સ્ટારલિંક ઇન્ડિયા વેબસાઇટ અનુસાર, ભારતમાં સ્ટારલિંકના પ્લાન મહિનાના રૂ. 8600થી શરૂ થશે. એટલું જ નહીં, વપરાશકર્તાઓએ હાર્ડવેર કીટ માટે રૂ. 34,000 અલગથી ચૂકવવા પડશે.
તેની ખરીદી કર્યા પછી, તમે તેને જાતે સેટ કરી શકો છો. કંપનીના જણાવ્યા મુજબ, સેટઅપ પૂરું થયા પછી તમારું ઇન્ટરનેટ કામ કરવાનું શરૂ કરી દેશે. જો કે, કંપની ઇન્ટરનેટ માટે 30-દિવસનો ટ્રાયલ પણ આપી રહી છે.
સ્ટારલિંકનો દાવો છે કે, આ સેવા 99.9 ટકા અપટાઇમ સાથે આવે છે અને ઇન્ટરનેટ વિક્ષેપનો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો. એટલું જ નહીં, કંપનીએ સ્થિરતા વિશે પણ ઘણા બધા વચનો આપ્યા છે. તેને દેશમાં ગમે ત્યાં ઇન્સ્ટોલ અને ઉપયોગ કરી શકાય છે. કારણ કે આ ઇન્ટરનેટ એલોન મસ્કના સ્ટારલિંક સેટેલાઇટ પર આધારિત છે, જો કે હાલમાં તે મર્યાદિત સ્થળોએ ઉપલબ્ધ છે.
30 દિવસના ટ્રાયલ દરમિયાન વપરાશકર્તાઓને અમર્યાદિત ડેટા મળશે. તમે સ્ટારલિંક ઇન્ડિયા વેબસાઇટની મુલાકાત લઈને પ્લાન અને ઉપલબ્ધતા ચકાસી શકો છો. વેબસાઇટ સ્થાનના આધારે વિવિધ પ્લાન અને પ્રમોશનલ ઑફર્સની પણ સૂચિ આપે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્લાન ફક્ત રહેણાંક વપરાશકર્તાઓ માટે છે, કારણ કે કંપની વિવિધ પ્લાન ઓફર કરી રહી છે. ઉદાહરણ તરીકે, સ્ટારલિંક પાસે રોમ પ્લાન પણ છે, જે વપરાશકર્તાઓને તેઓ જ્યાં પણ જાય ત્યાં સ્ટારલિંક એન્ટેના કીટ પોતાની સાથે લઈ જવાની મંજૂરી આપે છે.
સ્ટારલિંકની એન્ટેના કીટ કાર પર પણ લગાવવાની સુવિધા ઉપલબ્ધ હોય છે. કંપની ભારતમાં કઈ સેવાઓ ઓફર કરશે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ આ સેવાઓ અન્ય દેશોમાં ઉપલબ્ધ છે.
સ્ટારલિંક ઇન્ડિયા વેબસાઇટ પર ઉપલબ્ધતા તપાસવા માટે તમારે તમારો પિન કોડ દાખલ કરવાની જરૂર પડશે. જો કે, અમે અજમાવેલા બધા પિન કોડ દર્શાવે છે કે, આ સેવા હાલમાં તમારા સ્થાન પર ઉપલબ્ધ નથી. E-mail ID દાખલ કર્યા પછી, આ સેવા શરૂ થતાંની સાથે જ, કંપની તમને સૂચના દ્વારા જાણ કરશે.

