રાજકોટઃ ગોંડલ ચોકડી ઓવરબ્રિજ પર મોટી તિરાડ, 2 વર્ષ અગાઉ જ 9 કરોડના ખર્ચે બન્યો હતો
ગુજરાત રાજ્યમાં તાજેતરમાં રોડ-રસ્તા તથા પાણીની ટાંકી સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ હાલમાં સવાલોના ઘેરામાં છે. થોડા મહિના અગાઉ ગંભીર બ્રિજ અકસ્માત, બાદમાં અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ, સુભાષ બ્રિજ જર્જરિત થઈ જતાં બંધ કરી દેવાયા હતા, જ્યારે તાજેતરમાં જ સુરતના તડકેશ્વર ગામની નિર્માણાધીન પાણીની ટાંકી ઉદ્ઘાટન અગાઉ ટેસ્ટિંગ સમયે જ કડડભૂસ્સ થઈ જતા આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કેબિનેટ બેઠકમાં જવાબદાર અધિકારીઓની ઝાટકણી કાઢી હતી, ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટથી પણ સામે આવ્યો છે. જ્યાં શહેરમાં વધુ એક બ્રિજની હાલત કફોડી બની છે.
આમ આદમી પાર્ટી (AAP)એ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા ગોંડલ ચોકડી ઓવરબ્રિજ પર પડેલી વિશાળ તિરાડો અને જર્જરિત પોપડાઓને કારણે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાવાની દહેશત વ્યક્ત કરી છે. AAPના મહિલા નેતા શીતલબેન ગોહેલે જણાવ્યું હતું કે, અગાઉ જ્યારે આ બ્રિજ બન્યો હતો, ત્યારે પણ ભ્રષ્ટાચારની વાતો સામે આવી હતી. અત્યારે તે વાત સાબિત થઈ રહી છે. આ બ્રિજના જોઈન્ટ વચ્ચે 4 ઈંચની તિરાડ પડી છે અને અમુક જગ્યાએ મોટા પોપડા ઉખડી ગયા છે. બ્રિજની અંદર સળિયા પણ બહાર દેખાઈ રહ્યા છે. બ્રિજનો કેટલો ભાગ એક તરફ નમી રહ્યો હોય તેવું પણ સ્પષ્ટ જણાઈ આવે છે.
મહિલા નેતાએ PM મોદીની વાઈબ્રન્ટ સમિટની મુલાકાતને પણ બ્રિજ સાથે જોડતા જણાવ્યું હતું કે, વડાપ્રધાને મારવાડી કોલેજ જવાને બદલે રાજકોટમાં બનેલા આ સિક્સ લેન હાઈવે અને બ્રિજની મુલાકાત લેવાની ખાસ જરૂર હતી. ભાજપ સરકારમાં કેટલાક લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને પ્રજાના જીવ જોખમમાં મૂકી રહ્યા છે તેનો સરવે પણ વડાપ્રધાને કરવાની જરૂર છે. આ બ્રિજ પર મોટા સાંધાઓને કારણે વાહન ચલાવતી વખતે જોરદાર ઝટકા લાગે છે. જેના લીધે વાહનોના ટાયર ફાટવા અને વાહનોને નુકસાન થવાની ઘટનાઓ અવારનવાર બને છે.
જોકે, AAPના આક્ષેપો બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને બ્રિજ પર પર તિરાડ પડ્યાની જગ્યાએ સમારકામ કરવામાં આવી રહ્યું હતું. રાજકોટની ગોંડલ ચોકડી પાસેનો એલિવેટેડ બ્રિજ જેનું નિર્માણ વર્ષ 2023માં કરવામાં આવ્યું હતું. થોડા વર્ષો અગાઉ જ બનેલો બ્રિજ હવે મોતનો બ્રિજ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. લગભગ 90 કરોડના ખર્ચે તૈયાર થેયલા આ સિક્સ લેન બ્રિજની લંબાઈ 1.2 કિમી છે. આ બ્રિજ અમદાવાદથી સોમનાથ કે પોરબંદર જતા હજારો મુસાફોર માટે મુખ્ય રસ્તો છે. જોકે, આટલો ખર્ચ કરવા છતા બ્રિજના બંને જોઈન્ટ વચ્ચે લગભગ 4 ઈંચ જેટલી મોટી તિરાડ પડી ગઈ છે.
અગાઉ પણ આ બ્રિજના જોઇન્ટમાં તિરાડો પડવાના કિસ્સા સામે આવ્યા હતા. પરંતુ તંત્ર દ્વારા માત્ર થીગડા મારીને કામ ચલાવવામાં આવ્યું હતું. અત્યારે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે, ત્યારે કોઈપણ મોટી દુર્ઘટના બને કે કોઈ જાનહાનિ થાય તે અગાઉ તંત્ર જાતે અને તાત્કાલિક બ્રિજનું સમારકામ કરવામાં આવે. આ સાથે ભ્રષ્ટાચાર કરનાર કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ AAP દ્વારા કરવામાં આવી છે, ત્યારે હવે તંત્ર દ્વારા આ મામલે ક્યારે અને શું પગલાં લેવાશે તે જોવાનું રહ્યું.
આ બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકોએ પોતાની વ્યથા ઠાલવી હતી તેમણે કહ્યું હતું કે, આ જગ્યા પરથી જ્યારે પણ પસાર થાય છે ત્યારે તેમને એક ડરની લાગણી અનુભવાય છે. બંને જોઈન્ટ વચ્ચે એટલી જગ્યા છે કે સ્પીડથી જતા વાહન ચાલકોને ઝાટકા લાગતા હોય છે. તો રીક્ષા ચાલકોએ કહ્યું હતું કે, આ બ્રિજની ખરાબ હાલતના કારણે તેમના વાહનોને નુકસાન થતું હોય છે. ખાસ કરીને ટાયર ફાટવા જેવી ઘટનાઓ પણ બનતી હોય છે. ત્યારે તાત્કાલિક આ બ્રિજને રીપેર કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે.
નોંધનીય છે કે, રાજકોટ બાયપાસ પર થોડા વર્ષ અગાઉ બ્રિજની દીવાલ ધસી પડવાની ઘટના બની હતી. જેમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને હાલમાં પણ વર્ષ 2023માં બનેલો આ ગોંડલ ચોકડી એલીવેટેડ બ્રિજ પર માત્ર ત્રણ વર્ષમાં જ મોટી તિરાડ અને પોપડા પડવાના દૃશ્ય સામે આવી રહ્યા છે, ત્યારે આ બ્રિજની આવી ગંભીર હાલતથી કોઈ ઘટના બને એ પહેલા જ તંત્ર જાગે એ પણ જરૂરી છે. હવે જોવું રહ્યું કે આ મામલે તંત્ર કેટલું સભાન થઈને કામ કરે છે.

